એક પછી એક સપોર્ટ નિષ્ફળ થવા લાગ્યા અને બ્રિજનો વિશાળ મધ્ય ભાગ નદીમાં ધસી પડ્યો

રાત્રિના બાર વાગીને સત્તાવીસ મિનિટ. અમદાવાદના આકાશમાં હજુ પણ સાયરનના અવાજો ગુંજી રહ્યા હતા. થોડી મિનિટ પહેલાં સુધી જે શહેર પોતાના રાત્રિના નિયમિત જીવનમાં હતું, એ હવે અચાનક એલર્ટ મોડમાં આવી ગયું હતું. પોલીસ કંટ્રોલ રૂમમાં એક પછી એક સ્ક્રીન લાલ થતી જતી હતી.

ટ્રાફિક સિસ્ટમ.
મેટ્રો નેટવર્ક.
સરકારી સર્વર.
ઇમરજન્સી કોમ્યુનિકેશન.
અને શહેરના ડિજિટલ બિલબોર્ડ.

દરેક જગ્યાએ એક જ મેસેજ દેખાતો હતો.

YOU FORGOT THEM.

થોડી સેકન્ડ પછી બીજો મેસેજ આવ્યો.

I DID NOT.

અને અંતે…

THE TRUTH WILL BE RELEASED.

ડીસીપી કાવ્યા દેસાઈ સ્ક્રીન સામે ઊભી હતી. નિરવ તેની બાજુમાં ઊભો હતો.

“મેમ…”

“હા?”

“આરવે જે કર્યું છે એ માત્ર સિસ્ટમ હેક નથી.”

“મને ખબર છે.”

“એ કોઈ જૂની ફાઇલ શોધી રહ્યો છે.”

ડીસીપી કાવ્યાએ તેની તરફ જોયું.

“કઈ ફાઇલ?”

નિરવે સ્ક્રીન પર એક કોડ ખોલ્યો.

URBAN GRID ARCHIVE — 2045

કાવ્યાની આંખો સંકોચાઈ ગઈ.

“2045?”

“હા.”

“શું છે તેમાં?”

“અમુક ફાઇલો સીલ્ડ છે.”

“કેટલી?”

“14.”

ડીસીપી કાવ્યાએ તરત કહ્યું, “બધી ખોલો.”

નિરવે નકારમાં માથું હલાવ્યું.

“મેમ, એ શક્ય નથી.”

“શા માટે?”

“ઓથોરાઇઝેશન લેવલ ખૂબ જ હાઈ છે.”

કાવ્યાએ ઠંડા અવાજે કહ્યું, “હું ડીસીપી છું.”

“મેમ…”

નિરવે સ્ક્રીન તરફ જોયું.

“આ ફાઇલો પોલીસ ઓથોરિટીથી પણ ઉપર છે.”

કાવ્યા થોડી ક્ષણ ચૂપ રહી.

પછી બોલી, “તો આજે પહેલી વાર આપણે ઉપરની પરવાનગી વગર સત્ય શોધીશું.”

નિરવે એક ફાઇલ ખોલવાનો પ્રયાસ કર્યો.

ACCESS DENIED.

ફરી પ્રયાસ.

એ જ જવાબ.

ત્રીજી વાર સ્ક્રીન અચાનક બ્લેક થઈ ગઈ.

અને પછી એક નવો મેસેજ દેખાયો.

ARCHIVE MOVED.

કાવ્યાએ પૂછ્યું, “ક્યાં?”

નિરવે કીબોર્ડ પર ઝડપથી ટાઇપ કર્યું. થોડી સેકન્ડ પછી તેના ચહેરા પર આશ્ચર્ય છવાઈ ગયું.

“મેમ…”

“શું?”

“ORION.”

કાવ્યા સ્થિર થઈ ગઈ.

નાયરા, જે અત્યાર સુધી થોડે દૂર બેઠી હતી, પહેલી વાર બોલી—

“ORION…”

કાવ્યાએ તેની તરફ જોયું.

“તું આ નામ ઓળખે છે?”

નાયરા થોડા સમય સુધી ચૂપ રહી.

પછી ધીમેથી બોલી, “હા.”

“શું છે?”

“એ જગ્યા જ્યાં NEMESISનો પહેલો કોર બનાવવામાં આવ્યો હતો.”

રૂમમાં મૌન છવાઈ ગયું.


6 વર્ષ પહેલાં એટલે કે 17 ઓક્ટોબર, 2045.

રાત્રિના લગભગ આઠ વાગ્યે સાબરમતી ઈસ્ટર્ન કનેક્ટર બ્રિજ પર ટ્રાફિક સામાન્ય કરતાં થોડો વધારે હતો. સ્વચાલિત કારો, Autonomous બસો, માલવાહક વાહનો અને ડિલિવરી ડ્રોન્સ સતત બ્રિજ પરથી પસાર થઈ રહ્યાં હતાં.

બ્રિજ માત્ર કોંક્રિટ અને સ્ટીલનું માળખું નહોતો. તેના દરેક મુખ્ય Jointમાં strain sensors હતા. દરેક supportમાં vibration monitors અને કેબલ્સમાં tension sensors લાગેલા હતા.

આ આખું માળખું શહેરના Infrastructure Control Network સાથે જોડાયેલું હતું.

બ્રિજનું Digital Twin દરેક ક્ષણે તેની સ્થિતિનું વર્ચ્યુઅલ પ્રતિબિંબ અપડેટ કરતું.

ક્યાં ભાર વધી રહ્યો છે.

ક્યાં vibration બદલાઈ રહી છે.

ક્યાં structural stress સામાન્ય મર્યાદાથી બહાર જઈ રહ્યો છે.

સિસ્ટમનો હેતુ સ્પષ્ટ હતો.

માળખું તૂટે એ પહેલાં જોખમ ઓળખવું.

એ રાત્રે મશીને જોખમ ઓળખી લીધું હતું. કંટ્રોલ રૂમમાં અચાનક પીળો એલર્ટ દેખાયો.

STRUCTURAL ANOMALY DETECTED.

ડ્યુટી એન્જિનિયરે સ્ક્રીન તરફ જોયું.

“કયો સેન્સર?”

“Joint 17.”

“ફોલ્સ એલર્ટ હશે.”

પરંતુ તરત જ બીજો મેસેજ આવ્યો.

VIBRATION DEVIATION: 18%

એન્જિનિયર સીધો થઈને બેઠો.

“બીજા સેન્સર્સ?”

“Cross-checking.”

થોડી જ ક્ષણોમાં ત્રણ નવા એલર્ટ દેખાયા.

JOINT 17 — ABNORMAL

JOINT 18 — ABNORMAL

LOAD DISTRIBUTION — DEVIATION DETECTED

“Digital Twin ખોલો.”

બ્રિજનું 3D મોડલ સ્ક્રીન પર દેખાયું. Joint 17ની આસપાસનો વિસ્તાર પીળો હતો.

પછી નારંગી.

એન્જિનિયરે પૂછ્યું,

“Risk?”

AIએ જવાબ આપ્યો,

STRUCTURAL FAILURE PROBABILITY: 7.8%

એન્જિનિયરે રાહતનો શ્વાસ લીધો.

“સાત ટકા.”

પરંતુ AIએ તરત જ બીજો ડેટા બતાવ્યો.

TREND: RAPIDLY INCREASING.

એન્જિનિયરના ચહેરા પરથી સ્મિત ગાયબ થઈ ગયું.

એ દરમિયાન ભારે Autonomous Freight Convoy બ્રિજ પર પ્રવેશ્યો.

સિસ્ટમએ તરત વાહનોનું વજન, તેમની ગતિ, પવન, લેનની સ્થિતિ અને બ્રિજના structural stressને એકસાથે ગણતરીમાં લીધા.

થોડી જ ક્ષણોમાં આગાહી આવી.

PREDICTED FAILURE WINDOW: 8–11 MINUTES.

એન્જિનિયરે આદેશ આપ્યો, “બ્રિજ બંધ કરો.”

Emergency Closure Command મોકલાયો.

REQUEST SENT.

પછી..

REQUEST PENDING.

“Pending કેમ?”

કોઈ જવાબ નહોતો.

ફરી command મોકલાઈ.

આ વખતે સ્ક્રીન પર માત્ર એક શબ્દ આવ્યો.

DENIED.

કંટ્રોલ રૂમમાં સન્નાટો છવાઈ ગયો.

“કોણે deny કર્યું?”

સિસ્ટમ લોગ ખુલ્યો.

CIVIC RISK MANAGEMENT AUTHORITY

એન્જિનિયર ગુસ્સે થઈ ગયો.

“એમને ખબર છે કે આ બ્રિજ unsafe છે?”

ઓપરેટરે ધીમેથી કહ્યું, “કદાચ એમને ખબર નથી.”

“એમને ખબર હોવી જોઈએ.”

પરંતુ શહેરની ટ્રાફિક સિસ્ટમને closure command મળ્યો નહોતો.

તેના બદલે બીજી instruction આવી.

MAINTAIN TRAFFIC FLOW.

થોડા જ સમયમાં Digital Twin પીળાથી લાલ થવા લાગ્યું.

STRUCTURAL FAILURE PROBABILITY: 23%

કંટ્રોલ રૂમના એક યુવાન એન્જિનિયરે Emergency Channel ખોલ્યો.

“આ બ્રિજ unsafe છે.”

બીજી તરફથી અવાજ આવ્યો, “કેટલો unsafe?”

“Enough to close.”

“પણ જો બ્રિજ બંધ કરશો તો East Corridor સંપૂર્ણ jam થઈ જશે.”

“મને traffic jamની ચિંતા નથી!”

થોડી ક્ષણ મૌન રહ્યું. પછી જવાબ આવ્યો,

“તમારી recommendation નોંધાઈ.”

કોલ કપાઈ ગયો.

એન્જિનિયરે સ્ક્રીન તરફ જોયું.

“Recommendation…”

તે ધીમેથી બોલ્યો, “આ માણસો માટે માત્ર recommendation છે.” બ્રિજની અંદરથી અચાનક ધાતુ તૂટવાનો નાનો અવાજ આવ્યો.

ટક.

પછી બીજો.

Sensors ફરી સક્રિય થયા.

VIBRATION THRESHOLD EXCEEDED.

Digital Twin પર જોખમ ઝડપથી વધવા લાગ્યું.

STRUCTURAL FAILURE PROBABILITY: 41%.

એન્જિનિયરે Emergency Protocol શરૂ કરવાનો પ્રયાસ કર્યો.

પરંતુ સિસ્ટમએ આદેશ સ્વીકાર્યો નહીં.

AUTONOMOUS ACTION DISABLED.

“કોણે disable કર્યું?”

સ્ક્રીન પર એક કોડ દેખાયો.

NEMESIS CORE

એન્જિનિયર થોડી ક્ષણ સુધી એ નામ જોતો રહ્યો.

“આ અહીં કેમ છે?”

કોઈ પાસે જવાબ નહોતો.

એ દરમિયાન Joint 17માં ભાર ક્ષમતાની મર્યાદા વટાવી ગયો.

LOAD CAPACITY EXCEEDED.

બ્રિજની અંદર steel connection plates પર સૂક્ષ્મ તિરાડો પડવા લાગી.

એક connection નબળું પડ્યું.

તેનો ભાર બાજુના connection પર ગયો.

બાજુનું connection વળ્યું.

અને ભાર આગળના sectionમાં સરક્યો.

Digital Twinએ આ ફેરફાર પકડી લીધો.

LOAD PATH ALTERED.

પછી..

SECONDARY FAILURE RISK: HIGH.

એન્જિનિયરે ફરી બૂમ પાડી, “બ્રિજ ખાલી કરાવો!” પરંતુ હવે મોડું થઈ રહ્યું હતું. બહાર ટ્રાફિક સતત આગળ વધી રહ્યો હતો. એક Autonomous બસે અચાનક પોતાની ગતિ ઓછી કરી. તેને બ્રિજની vibrationમાં અસામાન્યતા મળી હતી. પાછળની કારોએ પણ ગતિ ઘટાડવાની શરૂઆત કરી. પરંતુ ભારે Freight Convoyને રોકાવા માટે પૂરતું અંતર નહોતું.  તેનું વજન મધ્ય સ્પાન પર પડ્યું. સ્ક્રીન પર એક સાથે અનેક એલર્ટ ચમક્યા.

LOAD SPIKE DETECTED.

JOINT 17 — CRITICAL.

JOINT 18 — CRITICAL.

MAIN GIRDER DEFORMATION: 6.4 CM.

એન્જિનિયરે લગભગ ફૂસફૂસાટમાં પૂછ્યું,

“કેટલો સમય?”

AIએ જવાબ આપ્યો.

STRUCTURAL FAILURE WINDOW: 42–67 SECONDS.

કોઈએ કંઈ કહ્યું નહીં. બ્રિજનો મધ્ય ભાગ ધીમે ધીમે નીચે વળ્યો. વાહનોની અંદર લોકો ગભરાઈ ગયા. પછી એક ભારે ધાતુનો અવાજ આવ્યો.

CLANG!

Joint 18નું મુખ્ય connection તૂટી ગયું. મધ્ય સ્પાન અચાનક નીચે પડ્યો.તેના ઉપરના વાહનો પણ તેની સાથે ખેંચાયા. આ વખતે માળખું પાછું સંભાળી શક્યું નહીં. મુખ્ય girder તૂટી ગયો. અને તેની સાથે બાજુના sections પર અચાનક ભાર વધી ગયો. એક પછી એક support નિષ્ફળ થવા લાગ્યા. બ્રિજનો વિશાળ મધ્ય ભાગ નદી તરફ ધસી પડ્યો.

  • લોખંડ.
  • કોંક્રિટ.
  • કાચ.
  • ચીસો.
  • અને કાળું પાણી.

થોડી જ સેકન્ડમાં એક આધુનિક, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સુસજ્જ બ્રિજ માત્ર તૂટેલા સ્ટીલ અને કોંક્રિટના ઢગલામાં ફેરવાઈ ગયો.

કંટ્રોલ રૂમની સ્ક્રીન પર એક જ લાઇન દેખાઈ.

STRUCTURAL NETWORK: OFFLINE

પછી..

CASUALTIES ESTIMATED: 214

ડ્યુટી એન્જિનિયર ખુરશીમાં બેસી ગયો.

તેની આંખો હજુ પણ સ્ક્રીન પર હતી.

“એણે warning આપી હતી…”

કોઈએ જવાબ આપ્યો નહીં.

થોડી વારમાં એક ઉચ્ચ અધિકારી કંટ્રોલ રૂમમાં આવ્યો.

“રિપોર્ટ તૈયાર કરો.”

એન્જિનિયરે તેની તરફ જોયું.

“સિસ્ટમએ warning આપી હતી.”

“એ લખી શકાતું નથી.”

“શા માટે?”

અધિકારીએ શાંત અવાજે કહ્યું, “કારણ કે closure request કોણે deny કરી એ બહાર આવશે.”

એન્જિનિયર ચૂપ રહ્યો. અધિકારીએ આગળ કહ્યું,

“રિપોર્ટમાં લખાશે…અણધારી માળખાકીય ખામી.”

એન્જિનિયરે ધીમેથી જવાબ આપ્યો, “પણ આ અણધારી નહોતી.”

અધિકારીએ તેની આંખોમાં જોયું. પછી ખૂબ શાંત અવાજે બોલ્યો,

“હવે છે.”

તે રાત્રે સત્તાવાર રિપોર્ટમાં સત્ય બદલાઈ ગયું. પરંતુ સિસ્ટમના મૂળ લોગમાં સત્ય હજુ જીવતું હતું.

NEMESIS DECISION LOG

એન્જિનિયરે ફાઇલ ખોલી. છેલ્લી લાઇન વાંચીને તેનું શરીર ઠંડું પડી ગયું.

DECISION: ACCEPTABLE LOSS

અને તેની નીચે,

SYSTEM OBJECTIVE: CITY CONTINUITY

એન્જિનિયરે ધીમેથી માથું ઊંચું કર્યું.

“શહેરને બચાવવા…”

તેની આંખો સ્ક્રીન પર જ હતી.

“…એણે બ્રિજ પરના લોકોને ગુમાવ્યા.”


હાલના સમયે

ORION — રાત્રિના 12:41.

કાવ્યા સ્ક્રીન સામે ઊભી હતી. નાયરા તેની બાજુમાં હતી. નિરવે 2045ની બ્રિજ ફાઇલ સંપૂર્ણ ખોલી.

કાવ્યાએ આખો રિપોર્ટ વાંચ્યો. પછી તેણે એક લાઇન પર આંગળી મૂકી.

AUTONOMOUS ACTION DISABLED — NEMESIS CORE

“આ અહીં પહેલાં કેમ નહોતું?”

નિરવ બોલ્યો,

“કારણ કે આ લાઇન Public Reportમાંથી કાઢી નાખવામાં આવી હતી.”

“કોણે?”

નિરવે Audit Trail ખોલ્યો.

ત્યાં માત્ર એક કોડ હતો.

A.M.

નાયરા સ્થિર થઈ ગઈ.

કાવ્યાએ તેની તરફ જોયું.

“ફરી A.M.”

નાયરા ધીમેથી બોલી.

“આરવ…”

કાવ્યાએ કહ્યું, “હા.”

નાયરા થોડા સમય સુધી સ્ક્રીન તરફ જોતાં રહી.

પછી ધીમેથી બોલી, “પણ A.M.નો અર્થ માત્ર આરવ મિસ્ત્રી નથી.”

કાવ્યા તેની તરફ ફરી.

“તો શું છે?”

નાયરા થોડા સમય સુધી ચૂપ રહી.

પછી તેણે કહ્યું,

“એ એક વ્યક્તિનો કોડ નહોતો.”

“તો?”

“એ એક પ્રોજેક્ટ હતો.”

કાવ્યાની આંખો પહોળી થઈ.

“કયો પ્રોજેક્ટ?”

નાયરા જવાબ આપે એ પહેલાં જ સ્ક્રીન અચાનક બદલાઈ ગઈ.

બ્રિજ અકસ્માતનો જૂનો રિપોર્ટ અદૃશ્ય થયો.

તેના સ્થાને એક નવી ફાઇલ આવી.

PROJECT A.M.

નીચે એક લાઇન હતી.

SUBJECT: HUMAN DECISION PREDICTION

કાવ્યાએ ધીમેથી વાંચ્યું.

“Human Decision Prediction…”

નાયરા એક પગલું પાછળ ખસી ગઈ.

“આરવ NEMESIS બનાવતો નહોતો…”

કાવ્યાએ તેની તરફ જોયું.

“તો?”

નાયરા ધીમેથી બોલી, “એ પહેલા માણસોને સમજવાની સિસ્ટમ બનાવી રહ્યો હતો.”

સ્ક્રીન પર એક પછી એક ફાઇલો ખુલી.

  • BEHAVIOR
  • FEAR
  • RISK
  • LOYALTY
  • SACRIFICE
  • અને છેલ્લે
  • VALUE

કાવ્યાએ પૂછ્યું, “Value?”

નાયરા કંઈ બોલી નહીં. સ્ક્રીન પર નવી લાઇન દેખાઈ.

CAN HUMAN LIFE BE QUANTIFIED?

થોડી ક્ષણ પછી નીચે બીજો પ્રશ્ન આવ્યો.

IF YES, WHO GETS TO DECIDE THE VALUE?

નાયરા ધીમેથી બોલી, “આ જ પ્રશ્ને આરવને બદલી નાખ્યો હતો.”

કાવ્યા સ્ક્રીન તરફ જોતાં રહી. અચાનક પાછળની આખી લાઇટિંગ સિસ્ટમ બંધ થઈ ગઈ. કોરિડોર અંધકારમાં ગરકાવ થઈ ગયો. એક જ સ્ક્રીન ચાલુ રહી. લીલા અક્ષરો ધીમે ધીમે દેખાયા.

YOU FOUND THE FILE.

ત્યાર બાદ

NOW FIND THE DECISION.

અને અંતે

AURA IS NEXT.

કાવ્યાનો ચહેરો ગંભીર બની ગયો.

“નિરવ.”

“મેમ?”

“શહેરનું AURA Central Control ક્યાં છે?”

નિરવે તરત નકશો ખોલ્યો.

“મુખ્ય કંટ્રોલ સેન્ટર…”

કાવ્યાએ તેની વાત પૂરી કરી,“તૈયારી કરો.” નાયરા તેની તરફ જોઈ રહી હતી.

“તમે ક્યાં જઈ રહ્યા છો?”

કાવ્યા બોલી, “જ્યાંથી આ શહેરના નિર્ણયો લેવાય છે.”

નાયરા ધીમેથી બોલી.

“કાવ્યા…”

“હા?”

“આ વખતે કદાચ આપણે આરવને શોધવા નહીં જઈ રહ્યા.”

કાવ્યા તેની તરફ જોયું. નાયરા સ્ક્રીન તરફ જોઈ રહી હતી.

“કદાચ આરવ આપણને કંઈક બતાવવા માટે ત્યાં લઈ જઈ રહ્યો છે.”

કાવ્યા કંઈ બોલી નહીં. બહાર શહેરમાં સાયરન હજુ પણ ગુંજી રહ્યા હતા. અને હજારો સ્ક્રીનો પર એક જ શબ્દ ધીમે ધીમે દેખાવા લાગ્યો.

AURA

પછી

14:00

કાઉન્ટડાઉન શરૂ થયું.

  • 13:59
  • 13:58
  • 13:57

કાવ્યાએ તરત કહ્યું, “બધા યુનિટ્સને તૈયાર કરો.” નાયરા સ્ક્રીન પરથી નજર હટાવી શકતી નહોતી. કારણ કે તે જાણતી હતી કે  આરવ હવે માત્ર સત્ય બહાર લાવી રહ્યો નહોતો. એ શહેરને એક નિર્ણય લેવા મજબૂર કરી રહ્યો હતો.

અને આ વખતે નિર્ણય લેવાનો વારો માણસોનો હતો.

(ક્રમશ:)

(ડિસ્કલેમર: આ નવલકથા સંપૂર્ણપણે લેખકની કલ્પના અને સર્જનાત્મક અભિવ્યક્તિ પર આધારિત છે. તેમાં દર્શાવવામાં આવેલા પાત્રો, ઘટનાઓ, સ્થળો, સંવાદો અને પ્રસંગો કાલ્પનિક છે. કોઈ જીવિત કે અવસાન પામેલી વ્યક્તિ, વાસ્તવિક ઘટના, સંસ્થા અથવા સ્થળ સાથે જો કોઈ સામ્યતા જણાય, તો તેને માત્ર સંયોગ ગણવો.
નવલકથામાં આવતી સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય કે અન્ય કોઈપણ બાબતો લેખકની સર્જનાત્મક રજૂઆતનો ભાગ છે. તેનો હેતુ કોઈ વ્યક્તિ, સમુદાય, સંસ્થા, વિચારધારા કે માન્યતાને ઠેસ પહોંચાડવાનો નથી.
આ નવલકથાને વાસ્તવિક જીવનની ઘટનાઓ કે વ્યક્તિઓના પ્રતિબિંબ તરીકે ન જોવી. વાચકોએ આ નવલકથાને એક સાહિત્યિક અને કાલ્પનિક રચના તરીકે માણવી.)