ઇન્ડિયા ટુડે ગ્રુપ (ટીવી ટુડે નેટવર્ક લિમિટેડ)માં છેલ્લા કેટલાક દિવસોમાં મોટા પાયે કર્મચારીઓની છટણી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. કર્મચારીઓના જણાવ્યા મુજબ, 20 જુલાઈથી 24 જુલાઈ દરમિયાન વિવિધ વિભાગોના અંદાજે 120 કર્મચારીઓને ઓફિસમાં બોલાવી રાજીનામું આપવા માટે કહેવામાં આવ્યું હોવાનો અહેવાલ ન્યૂઝલોન્ડ્રીએ પ્રસિદ્વ કર્યો છે.
ન્યૂઝલોન્ડ્રીનાં અહેવાલ મુજબ કર્મચારીઓના જણાવ્યા અનુસાર, મોટાભાગના અસરગ્રસ્ત કર્મચારીઓ આજ તકની હિન્દી વેબસાઇટ ટીમના હતા. ઉપરાંત કેમેરા ઓપરેશન્સ, વીડિયો એડિટિંગ, ગ્રાફિક્સ, ફેક્ટ-ચેકિંગ, ડેટા ઇન્ટેલિજન્સ યુનિટ, આજ તક રેડિયો તેમજ ઇન્ડિયા ટુડેની અંગ્રેજી વેબ ટીમના કેટલાક સભ્યો પણ આ કાર્યવાહીથી પ્રભાવિત થયા હોવાનું જણાવાયું છે.
આજ તક હિન્દી ડિજિટલ વેબસાઇટ, કેમેરા ઓપરેટરો, વીડિયો એડિટર, ગ્રાફિક્સ, ફેક્ટ-ચેકર્સ, ડેટા ઇન્ટેલિજન્સ અને આજ તક રેડિયો વગેરેની ટીમ પ્રભાવિત થઈ છે.
‘આજે તમારો છેલ્લો દિવસ છે’
ન્યૂઝલોન્ડ્રીનાં અહેવાલ મુજબ બે વર્ષથી હિન્દી વેબસાઇટ ટીમમાં કાર્યરત અનમોલ કુમાર મહતો (નામ બદલાયેલું)ના જણાવ્યા મુજબ, શિફ્ટ પૂરી થવાના લગભગ એક કલાક પહેલાં તેમને મેનેજર અને એચઆર વિભાગ દ્વારા કેબિનમાં બોલાવવામાં આવ્યા હતા. ત્યાં તેમને કહેવામાં આવ્યું કે, “આજે તમારો છેલ્લો દિવસ છે. કૃપા કરીને તમારું રાજીનામું આપો.”
તેમના જણાવ્યા અનુસાર, એચઆર વિભાગે પહેલેથી જ ફુલ એન્ડ ફાઇનલ સેટલમેન્ટના દસ્તાવેજો તૈયાર રાખ્યા હતા અને સમગ્ર કાર્યવાહી કંપનીના પુનર્ગઠન (રીસ્ટ્રક્ચરિંગ)નો ભાગ હોવાનું જણાવાયું હતું. રાજીનામું આપ્યા બાદ તેમનું લેપટોપ અને આઈડી કાર્ડ જમા લઈ લેવામાં આવ્યું હતું.
રાજીનામું ન આપનારને બરતરફ કરવાનો દાવો
ન્યૂઝલોન્ડ્રીનાં અહેવાલ મુજબ કર્મચારીઓનો દાવો છે કે મોટાભાગના લોકોને એચઆર અને મેનેજરના કહેવા પર રાજીનામું આપવું પડ્યું હતું. જેમણે રાજીનામું આપવાનો ઇનકાર કર્યો, તેમને કંપનીએ નોકરીમાંથી બરતરફ કર્યા હોવાનું પણ જણાવાયું છે.
કર્મચારીઓના જણાવ્યા મુજબ, રાજીનામું આપનારાઓને બે મહિનાનો સંપૂર્ણ પગાર આપવામાં આવ્યો હતો, જ્યારે બરતરફ કરાયેલા કર્મચારીઓને માત્ર બે મહિનાના મૂળ પગારનું વળતર આપવામાં આવવાનું જણાવાયું હતું.
સાથીદારોને મળવાની પણ તક ન મળી
ન્યૂઝલોન્ડ્રીનાં અહેવાલ મુજબ 13 વર્ષથી આજ તક સાથે જોડાયેલા રાજુ દેવ (નામ બદલાયેલું)એ જણાવ્યું કે તેઓ વાર્ષિક મૂલ્યાંકનની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ ઓફિસ પહોંચ્યા બાદ તેમને અચાનક નીચે બોલાવી રાજીનામું આપવા માટે કહેવામાં આવ્યું. તેમણે જણાવ્યું કે કોઈ કારણ પણ જણાવાયું નહીં અને રાજીનામું આપ્યા બાદ તરત જ લેપટોપ અને આઈડી કાર્ડ લઈ તેમને ઓફિસ છોડવા માટે કહેવામાં આવ્યું.
તેમણે કહ્યું કે, “13 વર્ષ સુધી સંસ્થાને સમય આપ્યા બાદ પણ મને મારા સાથીદારોને મળવાની કે વિદાય લેવાની તક પણ આપવામાં આવી નહીં.”
ચાર વર્ષથી કાર્યરત નૈના રાજપૂત (નામ બદલાયેલું)એ પણ સમાન અનુભવ વર્ણવ્યો હતો. તેમના જણાવ્યા મુજબ, શિફ્ટ દરમિયાન અચાનક તેમને રાજીનામું આપવા માટે બોલાવવામાં આવ્યા અને ઓફિસ છોડવા માટે કહેવામાં આવ્યું.
Keka પ્લેટફોર્મ મારફતે લેવાયા રાજીનામા
કર્મચારીઓના જણાવ્યા અનુસાર, રાજીનામાની પ્રક્રિયા Keka નામના થર્ડ પાર્ટી એચઆર પ્લેટફોર્મ મારફતે પૂર્ણ કરવામાં આવી હતી. તેમાં રાજીનામાના કારણ તરીકે ‘રીસ્ટ્રક્ચરિંગ’, ‘અન્ય’ સહિતના વિકલ્પો આપવામાં આવ્યા હતા.
નાણાકીય દબાણને કારણ?
ન્યૂઝલોન્ડ્રીનાં અહેવાલ મુજબ કંપનીના એક વરિષ્ઠ કર્મચારીના જણાવ્યા મુજબ, આ કાર્યવાહી પાછળ કંપની પર રહેલું નાણાકીય દબાણ મુખ્ય કારણ હોઈ શકે છે. તેમના જણાવ્યા મુજબ, ગયા વર્ષે પણ મોટા પાયે છટણીનું આયોજન થયું હતું, પરંતુ તે સમયે તેને ટાળી દેવામાં આવી હતી.
ટીવી ટુડે નેટવર્ક લિમિટેડના છેલ્લા નાણાકીય વર્ષના પરિણામો મુજબ કંપનીના વાર્ષિક ચોખ્ખા નફામાં લગભગ 81 ટકા ઘટાડો નોંધાયો હતો અને તે ઘટીને આશરે 14 કરોડ રહ્યો હતો. જ્યારે કુલ આવકમાં 19 ટકાનો ઘટાડો થઈ આશરે 807 કરોડ રહી હતી. અહેવાલો મુજબ, જાહેરાતની આવકમાં ઘટાડો, પુનર્ગઠન ખર્ચ અને રેડિયો વ્યવસાયમાં થયેલા નુકસાનને તેના મુખ્ય કારણો માનવામાં આવે છે.
છટણી હજુ ચાલુ હોવાનો દાવો
ન્યૂઝલોન્ડ્રીનાં અહેવાલ મુજબ હાલમાં કાર્યરત કેટલાક કર્મચારીઓનો દાવો છે કે છટણીની પ્રક્રિયા હજુ પૂર્ણ થઈ નથી. તેમના જણાવ્યા મુજબ, મે મહિનાના અંતમાં ઇન્ડિયા ટુડે મેગેઝિન સાથે જોડાયેલા કેટલાક કર્મચારીઓને પણ સમાન રીતે હટાવવામાં આવ્યા હતા. હાલમાં ઓછા પગારવાળા કર્મચારીઓ પણ આ કાર્યવાહીનો ભોગ બની રહ્યા હોવાનું તેઓ કહે છે.
કંપનીનો જવાબ બાકી
ઇન્ડિયા ટુડે મેગેઝિન અંગે ન્યૂઝલોન્ડ્રીએ આ રિપોર્ટ પ્રકાશિત કર્યો છે. ન્યૂઝલોન્ડ્રીનો દાવો છે કે ટીવી ટુડે નેટવર્કના એચઆર વિભાગ, ન્યૂઝ ડિરેક્ટર સુપ્રિયા પ્રસાદ અને ગ્રુપ કન્સલ્ટિંગ એડિટર બી.વી. રાવને ઈ-મેઈલ દ્વારા પ્રશ્નો મોકલવામાં આવ્યા છે પરંતુ આ રિપોર્ટ પ્રકાશિત થયો ત્યાં સુધી ટીવી ટુડે નેટવર્કના કોઈ પ્રતિસાદ મળ્યો નથી. ન્યૂઝલોન્ડ્રીએ રિપોર્ટમાં જણાવ્યું છે કે પ્રતિભાવ મળ્યા બાદ રિપોર્ટ અપડેટ કરવામાં આવશે.
