સુરત મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-2026 હવે નિર્ણાયક તબક્કે પહોંચી ગઈ છે અને ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ થતાં ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ બન્યું છે. ઉમેદવારી પત્રો પરત ખેંચવાના અંતિમ દિવસ બાદ હવે સુરતના 30 વોર્ડની કુલ 120 બેઠકો માટે 483 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.
શરૂઆતમાં આ બેઠકો માટે કુલ 1059 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ ચકાસણી દરમિયાન 561 ફોર્મ રદ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ અંતિમ દિવસે વધુ 16 ઉમેદવારોએ પોતાના નામ પરત ખેંચતા હવે કુલ 483 ઉમેદવારો ચૂંટણી માટે અંતિમ રીતે માન્ય રહ્યા છે.
પાર્ટીવાર જોવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી (BJP)ના 120, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC)ના 117, આમ આદમી પાર્ટી (AAP)ના 111 અને અપક્ષ તથા અન્ય મળી 135 ઉમેદવારો મેદાનમાં છે.
આગામી 26 એપ્રિલે મતદાન યોજાનાર છે, જેમાં શહેરના તમામ વોર્ડમાં મતદારો પોતાનો મતાધિકાર ઉપયોગ કરશે. ઉમેદવારોની અંતિમ યાદી જાહેર થતા હવે ચૂંટણી પ્રચાર વધુ તેજ બનવાની સંભાવના છે.
ચૂંટણી તંત્ર દ્વારા નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ મતદાન માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આદર્શ આચારસંહિતાનું પાલન થાય તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, તેમજ સુરક્ષા અને વ્યવસ્થાપન માટે પણ સજ્જ આયોજન હાથ ધરાયું છે.
