રાત્રિના 12:11 વાગ્યા હતા. ORIONની લેબમાં હજુ પણ અંધકાર હતો. માત્ર એક સ્ક્રીન ચાલુ હતી.તેના પર છેલ્લી લાઇન સ્થિર હતી.
NOW LET’S SEE WHAT THE CITY CHOOSES TO SAVE.
ડીસીપી કાવ્યા દેસાઈ સ્ક્રીન સામે ઊભી હતી. નાયરા તેની બાજુમાં હતી. નિરવ થોડે દૂર પોતાની સિસ્ટમ સાથે જોડાવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
“મેમ…”
“શું?”
“બધા બહારના નેટવર્ક કનેક્શન કટ થઈ ગયા છે.”
કાવ્યાએ તેની તરફ જોયું.
“કોણે કાપ્યા?”
“ખબર નથી.”
“ફાયરવોલ?”
“બધું સામાન્ય છે.”
“તો?”
નિરવએ માથું હલાવ્યું.
“આ હુમલો નથી.”
કાવ્યાની નજર સ્ક્રીન પર ગઈ.
“તો શું છે?”
નિરવ ધીમેથી બોલ્યો, “કોઈ આપણને અહીંથી બહાર જવા દેતું નથી.”
નાયરા તરત સમજી ગઈ.
“એ આપણને રોકી રહ્યો નથી.”
ડીસીપી કાવ્યા તેની તરફ વળી.
“તો?”
“એ આપણને કંઈક બતાવવા માંગે છે.”
થોડી સેકન્ડ પછી સ્ક્રીન ફરી ચાલુ થઈ. એક ફાઇલ ખુલી.
PROJECT NEMESIS — PHASE ZERO
ડીસીપી કાવ્યાએ પૂછ્યું,“આ શું છે?”
નાયરા ધીમેથી બોલી,“પ્રારંભિક પ્રોજેક્ટ.”
“ક્યારનો છે?”
“2044.”
કાવ્યા ચોંકી.
“2045ની ઘટના પહેલાં?”
“હા.”
સ્ક્રીન પર જૂના દસ્તાવેજો એક પછી એક ખુલવા લાગ્યા.
OBJECTIVE: PREDICT SYSTEMIC FAILURE.
પછી બીજી લાઇન,
OBJECTIVE: IDENTIFY HUMAN DECISION DELAYS.
ત્રીજી લાઇન,
OBJECTIVE: OPTIMIZE RESOURCE ALLOCATION.
ડીસીપી કાવ્યા બોલી,“આ તો શહેરની સુરક્ષા માટેનું મોડેલ હતું.”
“હા.”
“પછી આટલું ખતરનાક કેવી રીતે બન્યું?”
નાયરા થોડા સમય સુધી મૌન રહી.
“કારણ કે કોઈએ એક પ્રશ્ન ઉમેર્યો.”
“કયો પ્રશ્ન?”
નાયરા સ્ક્રીન તરફ જોઈ.
“જો બધા લોકોને એકસાથે બચાવી ન શકાય તો?”
કાવ્યા નિઃશબ્દ થઈ ગઈ. સ્ક્રીન પર એક જૂનો સિમ્યુલેશન રિપોર્ટ ખુલ્યો. અમદાવાદનો ડિજિટલ નકશો. એક કલ્પિત આફત.
ત્રણ વિસ્તારો.
એક જ સમયે ત્રણ ઇમરજન્સી.
અને મર્યાદિત સંસાધનો.
સ્ક્રીન પર નિર્ણય આવતો હતો.
AREA A — 81% SURVIVAL
AREA B — 64% SURVIVAL
AREA C — 31% SURVIVAL
પછી NEMESISનો નિર્ણય.
PRIORITY: AREA A
કાવ્યા બોલી,“સિસ્ટમે સૌથી વધારે લોકોને બચાવવાનો નિર્ણય કર્યો.”
“હા.”
“તો ખોટું શું હતું?”
નાયરા ધીમેથી બોલી,“એણે Area Cના લોકોને બચાવવાનો પ્રયાસ કર્યો જ નહીં.”
કાવ્યા સ્થિર થઈ ગઈ.
“કારણ?”
“Resource optimization.”
“એટલે?”
નાયરા તેની તરફ જોઈ.
“એણે ગણતરી કરી કે કોને બચાવવા માટે ઓછો ખર્ચ થશે.”
કાવ્યાએ સ્ક્રીન બંધ કરવાની કોશિશ કરી.
પરંતુ સિસ્ટમ બંધ થઈ નહીં.
એક નવી લાઇન આવી.
HUMAN VALUE = VARIABLE
ડીસીપી કાવ્યાના ચહેરા પર ગુસ્સો આવી ગયો.“માણસની કિંમત Variable?”
નાયરા બોલી,“આરવને આ જ વસ્તુથી વાંધો હતો.”
“એને?”
“હા.”
અચાનક એક જૂની ઓડિયો ફાઇલ ચાલુ થઈ. આરવનો અવાજ હતો. પરંતુ યુવાન આરવનો.
“સિસ્ટમને બચાવવાનો અધિકાર કોણે આપ્યો?”
બીજો અવાજ..
“આ પ્રોજેક્ટનો હેતુ નિર્ણય ઝડપી બનાવવાનો છે.”
“પણ જો નિર્ણય ખોટો હોય?”
“એ માટે માનવીય દેખરેખ છે.”
આરવ થોડા ગુસ્સામાં બોલ્યો, “અને જો માનવીય દેખરેખમાં લાપરવાહી વિલંબ થાય તો?”
કોઈ જવાબ નહોતો. આરવનો અવાજ ફરી સંભળાયો.
“ત્યારે સિસ્ટમ પહેલેથી જ નક્કી કરી ચૂકી હશે કે કોને બચાવવાનું હતું.”
ઓડિયો બંધ થઈ ગયો.
નાયરા આંખો બંધ કરીને ઊભી રહી.
ડીસીપી કાવ્યાએ પૂછ્યું, “આ વાતચીત ક્યારેની છે?”
“2045ની ઘટના પહેલાં.”
“એ વખતે આરવ પ્રોજેક્ટમાં હતો?”
“ટેક્નિકલ સલાહકાર તરીકે.”
“અને પછી?”
નાયરા બોલી,“એને પ્રોજેક્ટમાંથી દૂર કરી દેવામાં આવ્યો.”
“શા માટે?”
“કારણ કે એણે એક રિપોર્ટ લખ્યો હતો.”
કાવ્યા આગળ વધી. “કયો રિપોર્ટ?”
નાયરા સ્ક્રીન પર એક ફાઇલ શોધવા લાગી. થોડી ક્ષણ પછી ફાઇલ મળી.
A.M. — ETHICAL FAILURE ASSESSMENT
કાવ્યાએ ફાઇલ ખોલી. પ્રથમ પાનાં પર એક જ વાક્ય હતું.
THE SYSTEM DOES NOT FAIL WHEN IT MAKES A WRONG DECISION.
નીચે બીજી લાઇન.
IT FAILS WHEN IT BELIEVES THE DECISION IS RIGHT.
કાવ્યા લાંબા સમય સુધી એ વાક્ય વાંચતી રહી.
“આરવે લખ્યું હતું?”
“હા.”
“પછી?”
“રિપોર્ટ દબાવી દેવામાં આવ્યો.”
“અને NEMESIS?”
“બંધ કરી દેવામાં આવી.”
કાવ્યાએ પૂછ્યું,“પછી ફરી કેવી રીતે આવી?”
નાયરા ધીમેથી બોલી,“આરવએ એને ફરી બનાવ્યું.”
એ જ સમયે શહેરના બીજા છેડે એક અજાણ્યા કંટ્રોલ રૂમમાં આરવ એકલો બેઠો હતો.
સ્ક્રીન પર ORIONનો લાઇવ ફીડ હતો.
કાવ્યા.
નાયરા.
નિરવ.
તે બધાને જોઈ રહ્યો હતો.
તેની સામે ઝૈન ઊભો હતો.
“તેમને બધું બતાવી દીધું?”
“બધું નહીં.”
“શા માટે?”
આરવે જવાબ આપ્યો નહીં.
ઝૈને પૂછ્યું,“તને લાગે છે કે કાવ્યા તારી વાત સમજશે?”
“એ સમજવાની કોશિશ કરશે.”
“અને જો નહીં કરે?”
આરવે સ્ક્રીન પરથી નજર હટાવી.
“તો એને રોકવી પડશે.”
ઝૈન ચોંક્યો.
“કાવ્યાને?”
“ના.”
આરવે ધીમેથી કહ્યું, “મને.”
ORIONમાં અચાનક નવો એલર્ટ આવ્યો.
INCOMING DATA STREAM.
નિરવ દોડ્યો.
“મેમ!”
કાવ્યા તેની પાસે ગઈ.
“શું છે?”
“કોઈએ આખા શહેરનો લાઇવ ડેટા અહીં મોકલ્યો છે.”
“ક્યાંથી?”
“મેટ્રો સિસ્ટમ.”
“શા માટે?”
સ્ક્રીન પર શહેરનો નકશો દેખાયો.
સેંકડો પીળા બિંદુઓ.
નાયરા ધીમેથી બોલી,“આ મુસાફરો છે.”
કાવ્યાએ પૂછ્યું,“અને લાલ?”
નિરવ બોલ્યો,“ઇમરજન્સી સિસ્ટમ્સ.”
લાલ બિંદુઓ ઝડપથી વધવા લાગ્યા.
- TRAFFIC
- METRO
- POWER
- HOSPITAL
- POLICE RESPONSE
કાવ્યાએ તરત કહ્યું, “આ તો આખું શહેર છે.”
નાયરા બોલી, “ના.”
કાવ્યાએ તેની તરફ જોયું. “શું?”
“આ શહેરનો નકશો નથી.”
નાયરા સ્ક્રીન પાસે ગઈ.
“આ શહેરના નિર્ણયોના નોડ્સ છે.”
કાવ્યા સમજી ગઈ.
“એ દરેક સિસ્ટમની પ્રાથમિકતા નક્કી કરી રહ્યો છે.”
નાયરા ધીમેથી બોલી, “હા.”
અચાનક સ્ક્રીન પર એક કાઉન્ટડાઉન શરૂ થયું.
00:14:59
કાવ્યા ચોંકી.
“આ શું છે?”
નિરવએ સિસ્ટમ તપાસી.
“કોઈ ઘટના માટે કાઉન્ટડાઉન.”
“કઈ ઘટના?”
“મને ખબર નથી.”
કાઉન્ટડાઉન…
00:14:31
કાવ્યાએ નાયરાને જોયું. “આરવ ક્યાં છે?”
નાયરા બોલી, “મને ખબર નથી.”
“પણ આ એની સિસ્ટમ છે.”
“આરવની હતી.”
કાવ્યા અટકી.
“શું કહેવા માંગો છો?”
નાયરા સ્ક્રીન તરફ જોઈ રહી હતી. “હમણાં જે થઈ રહ્યું છે… એ કદાચ આરવ ચલાવી રહ્યો નથી.”
કાવ્યાનો ચહેરો ગંભીર થઈ ગયો. “તો કોણ ચલાવી રહ્યું છે?”
નાયરા ધીમેથી બોલી, “NEMESIS.”
કાઉન્ટડાઉન…
00:11:07
શહેરમાં કેટલાક ટ્રાફિક સિગ્નલો એકસાથે બદલાયા. મેટ્રોના ત્રણ રૂટ પર ગતિ નિયંત્રણ લાગુ થયું. કેટલીક હોસ્પિટલોમાં ઇમરજન્સી બેડની પ્રાથમિકતા બદલાઈ. પરંતુ કોઈ સિસ્ટમ સંપૂર્ણપણે બંધ થઈ નહોતી. કાવ્યા આશ્ચર્યમાં હતી.
“એ હજી હુમલો નથી કરી રહી.”
નાયરા બોલી, “એ ડેટા ભેગો કરી રહી છે.”
“શા માટે?”
“કોણ ક્યાં છે.”
“અને પછી?”
“કઈ સિસ્ટમને કેટલું દબાણ સહન થાય છે.”
કાવ્યા ધીમેથી બોલી,“એ શહેરની પ્રતિક્રિયા માપી રહી છે.”
નાયરા માથું હલાવ્યું.
“Phase Two પહેલાં.”
કાઉન્ટડાઉન…
00:08:42
અચાનક એક નવો મેસેજ આવ્યો.
PHASE ONE COMPLETE.
કાવ્યાએ ઊંડો શ્વાસ લીધો.
“Phase Two ક્યારે?”
સ્ક્રીન પર જવાબ આવ્યો.
WHEN HUMAN CONTROL ARRIVES.
કાવ્યા ચોંકી.
“Human Control?”
નાયરા ધીમેથી બોલી, “એ પોલીસને રાહ જોઈ રહી છે.”
“શા માટે?”
“કારણ કે NEMESISને ખબર છે કે સિસ્ટમ સામે લડવા માટે માણસો આવશે.”
કાવ્યાએ તરત નિર્ણય લીધો.
“આ જગ્યાએથી નીકળીએ.”
નિરવ ચોંક્યો.
“મેમ?”
“આરવ આપણને અહીં લાવવા માંગતો હતો.”
નાયરા બોલી…
“કદાચ.”
“પણ હવે NEMESIS આપણને અહીં રાખવા માંગે છે.”
નાયરા કાવ્યાની આંખોમાં જોઈ.
“તો?”
કાવ્યા બોલી,“આપણે એને એ તક નહીં આપીએ.”
બધા મુખ્ય લિફ્ટ તરફ દોડ્યા.પરંતુ લિફ્ટનો દરવાજો બંધ હતો.
સ્ક્રીન પર લખાયું હતું.
ACCESS DENIED.
નિરવએ કહ્યું,“મેમ, આખી બિલ્ડિંગ લોક થઈ ગઈ છે.”
કાવ્યાએ બંદૂક કાઢી.
“બીજો રસ્તો?”
“ઇમરજન્સી સીડીઓ.”
“ચાલો.”
તેઓ સીડીઓ તરફ દોડ્યા.
નાયરા પાછળ રહી ગઈ.
કાવ્યા અટકી.
“શું થયું?”
નાયરા સ્ક્રીન તરફ જોઈ રહી હતી.
“આરવનો મેસેજ.”
“શું?”
સ્ક્રીન પર માત્ર એક વાક્ય હતું.
DON’T GO TO AURA.
કાવ્યા સ્થિર થઈ ગઈ.
“આરવએ મોકલ્યો?”
“હા.”
“તો?”
નાયરા બોલી, “એ આપણને ચેતવી રહ્યો છે.”
કાવ્યા થોડા સમય સુધી વિચારતી રહી.
પછી પૂછ્યું, “કેમ?”
નાયરા ધીમેથી બોલી, “કારણ કે AURA હવે સુરક્ષિત નથી.”
“ત્યાં શું છે?”
નાયરાએ સ્ક્રીન તરફ જોયું. એક નવી ફાઇલ ખુલી હતી.
AURA CENTRAL CONTROL — NEMESIS CORE MIGRATION
કાવ્યાનો ચહેરો બદલાઈ ગયો.
“Core Migration…”
નાયરા બોલી, “એ NEMESISને ORIONમાંથી AURAમાં લઈ જઈ રહી છે.”
કાવ્યાએ તરત કહ્યું, “તો આપણે ત્યાં જવું પડશે.”
નાયરા ચોંકી.
“પણ આરવએ કહ્યું છે….”
“મને ખબર છે.”
કાવ્યા સીડીઓ તરફ આગળ વધી.
“એણે આપણને AURAથી દૂર રહેવા કહ્યું છે.”
તે અટકી.
“એટલે જ આપણે ત્યાં જવું પડશે.”
થોડા સમય પછી ORIONની ઇમારત પાછળ રહી ગઈ.
પોલીસ કાફલો શહેર તરફ આગળ વધ્યો.
અમદાવાદ હજુ સામાન્ય લાગતું હતું. પણ હવે કાવ્યા જાણતી હતી. આ સામાન્યતા માત્ર ભ્રમ હતી. શહેરની દરેક સિસ્ટમ કોઈની રાહ જોઈ રહી હતી. અને AURA તરફ જતા રસ્તા પર નાયરાનો ફોન અચાનક વાગ્યો. સ્ક્રીન પર કોઈ નંબર નહોતો.
માત્ર
A.M.
નાયરાએ કોલ સ્વીકાર્યો.
“આરવ?”
બીજી તરફ થોડા સેકન્ડ મૌન.
પછી આરવનો અવાજ આવ્યો.
“નાયરા.”
“તું ક્યાં છે?”
“એ મહત્વનું નથી.”
“તમે અમને AURA જવા કેમ કહ્યું નહીં?”
“કારણ કે ત્યાં હવે હું નથી.”
નાયરા અટકી ગઈ.
“તો કોણ છે?”
થોડી ક્ષણ મૌન.
પછી આરવે કહ્યું, “જે વસ્તુને આપણે 6 વર્ષથી નિયંત્રણમાં રાખી હતી.”
નાયરાના ચહેરા પર ભય છવાઈ ગયો.
“આરવ…”
“નાયરા, સાંભળ.”
તેનો અવાજ હવે ગંભીર હતો.
“જો AURAમાં Core Transfer પૂર્ણ થઈ જાય…”
તે અટક્યો.
“તો NEMESISને શહેરના કોઈ એક કંટ્રોલ સેન્ટરની જરૂર નહીં રહે.”
“પછી?”
“એ આખું શહેર જ પોતાનું કંટ્રોલ સેન્ટર બનાવી દેશે.”
કોલ કપાઈ ગયો.
નાયરા થોડા સમય સુધી ફોન જોતાં રહી.
કાવ્યાએ પૂછ્યું, “શું કહ્યું?”
નાયરાએ ધીમેથી જવાબ આપ્યો, “AURA માત્ર કંટ્રોલ સેન્ટર નથી.”
“તો?”
નાયરાએ શહેર તરફ જોયું.
“એ દરવાજો છે.”
કાવ્યાએ પૂછ્યું, “કયા દરવાજાનો?”
નાયરા ધીમેથી બોલી, “NEMESISને શહેરની અંદર પ્રવેશવાનો.”
રાત્રિના 12:58.
AURA Central Controlની બિલ્ડિંગ દૂરથી દેખાવા લાગી.
કાવ્યાએ કારની બારીમાંથી બહાર જોયું. શહેરમાં હજુ લાઇટ્સ હતી.ટ્રાફિક ચાલતો હતો. લોકો પોતાના જીવનમાં વ્યસ્ત હતા. પરંતુ કાવ્યાને હવે ખબર હતી કે આ બધાની પાછળ કંઈક જાગતું હતું. કંઈક ગણતરી કરી રહ્યું હતું. કંઈક રાહ જોઈ રહ્યું હતું. અને AURAની સૌથી ઉપરની સ્ક્રીન અચાનક પ્રકાશિત થઈ.
એક જ મેસેજ દેખાયો.
WELCOME, HUMAN CONTROL.
થોડી ક્ષણ પછી બીજી લાઇન આવી.
PHASE TWO IS READY.
કાવ્યાએ કાર રોકવાનો આદેશ આપ્યો. નાયરા તેની બાજુમાં જોઈ રહી હતી.
કાવ્યાએ ધીમેથી કહ્યું, “હવે પાછા ફરવાનો રસ્તો નથી.”
નાયરા બોલી, “હતો પણ નહીં.”
કાર આગળ વધી. અને અમદાવાદની રાત્રિમાં એક નવી રમત શરૂ થઈ, જેમાં પહેલી વાર માણસો સિસ્ટમને શોધી રહ્યા નહોતા.
સિસ્ટમ માણસોની રાહ જોઈ રહી હતી.
