સુરતથી કાશ્મીર સુધી: ખ્વાજા દાનાના અગ્રણી ખલીફા કુતુબ શાહ કાસિમ હક્કાનીનો આધ્યાત્મિક વારસો

(સૈયદ શકીલ દ્વારા): કાશ્મીરના ઇતિહાસમાં અમીર કબીર મીર સૈયદ અલી હમદાની (રહ.)ના આગમનને એક નવા યુગની શરૂઆત માનવામાં આવે છે. તેમના સાથે આવેલા સૈંકડો વિદ્વાનો, સૂફી સંતો, કારીગરો અને વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોએ કાશ્મીરના સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક જીવન પર ઊંડી અસર પાડી હતી. આ જ મહાન પરંપરામાંથી એક તેજસ્વી નામ છે હઝરત કુતુબ શાહ કાસિમ હક્કાની (રહ.), જેઓ બાદમાં ખ્વાજા દાનાના અગ્રણી ખલીફા તરીકે જાણીતા બન્યા. ખ્વાજા દાનાએ શાહ કાસિમ હક્કાનીને પોતાના ખલીફા બનાવીને દેશ અને દુનિયામાં નકશબંદી સિલસિલાનો વિસ્તાર કરવામાં મહત્વનું યોગદાન આપેલું છે.

મુરશિદ કા આલમ ઐસા હૈ તો પીર કા આલમ ક્યા હોગા,
જીસ દર પે ઝુકતે હૈ અર્શવાલે, ઉસ દર કા પરચમ ક્યા હોગા.

શાહ કાસિમ હક્કાનીનો જન્મ 29 રજબ, 958 હિજરી (ઈ.સ. 1551)માં થયો હતો. તેઓ મીર સૈયદ શમ્સુદ્દીન શામીના વંશજ હતા, જેઓ મીર સૈયદ અલી હમદાની (રહ.) સાથે 14મી સદીમાં કાશ્મીરમાં આવ્યા હતા. તેમના જન્મના સમયગાળામાં કાશ્મીર રાજકીય અસ્થિરતામાંથી પસાર થઈ રહ્યું હતું. સત્તાવાર રીતે સુલતાન નાઝુક શાહ શાસક હતા, પરંતુ વાસ્તવિક સત્તા મિર્ઝા હૈદર દુગલતના હાથમાં હતી. બાળપણથી જ શાહ કાસિમ હક્કાની પોતાના ધાર્મિક જીવન, સદાચાર અને સાદગી માટે જાણીતા બન્યા હતા. નાની ઉંમરમાં જ તેમણે પવિત્ર કુરઆન કંઠસ્થ કરી લીધું હતું અને શરિયત અનુસાર જીવન જીવવાનું પસંદ કર્યું હતું. તેઓ દુન્યવી આકર્ષણોથી દૂર રહીને ઈશ્વરભક્તિ અને આધ્યાત્મિક સાધનામાં લીન રહેતા. સતત અગિયાર વર્ષ સુધી તેમણે રોઝા રાખ્યા અને પોતાના ઇફ્તારનું ભોજન જરૂરિયાતમંદોને દાનમાં આપ્યું હતું.

ઇતિહાસમાં ઉલ્લેખ મળે છે કે શ્રીનગરના હરવાન વિસ્તારમાં એકાંતમાં ઈબાદત દરમિયાન તેમની મુલાકાત હઝરત ખિઝર (અ.સ.) સાથે થઈ હતી. કહેવાય છે કે ત્યાંથી તેમને “ઝિક્રે ખફી” એટલે કે ગેબી સક્ષમતા હાંસલ કરવાની આધ્યાત્મિક દીક્ષા પ્રાપ્ત થઈ. શાહ કાસિમ હક્કાનીએ અનેક સૂફી પરંપરાઓમાં આધ્યાત્મિક શિક્ષણ મેળવ્યું હતું. તેઓ શેખ યાકૂબ સરફી (રહ.)ના શિષ્ય બન્યા અને બાદમાં ઉજ્જૈનમાં શેખ ફઝલુલ્લાહ પાસેથી કાદરિયા, હઝરત જમાલુદ્દીન દીવાના સુરતી( ખ્વાજા દાના તરીકે જાણીતા) પાસેથી નકશબંદિયા સિલસિલાની તાલીમ લીધી અને તેમના ખલીફા પણ બન્યા.

શેખ સલીમ ચિશ્તી ફતેહપુરી પાસેથી ચિશ્તિયા અને મક્કામાં સૈયદ સિબગતુલ્લાહ શરીફ પાસેથી શાઝલિયા સિલસિલાની તાલીમ મેળવી હતી. તેમને “હક્કાની” ઉપાધિ કેવી રીતે મળી તેની પણ એક રસપ્રદ પરંપરા છે. કહેવાય છે કે સૂફી બાબા અલી વલીએ કાશ્મીર આવતાં પહેલાં પોતાના માર્ગદર્શન માટે શેખ યાકૂબ સરફીના શ્રેષ્ઠ શિષ્ય શાહ કાસિમની પસંદગી કરી હતી. એક પ્રસંગ દરમિયાન પોતાના મુર્શિદનો યોગ્ય આદરપૂર્વક ઉલ્લેખ ન થતાં શાહ કાસિમ દુઃખી થયા. તે જ રાત્રે બાબા અલી વલીને સ્વપ્નમાં પયગંબર હઝરત મુહમ્મદ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ)ના દર્શન થયા અને ત્યાંથી શેખ યાકૂબ સરફીને “એશાન” તથા શાહ કાસિમને “હક્કાની” તરીકે સંબોધન કરવાની પરંપરા શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે.

શાહ કાસિમ હક્કાની માત્ર મહાન સૂફી સંત જ નહોતા, પરંતુ તેઓ કવિ અને લેખક પણ હતા. તેમના નામે એક “દિવાન” (કાવ્યસંગ્રહ) હોવાનો ઉલ્લેખ મળે છે, જોકે સમય જતાં તે ઉપલબ્ધ રહ્યો નથી. ઈ.સ. 1624 (1033 હિજરી)માં તેમની તબિયત સતત બગડતી ગઈ. અંતિમ દિવસોમાં તેમણે પોતાના શિષ્યોને કહ્યું હતું કે જો તેમના અવસાન બાદ તેમની કબર પર સરકંડો (નરકાંસ) ઊગી નીકળે તો તેને અલ્લાહ તરફથી તેમની કબૂલિયતનું નિશાન માનવું. જો આવું ન થાય તો તેમના દેહને બહાર કાઢી દહન કરી દેવામાં આવે જેથી કોઈ વ્યક્તિ ખોટો આધ્યાત્મિક દાવો ન કરી શકે. 29 રબી ઉષ્ષાની, 1033 હિજરી (ઈ.સ. 1624)ની રાત્રે તેમણેઆ દુનિયામાંથી વિદાય લીધી.

સમકાલીન ઇતિહાસકારોના વર્ણન મુજબ તેમને તદફીન કર્યાનાં થોડા જ સમયમાં તેમના મજાર પર સરકંડા ઊગવા લાગ્યા. કેટલાક વર્ણનો અનુસાર તે તરત જ દેખાયા, જ્યારે અન્યના જણાવ્યા પ્રમાણે બીજા કે ચોથા દિવસે. ત્યારબાદ સમગ્ર વિસ્તાર સરકંડાથી છવાઈ ગયો અને તે સ્થળ “નર પીર” અથવા “સરકંડાવાળા પીર” તરીકે પ્રસિદ્ધ બન્યું. આજે પણ હઝરત કુતુબ શાહ કાસિમ હક્કાની (રહ.)નું નામ કાશ્મીરના મહાન સૂફી સંતોમાં આદરપૂર્વક લેવામાં આવે છે. તેમની ત્યાગમય જીવનશૈલી, આધ્યાત્મિક સાધના અને માનવસેવાના આદર્શો સૂફી પરંપરામાં વિશેષ સ્થાન ધરાવે છે અને અનેક અનુયાયીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યા છે.

(નોંધ: આ તમામ ઐતિહાસિક વિગતો “તારીખે બુઝુર્ગાને કશ્મીર”, લેખક- પ્રોફેસર મહોમ્મદ ઈકબાલ મુજદ્દીદીના (પંજાબ યુનિવર્સિટીમાં સુરક્ષિત) ઐતિહાસિક ગ્રંથમાંથી લેવામાં આવી છે.)