સુરતને હચમચાવવા માટે ઘડાયું હતું ષડયંત્ર, પોલીસને મળી ગુપ્ત બાતમી, નામ હતું “મુસ્તાક”

1992ની છઠ્ઠી ડિસેમ્બર… દેશના ઇતિહાસમાં એક કાળમુખો દિવસ. ઉત્તરપ્રદેશના અયોધ્યામાં થયેલા બાબરી મસ્જિદના ધ્વંસ પછી આખા દેશમાં તણાવનું માહોલ ફેલાઈ ગયો હતો. શહેરો સળગી રહ્યા હતા, લોકોમાં ભય અને અવિશ્વાસ ઘેરાયો હતો. એ જ સમયગાળામાં, ગુજરાતની હીરાનગરી સુરત પણ એક અજાણી આફત તરફ ધીમે ધીમે આગળ વધી રહી હતી.

બહારથી જોતા સુરત શાંત લાગતું, વેપાર અને રોજિંદી જિંદગી સામાન્ય રીતે ચાલી રહી હતી. પણ આ શાંતિની અંદર એક ભયાનક તોફાન ઉછળી રહ્યું હતું. શહેરના કેટલાક જાણીતા અને પ્રભાવશાળી ચહેરાઓ એક ગૂઢ ષડયંત્ર રચી રહ્યા હતા. એક એવું ષડયંત્ર જે સુરતને અંધકારમાં ધકેલી શકે એવું હતું.

આ યોજના બહુ જ ગોપનીય રીતે આગળ વધતી હતી. શહેરના જુદા જુદા વિસ્તારોમાં શસ્ત્રો છુપાઈને લાવવામાં આવી રહ્યા હતા. નાની-નાની ટોળકીઓ તૈયાર થવા લાગી હતી. લોકો વચ્ચે ભેદભાવ ઊભો કરવાનો પ્રયાસ થતો હતો. વાતાવરણમાં એક અજાણી ગંધ હતી….ભયની, અશાંતિની.

પરંતુ સુરત પોલીસ સૂતી નહોતી.

ખાસ કરીને ક્રાઈમ બ્રાન્ચ…એની આંખો હંમેશા ખુલ્લી રહેતી. દરેક હલચલ પર નજર, દરેક શંકાસ્પદ ચહેરા પર શંકા. શહેરને બચાવવું એ જ એમનો એકમાત્ર ધ્યેય હતો.

એક દિવસ, એક ગુપ્ત બાતમી મળી…

“મુસ્તાક…”

એક એવું નામ જે અંડરવર્લ્ડમાં જાણીતું હતું. ચતુર, ખતરનાક અને પોલીસ માટે હંમેશા પડકારરૂપ. કહેવામાં આવતું કે એ આ સમગ્ર ષડયંત્રનો મહત્વની કડી હતો.

ક્રાઈમ બ્રાન્ચ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ. મુસ્તાક સુધી પહોંચવું એ હવે એનું પ્રથમ લક્ષ્ય બની ગયું.

તપાસ શરૂ થઈ. સૂત્રોને સક્રિય કરવામાં આવ્યા. રાત-દિવસની મહેનત પછી ખબર પડી કે મુસ્તાક સ્ટેશન વિસ્તાર પાસે રહે છે. પોલીસે ઘેરો ગોઠવ્યો. દરેક રસ્તા પર નજર રાખવામાં આવી. દરેક શંકાસ્પદ વ્યક્તિની તપાસ થઈ.

પણ…

મુસ્તાક જાણે હવામાં ઉડી ગયો હોય એમ ગાયબ હતો.

આ એક મોટો ઝટકો હતો. પરંતુ ક્રાઈમ બ્રાન્ચ હાર માનનાર ન હતી. તપાસ વધુ ઊંડાણમાં ગઈ. જૂના સંપર્કો, ફોન કૉલ્સ, ઓળખીતાઓ…બધાનાં ખાંખાખોળા કરવામાં આવ્યા.

એ દરમિયાન રમઝાન ઈદ આવી ગઈ.

શહેરમાં ઉત્સવનો માહોલ હતો, પણ પોલીસ માટે આ માત્ર એક વધુ તક હતી. તહેવારની વચ્ચે આરોપીઓ થોડા ઢીલા પડી જાય છે, અને એ જ સમયે પોલીસને મોટી સફળતા મળવાના સંકેતો દેખાય છે.

પોલીસને મહત્વની બાતમી મળી…

“મુસ્તાક ડુમસ ગયો છે.”

ડુમસ….સમુદ્ર કિનારો, શાંત અને થોડોક ભયજનક. રાત્રે તો ખાસ કરીને ત્યાં એક અલગ જ માહોલ રહેતો.

પોલીસે કોઈ વિલંબ કર્યા વગર યોજના બનાવી. સાદા વેશમાં અધિકારીઓ ડુમસ તરફ નીકળી પડ્યા. દરિયાકિનારે અંધારું છવાઈ ગયું હતું. હળવો પવન, લહેરોનો અવાજ… અને એ વચ્ચે પોલીસની જાળ પથરાઈ ચૂકી હતી.

ક્લાકો સુધી રાહ જોવામાં આવી.

અને પછી…

એક શંકાસ્પદ આકાર દૂર દેખાયો.

મંદ પ્રકાશમાં એક માણસ આગળ વધી રહ્યો હતો. પોલીસના હૃદયની ધડકન તેજ થઈ ગઈ. દરેક અધિકારી તૈયાર હતા.

જ્યારે એ વ્યક્તિ નજીક આવ્યો…ઈશારો કરાયો.

“એક્શન”

ઈશારો મળતા જ પોલીસ ટીમ હરકતમાં આવી…

એકાએક ચારેબાજુથી પોલીસે ઘેરો ઘાલી દીધો. મુસ્તાક ભાગવાનો પ્રયત્ન કરે છે, પણ આ વખતે કોઈ રસ્તો નહોતો. થોડી જ ઝપાઝપી પછી એ પોલીસના કબજામાં આવી ગયો.

આ એક મોટો બ્રેક-થ્રુ હતો.

મુસ્તાકની ધરપકડ પછી આખું ચિત્ર સ્પષ્ટ થવા લાગ્યું. પૂછપરછ દરમિયાન ઘણા ચોંકાવનારા ખુલાસા થયા. શહેરના કેટલાક જાણીતા ચહેરાઓના નામ સામે આવ્યા. શસ્ત્રો ક્યાં છુપાયેલા છે, કોણ જોડાયેલા છે, શું યોજના છે? બધું એક પછી એક બહાર આવતું ગયું.

ક્રાઈમ બ્રાન્ચે ઝડપી કાર્યવાહી શરૂ કરી. જુદા જુદા સ્થળોએ રેડ પડી. મોટી માત્રામાં શસ્ત્રો જપ્ત થયા. અનેક આરોપીઓ ઝડપાયા.

એક ભયાનક ષડયંત્ર, જે સુરતને હિંસાની આગમાં સળગાવી શકે એમ હતું…એને સમયસર નિષ્ફળ બનાવવામાં આવ્યું.

(ક્રમશ:)