ભાજપમાં મજબૂત બન્યું મુસ્લિમ પ્રતિનિધિત્વ, પોરબંદરથી લઈ વાપી સુધી ટિકિટ ફાળવણીમાં મુસ્લિમોનો ઉછાળો, ચૂંટણીમાં નવી રાજકીય દિશા

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી રહી છે. આ વખતે ભાજપે લઘુમતી સમાજ, ખાસ કરીને મુસ્લિમ ઉમેદવારોને મોટી સંખ્યામાં ટિકિટ આપી છે, જેને લઈને રાજ્યના રાજકારણમાં ચર્ચાઓ તેજ બની છે.

અમદાવાદ જિલ્લામાં ભાજપે કુલ 9 લઘુમતી ઉમેદવારોને ટિકિટ ફાળવી છે. તાલુકા પંચાયત સ્તરે 3 મુસ્લિમ ઉમેદવારોને તક આપવામાં આવી છે. સાણંદની વિરોચનનગર બેઠક પરથી સમસુદ્દિન પઠાણ, ધંધૂકાની બાજરડા બેઠક પરથી તૌફિક ઉમડીયા અને વિરમગામ તાલુકા પંચાયત માટે કયામુદ્દિન સિદાનીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. નગરપાલિકાઓમાં પણ લઘુમતી ઉમેદવારોને સ્થાન મળ્યું છે, જેમાં ધોળકામાં 6, વિરમગામમાં 2 અને બારેજામાં 1 ઉમેદવારનો સમાવેશ થાય છે.

બીજી તરફ વડોદરા જિલ્લામાં ભાજપે 19 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી છે. ડભોઇમાં 8 અને સાવલીમાં 5 ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, જ્યારે કરજણ અને પાદરામાં પણ મુસ્લિમ ઉમેદવારોને તક આપવામાં આવી છે. જો કે વડોદરા જિલ્લા પંચાયત માટે એકપણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપવામાં આવી નથી.

અમદાવાદના પાલડી વિસ્તારમાં કોંગ્રેસના મુસ્લિમ ઉમેદવારને લઈને થયેલા વિવાદ બાદ ભાજપે પોતાની બીજી યાદીમાં 14 મુસ્લિમ ઉમેદવારોને સ્થાન આપ્યું છે. તેમાં ધોળકા નગરપાલિકામાં 8, વિરમગામ નગરપાલિકામાં 3 તેમજ તાલુકા પંચાયતોમાં પણ ઉમેદવારોનો સમાવેશ થાય છે.

બોટાદ, કરમસદ, ખંભાત, સુરેન્દ્રનગર, આણંદ એટલે કે પોરબંદરથી લઈ વાપી સુધી ભાજપમાં મુસ્લિમોને ઉમેદવાર તરીકે જાહેર કરી ભાજપમાં મુસ્લિમ પ્રતિનિધિત્વને મજબૂતી આપવામાં આવી છે. જોકે, અમદાવાદમાં તો મુસ્લિમોને અપાયેલા મહત્વની સામે ભાજપના કાર્યકરોએ વિરોધ વ્યક્ત કર્યો છે.

રાજ્યભરમાં ભાજપે અત્યાર સુધીમાં 90થી વધુ મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી છે. ખાસ કરીને કચ્છ જિલ્લોમાં આશરે 48 જેટલા મુસ્લિમ ઉમેદવારોને તક આપવામાં આવી છે, જે સૌથી વધુ ગણાય છે.

આ નિર્ણયને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે. ભાજપ દ્વારા લઘુમતી ઉમેદવારોને આટલી મોટી સંખ્યામાં ટિકિટ આપવાનું પગલું ચૂંટણી રણનીતિમાં મહત્વપૂર્ણ ફેરફાર તરીકે જોવામાં આવી રહ્યું છે.