60મા બર્થ ડેના ચાર દિવસ પહેલા સતીષ શર્મા થશે રિટાયર, સુરતને સદા યાદ રહેશે તેમના આ કામ

ગુજરાતના આઈપીએસ અધિકારીઓના રિટાયરમેન્ટનું આ વર્ષે ખાસ્સું એવું લિસ્ટ છે. તેમાં સુરતના પોલીસ કમિશનર સતીષ શર્માનો પણ સમાવેશ થાય છે. સુરતના પોલીસ કમિશનર તરીકે કાર્યરત એવા સતીષ શર્મા સાડા ત્રણ વર્ષના કાર્યકાળમાં તેમની અનેકવિધ કામગીરીને સુરતીઓ સદા યાદ રાખશે.

14-10-2016માં સુરતના પોલીસ કમિશનર તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ સતીષ શર્માએ સુરતની ટ્રાફીક સમસ્યા માટે વિશેષ ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. આડેધડ ટ્રાફીક વ્યવસ્થાને સુચારું અને સરળ બનાવવા માટે તેમણે બેરીકેટ સહિત ટ્રાફીક ડાયવર્ઝનના પગલા ભર્યા અને તેનું પરિણામ સારું પણ મળી રહ્યું છે. ગમે ત્યાંથી ટ્રાફીકના નિયમોનો ભંગ કરી વાહનો હંકારતા વાહનચાલકોમાં ટ્રાફીક સેન્સ આવે તેના માટેના સમાંતર કાર્યક્રમો પણ કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત ઈજાના 86 સાથે મૃત હાલતમાં મળી આવેલી બાળકીના કોઈ પણ કલ્યૂ વિનાના કેસમાં લાગલગાટ ઈનવેસ્ટીગેશન કરીને આરોપીઓને ઝડપી પાડવામાં સતીષ શર્માની ટીમ સફળ રહી હતી. આ કેસના કારણે સુરતના નામને કલંકિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ સુરતના પોલીસ કમિશનર સતીષ શર્માએ ગલીએ-ગલીએ અને મહોલ્લે-મહોલ્લે પોલીસને પોસ્ટર ચોંટાડવાથી લઈને પોલીસ વાનમાં બાળકીની ઓળખ માટેનું અભિયાન ચલાવ્યું હતું. આ અભિયાનના પરિણામ સ્વપરૂ બાળકી અને તેની માતાની હત્યા કરનારા આરોપીઓ સુધી પોલીસ પહોંચી શકી હતી.

સતીષ શર્માએ એમકોમ અને એલએલબી, પીજી ડિપ્લોમા સુધીનો અભ્યાસ રાજસ્થાનથી કર્યો છે. તેઓ 1986ન આઈપીએસ કેડરના અધિકારી છે. જ્યારે તેમણે આઈપીએસ અધિકારી તરીકે 25-8-1986માં જોડાયા હતા. 33 વર્ષની આઈપીએસ અધિકારી તરીકેની કામગીરીમાં સતીષ શર્માના લલાટે અનેક મહત્વપૂર્ણ કેસ ઉકેલવાના રેકોર્ડ નોંધાયેલા છે. 

કેજરીવાલ સાથે હાર્દિકવાળી થઈ: રોડ શો દરમિયાન મરાયો તમાચો, ભારે હંગામો

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રોડ શો દરમિયાન તમાચો મારવાની ઘટના બનતા બારે હંગામો થયો છે. આ ઘટના દિલ્હીના મોતી નગરમાં બની છે. તમાચો મારનાર શખ્સને પકડીને પોલીસને સોંપી દેવામાં આવ્યો છે.

નોંધનીય છે કે કેટલાક સમય પહેલાં દિલ્હી સચિવાલયમાં તેમના પર મરચીનો પાઉડર ફેંકવામાં આવ્યો હતો. કેજરીવાલ મુખ્યમંત્રી છે અને તેમની સુરક્ષાને લઈ અનેક સવાલો કરવામાં આવી રહ્યા છે.

કેજરીવાલ સાથે બનેલી ઘટના ગુજરાતમાં કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલ સાથે પણ બની હતી. મોરબીમાં હાર્દિક પટેલને એક યુવાને મોબાઈલ પર વાત કરતા કરતા સ્ટેજ સુધી ધસી આવી ભાષણ કરી રહેલા હાર્દિક પટેલને તમાચો મારી દીધો હતો. ત્યાર બાદ હાર્દિક અને કોંગ્રેસાન કાર્યકરોએ એ યુવાનને એવી તો ધોલધપાટ કરી હતી તેને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો. હાર્દિકે પણ યુવાન સામે પોલીસ ફરીયાદ દાખલ કરી હતી.

સશક્ત વિપક્ષની ભૂમિકા નિભાવવામાં ગુજરાત કોંગ્રેસ નિષ્ફળ, અધવચ્ચે છોડી દઈ આંદોલનોની ભ્રૂણ હત્યા

(સૈયદ શકીલ દ્વારા): ગુજરાતમાંથી લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ગુજરાત કોંગ્રેસ રાજીવ ગાંધી ભવનમાં કેદ થઈ ગઈ હોવાનું લાગી રહ્યું છે. ગુજરાત સમસ્યાઓથી સળગી રહ્યું છે ત્યારે ગુજરાત કોંગ્રેસે લોકની સાથે રહેવાના બદલે ઈ-મેલીયા પ્રેસનોટ અને વ્હોટસઅપ મેસેજની ફરતે કુંડાળું કરી દીધું છે.

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસમાં પ્રાણ ફૂંકવામાં કોઈ કસર રાખી નથી. પરંતુ મહત્વની વાત એ છે કે ગુજરાત કોંગ્રેસે અત્યાર સુધી કરેલા આંદોલનોની ફળશ્રુતિના દાખલા જોવા મળી રહ્યા નથી. કોંગ્રેસના આક્ષેપોને ગુજરાત સરકાર સહજતાથી લઈ રહી છે અને મામા-માસીવાળું તંત્ર હાંકવામાં આવી રહ્યું હોવાની છાપ ઉપસી રહી છે. કોંગ્રેસે મગફળી કૌભાંડનો મુદ્દો ઉભો કર્યો, આંદોલન કર્યા પણ એનું પરિણામ શું આવ્યું તે બધા જાણે છે. કોઈ મોટા મગરમચ્છોને સજા થઈ નહીં અને જાડા નરોને શોધીને તેમની ફરતે કાયદાનો ગાળીયો ફીટ કરી દેવામાં આવ્યો

ત્યાર બાદ કચ્છનું સેક્સકાંડ હોય કે કોંગ્રેસના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના મુદ્દા હોય, ગુજરાત કોંગ્રેસ તમામ મુદ્દાઓને લોકોની વચ્ચે લઈ જવામાં સરેઆમ નિષ્ફળ રહી છે. નિવેદનીયા આંદોલનો કરવામાં આવી રહ્યા છે. નેતાઓ ટીવી અને પ્રેસનોટ આપીને પક્ષ લગતી કામગીરી કરવાનો સંતોષ માની રહ્યા છે.

ગુજરાતની મોટાભાગની મહાનગરપાલિકાઓમાં ભાજપનું રાજ છે. અનેક પ્રશ્નો છે. લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે પરંતુ ન તો ગુજરાત લેવલે અને ન તો મહાનગરપાલિકા લેવલે કોંગ્રેસનું સંગઠન લોકો વચ્ચે જઈ રહ્યું નથી. બે-પાંચ જણા રસ્તા પર આવે અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી રવાના થઈ જાય છે. સોશિયલ મીડિયા પર ભાજપ સામે બળાપો કાઢવામાં આવે પણ લોકોની સમસ્યાઓને કોંગ્રેસને જોડવાની કોશીશ કરવામાં આવી રહી નથી. નેતૃત્વ યુવાઓના હાથમાં આવી ગયું છતાં રગશીયું ગાડું હાંકવાથી કોંગ્રેસનો કોઈ ભલીવાર થવાનો નથી. આંદોલનોને અધવચ્ચે છોડી દઈ આંદોલનોની ભ્રૂણ હત્યા કરી દેવામાં આવી રહી છે.

રાહુલ ગાંધીએ રાફેલના મુદ્દાને સીધા લોકો સાથે જોડયો છે. મુદ્દો કેટલો અસરકાર નિવડ્યો છે તેનું પરિણામ ત્રણ વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળ્યું છે. ગુજરાત કોંગ્રેસ મુદ્દા ઉપાડે છે પણ અધવચ્ચે જઈને છોડી દે છે. આ કોંગ્રેસની વણલખાયેલી પરંપરા જ કહેવાની રહે છે. પાયાના કાર્યકર સુધી આંદોલનના કાર્યક્રમો પહોંચી રહ્યા નથી તેની પાછળ ગુજરાત કોંગ્રેસમાં ચાલી રહેલી હું બાવો અને મંગળદાસ જેવી ટોળકીઓ જવાબદાર છે.

સમગ્ર ગુજરાતમાં પાણીનો પોકાર છે. જો ભાજપ હાલ વિરોધ પક્ષમાં હોય તો રાજ્યમાં પાણીના મુદ્દે ઠેર-ઠેર જડબેસલાક આંદોલન થઈ ગયા હોત. પરંતુ ગુજરાત કોંગ્રેસ છે કે ઊંઘમાં જાગી રહી નથી. ગુજરાત કોંગ્રેસ અને તેમાંય ખાસ કરીને દક્ષિણ ગુજરાતની કોંગ્રેસ તો છછૂંદર ગળી ગઈ હોય એમ લાગે છે. નેતાઓનો તોટો નથી. એક ગણો તો એકસો નીકળે અને દેખાવ અને પ્રદર્શનની વાત હોય તો રોકડું 50નું ટોળું જ નીકળે. કેટલીક વખત તો કોંગ્રેસના કાર્યકરો કરતાં પોલીસ વધારે હોય છે.

આ સ્થિતિમાં ગુજરાત કોંગ્રેસ મોટી મોટી ગુલબાંગો પોકારતી રહી છે ત્યારે કોંગ્રેસીઓનું કામ મીડિયાએ કરવું પડે છે. દેશમાં ગોદી અને મોદી મીડિયાની ગાળો ગુજરાત કોંગ્રેસ ગુજરાતી મીડિયાને આપી શકવાની સ્થિતિમાં નથી. કોંગ્રેસ કરતાં ગુજરાતમાં મીડિયાએ જ ગુજરાત સરકારને અનેકોનેક મુદ્દે પારોઠના પગલા ભરાવડાવ્યા છે. ગુજરાતમાં સશક્ત વિપક્ષની ભૂમિકા ભજવવામાં કોંગ્રેસ નિષ્ફળ ગઈ છે ત્યારે દિવસે સરકાર બનાવવાનાં સપના ખરેખર તો શેખચલ્લીના ખ્વાબ જેવા લાગે છે.  

રાફેલ ડીલની રિવ્યુ પીટીશન ફગાવી દેવા સુપ્રીમ કોર્ટને સરકારની અરજ

રાફેલ ડીલ મામલે સુપ્રીમ કોર્ટમાં દાખલ રિવ્યુ પીટીશન્સ અંગે કેન્દ્ર સરકારે આજે એફિડેવિટ રજૂ કરી છે. એફિડેવિટમાં કેન્દ્ર સરકારે જણાવ્યું કે સુરક્ષા સંબંધિત દસ્તાવેજો જાહેર થવાથી દેશની સુરક્ષાને ખતરો ઉભો થયો છે. કોર્ટ દ્વારા રાફેલ ડીલના દસ્તાવેજોના પરીક્ષણ કરવાના નિર્ણયથી સલમાતી, આર્મીની સુરક્ષા. પરમાણુ સંસ્થાનો અને આતંકવાદ વિરુદ્વના ઉપાયો સહિતની ગુપ્ત સૂચનાઓ જાહેર થવાની આશંકા વધી જવા પામી છે.

સરકારે જણાવ્યું કે રાફેલ ડીલ અંગેની પુનર્વિચાર અરજી મારફત ડીલની હરતી-ફરતી તપાસની કોશીશ કરવામાં આવી છે. મીડિયામાં પ્રસિદ્વ થયેલા ત્રણ આર્ટીકલ એ લોકોના વિચાર છે, સરકારનો ફેંસલો નથી, ત્રણેય આર્ટીકલ સરકારના રવૈયાને અધિકારીક રીતે સ્પષ્ટ કરતા નથી.  કોર્ટને કેન્દ્ર સરકારે કહ્યું કે આ માત્ર અધિકારીઓના વિચાર છે, જેના આધારે સરકાર કોઈ મોટો નિર્ણય કરી શકે. સીલબંધ કવરમાં સરકારે કોઈ ખોટી જાણકારી આપી નથી. કેગ દ્વારા રાફેલના ભાવ સંબંધે તપાસ કરીને કહ્યું છે કે આ ડીલ 2.86 ટકા ઓછી છે. કેન્દ્ર સરકારે રાફેલ અંગેના તમામ પુરાવા આપવા તૈયાર છે. રાફેલ પુનર્વિચાર અરજીઓનો કોઈ આધાર નથી જેથી કરીને આ અરજીઓને ફગાવી દેવામાં આવે.

અત્રે નોંધનીય છે કે ડિસેમ્બર મહિનામાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે રાફેલ ડીલ જેવા મામલે ભાવ-તાલની સમીક્ષા કરવાનું કામ કોર્ટનું નથી. હવે કોર્ટ આ અંગે છઠ્ઠી તારીખે સુનાવણી કરશે.

ચમત્કાર: 136 મુસાફરો સાથેનું પ્લેન નદીમાં ખાબક્યું અને મુસાફરોને ઊની આંચ પણ ન આવી

અમેરિકાના ફ્લોરિડામાં મોટી વિમાન દૂર્ઘટના સર્જાઈ છે. પરંતુ ચમત્કાર એ છે કે પ્લેનમાં બેઠેલા તમામ 136 મુસાફરોનો આબાદ બચાવ થયો છે. આ ઘટના શુક્રવારે બની હતી. 136 મુસાફરોને લઈ ઉડાન ભરનાર બોઈંગ 737 એરપોર્ટના રવને પરથી લેન્ડીંગ કર્યા બાદ ફસડાઈને સેન્ટ જોન્સ નદીમાં ખાબક્યું હતું. આ બનાવ જૈક્સોનવિલ નવલ એરબેઝ પર નજીક બન્યો હતો.જૈક્સોનવિલના મેયરે આ અંગે જાણકારી આપી હતી.

જૈક્સોનવિલ નવલ એર સ્ટેશનના પ્રવક્તાએ કહ્યું કે ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. વિમાન ગૂઆંટનામો નવલ સ્ટેશનથી આવી રહ્યું હતું. શુક્રવારે રાત્રા 9.40 વાગ્યાની આસપાસ રનવે પર લેન્ડીંગ કરી  રહ્યું હતું ત્યારે ફસડાયા બાદ સીધું જ નદીમાં જઈ પહોંચ્યું હતું. વિમાનના તમામ મુસાફરો સલામત છે અને વિમાના ઈંધણને નદીમાં પ્રસરતું અટકાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

જૈક્સોનવિલના શેરીફે ટવિટ કરીને જણાવ્યું કે વિમાન ડૂબ્યું નથી, અને આના કારણે જ જાનહાનિ ટાળી શકાઈ છે. શેરીફે વિમાનો ફોટો પણ રિલીઝ કર્યો છે જેમાં વિમાન નદીના પાણીમાં તરી રહ્યું હોવાનું જોઈ શકાય છે.

તારાજી વેરી નબળું પડી બાંગ્લાદેશ તરફ ફંટાયું ફેની વાવાઝોડું, ઓડીશામાં 10નાં મોત

મહાવિનાશક વાવાઝોડું ફેની ઓડીશા, આંધ્રપ્રદેશ અને પ.બંગાળમાં તારાજી વેરીને હવે બાંગ્લાદેશ તરફ ફંટાયું છે. વાવાઝોડાના કારણે આડીશામાં 10 લોકોના જાન ગયા છે. જ્યારે 160 કરતાં વધુ લોકોને ઈજા પહોંચી છે. ફેની આગળ વધવાની સાથે નબળું પડી રહ્યું છે. વાવાઝોડાના કારણે આંધ્રપ્રદેશના દરિયા વિસ્તારોમાં ભારે નુકશાન થયું છે. જોકે, આંધ્રમાં માનખુવારીના સમાચાર મળી રહ્યા નથી. મોડી રાત્રે બાપ વાગ્યે પ.બંગાળ પહોંચેલી વાવાઝોડાના કારણે મોટા નુકશાનના અહેવાલ મળી રહ્યા નથી. હા, પ.બંગાળમાં સતત વરસાદ વરસી રહ્યો છે. વડાપ્રધાન મોદી છઠ્ઠી તારીખે ઓડીશામાં તારાજીની સમીક્ષા કરવા માટે પહોંચવાના છે.

હાલ કોલાકાતા એરપોર્ટને બંધ કરી દેવામાં આવ્યું છે. સાંજ સુધી વાતાવરણ સાફ થતાં એરપોર્ટ ફરીથી શરૂ થવાની શક્યતા છે. વહીવટી તંત્ર એરપોર્ટના સમારકામમાં લાગી ગયું છે. ભૂવનેશ્વર એરપોર્ટ બંધ કરી દેવાયું છે અને પારાદીપ તથા ગોપાલપુર પોર્ટ પરથી પણ જહાજોનું આવાગમન અટકાવી દેવામાં આવ્યું છે. ભૂવનેશ્વર એરપોર્ટના ઉપકરણોને ભારે નુકશાન થયું છે. આ એરપોર્ટને પણ આજે સાંજ સુધીમાં ચાલુ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.  

નોંધનીય છે કે ભારે વરસાદ સાથે 200 કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા ભારે પવનના કારણે ઓડીશામાં ખાનાખરાબી સર્જાઈ છે. હાવડા-ચેન્નઈ રૂટની 220 ટ્રેનોને રદ્ કરી દેવામાં આવી છે. પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ 48 કલાક સુધી લોકસભા ચૂંટણી પ્રચારની તમામ રેલીઓ કેન્સલ કરી દીધી છે.

ફેની વાવાઝોડાની ઝપટમાં અત્યાર સુધી 10 લોકોના જાન ગયા હોવાની જાણકારી મળી રહી છે. પુરીમાં યુવક સહિત ત્રણ લોકો, ભૂવનેશ્વર અને આજૂબાજૂના વિસ્તારોમાં પણ ત્રણ લોકો મોતને ભેટયા છે. જ્યારે નયાગઢમાં કાટમાળ નીચે દબાતા મહિલાનું મોત નિપજ્યું છે. આ ઉપરાંત કેન્દ્રપાડાની રાહત છાવણીમાં વયસ્ક મહિલાનું મોત થયું છે.

ઓડીશાના અનેક શહેરો અને રસ્તાઓ પર હજુ પણ પાણી ફરી વળ્યું છે. રાહત કામગીરી ચાલી રહી છે અને બેથી ત્રણ દિવસમાં સફાઈ અભિયાન અને કચરા તથા કાટમાળને દુર કરી દેવામાં આવે તેવું ઓડીશાના અધિકારીઓએ જણાવ્યું છે.

અનેક વિસ્તારોમા વીજળી ડૂલ છે અને નેટ સેવા પણ પ્રભાવિત થઈ છે. વીજળી શરૂ કરવા માટે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.

સુરતની એંગ્લો ઉર્દુનો વિવાદ થમતો નથી, નસીમ કાદરીએ રાજીનામું આપ્યું

ધી સુરત ડિસ્ટ્રીક્ટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી(એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલ)માં રાજીનામાની મોસમ વચ્ચે વધુ એક રાજીનામું પડ્યું છે. એંગ્લોના પૂર્વ પ્રમુખ અને હાલ મેનેજિંગ કમિટીના મેમ્બર નસીમ કાદરીએ રાજીનામું આપી દેતા વિવાદ વધુ વકર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

અત્રે નોંધનીય છે કે દોઢ વર્ષ પહેલાં નસીમ કાદરીના નેતૃત્વમાં ખિદમત પેનલે ચૂંટણી લડી હતી. નસીમ કાદરી પહેલાં ફારુક કેપી સહિત 11 જણાએ રાજીનામા આપી દીધા હતા અને નસીમ કાદરીએ રાજીનામું આપતા કુલ 12 રાજીનામા પડી ગયા છે. પાંચમી તારીખે મળી રહેલી મેનેજિંગ કમિટીમાં નવા પ્રમુખ તરીકે ફારુક ચાંદીવાલાની વરણીની શક્યતા છે અને બાકીના 12 મેમ્બરને કો-ઓપ્ટ કરવામાં આવે તેવી માહિતી મળી રહી છે.11 રાજીનામાની જેમ નસીમ કાદરીનું પણ રાજીનામું મંજરુ કરી લેવામાં આવે તવી શક્યતા જોવા મળી રહી છે.

અખિલેશ કોંગ્રેસ પર પ્રહાર કરી રહ્યા ત્યારે પ્રિયંકા ગાંધી સપાના સ્ટેજ પર હતા

રાયબરેલીમા ઉંચાહારમાં સમાજવાદી પાર્ટીના કાર્યક્રમમાં પ્રિયંકા ગાંધી પહોંચતા જ સપા અને કોંગ્સના કાર્યકરો ચોંકી ઉઠયા હતા. સપાના ધારાસભ્ય મનોજ પાંડેએ પ્રિયંકાને કાર્યક્રમમાં મુખ્ય મહેમાન બનાવ્યા હતા.

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ કોંગ્રેસ પર સતત વાણી પ્રહારો કરી રહ્યા છે ત્યારે બીજી તરફ પ્રિયંકા ગાંધી સપાના નેતાઓ સાથે એક જ સ્ટેજ પર જોવા મળ્યા હતા. રાયબરેલીમાં ઉંચાહારમાં ગુરુવારે સપાનો કાર્યક્રમ હતો અને પ્રિયંકા ગાંધી આવતાં જ તમામ મહાઆશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા.

આ કાર્યક્રમમાં સ્ટેજ પર જે પોસ્ટર લગાવવામાં આવ્યા હતા તેમાં સપાના પ્રમુખ અખિલેશ યાદવનો ફોટો હતો. કાર્યક્રમ સોનિયા ગાંધીના સમર્થનમાં હતો. એક તરફ સપા અને બસપાના પ્રમુખો કોંગ્રેસ પર પ્રહાર કરવાની કોઈ પણ તક જતી કરી રહ્યા નથી અને બીજી તરફ પ્રિયંકા સપાના કાર્યક્રમમાં પહોંચતા જ રાજકીય ગરમાટો આવી ગયો હતો.

જોકે, આ કાર્યક્રમમાં બન્ને પાર્ટીના નેતાઓએ પોત-પોતાની પાર્ટી લાઈનનો ખ્યાલ રાખ્યો હતો. સપાના પૂર્વ મંત્રી મનોજ પાંડેએ કહ્યું કે મોદી સરકારે જે વાયદા કર્યા હતા તે પૂરા થયા નથી. મોદીએ દેશના લોકોને, ગરીબોને દગો આપ્યો છે. ગરીબીની મજાક ઉડાવી છે.

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે મારી માતા ઉમેદવાર છે. છઠ્ઠી તારીખે મતદાન છે. તમે કોઈ પણ પાર્ટીના હો, પણ કોઈ ઈન્કાર કરી શકે એમ નથી કે સોનિયા ગાંધીએ આ વિસ્તાર માટે અનેક કાર્યો કર્યા છે અને કરતા રહેશે. રાયબરેલીમા સપા-બસપાએ પોતાનો કોઈ ઉમેદવાર ઉભો રાખ્યો નથી.

મહાવિનાશક વાવાઝોડું ફેની ત્રાટક્યું, 6નાં મોત, પુરી અને ગોપાલપુરમાં પ્રચંડ પુર,ભારે તારાજી

1999 બાદનું સૌથી વિનાશક વાવાઝોડું ઓડીશામાં ત્રાટક્તાં ભારે તારાજી અને ખાનાખરાબી સર્જાઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે. અત્યાર સુધી 6નાં મોતની પૃષ્ટિ થઈ છે. ભૂવેસરી અને આર્ય નદીના તટે ભારે તબાહી સર્જાઈ છે. જ્યારે પુરી અને ગોપાલપુરમાં પ્રચંડ પુર આવ્યા છે. લાખો લોકોને સ્થળાંતર કરી દેવામાં આવ્યા છે. ગરમીના દિવસોમાં વાવાઝોડાના કારણે ભારે વરસાદ થયો છે. મૃત્યુઆંક વધવાની શક્યતા હોવાનું મનોરમા ટીવીએ જણાવ્યું છે.

આજે સવારે પુરીના કિનારે ફેની વાવાઝોડું વિકરાળ રૂપ ધારણ કરીને ત્રાટક્યું હતું. 200 કિ.મી.ની ઝડપે પવનનો ફુંકાયો હતો, અને ભારે વરસાદ ખેંચી લાવ્યો હતો. પશ્ચિમ બંગાળ અને આંધ્રમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. ઓડીશા પરથી પસાર થઈ રહ્યા બાદ વાવાઝોડુ પ.બંગાળ તરફ આગળ વધશે.

ફેની વાવાઝોડાને કારણે ભુવનેશ્વરનું એરપોર્ટ સદંતર બંધ કરી દેવાયું છે અને શાળા-કોલેજોમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે. ઓડીશા આવતી 200 જેટલી ટ્રેન કેન્સલ કરી દેવામાં આવી છે. વાવાઝોડાને કારણે દરીયામાં નવ મીટર ઉંચા મોજા ઉછળે તેવી સંભાવના છે. ભારે પવન અને વરસાદને કારણે ઠેર ઠેર વૃક્ષો ધરાશયી થયા છે અને કાચા મકાનો પણ જમીનદોસ્ત થઈ ગયા છે. વિજળી અને સંચારના થાંભલાઓ પણ બેન્ડ વળી જતા સંચાર અને વિજળી સેવા ઠપ્પ થઈ જવા પામી છે. કોઈપણ પરિસ્થિતિના સામના માટે ભારતીય સેનાની ત્રણેય પાંખ અને નેશનલ  ડીઝાસ્ટરની 81 ટુકડીઓ સજ્જ છે.

ફેની વાવાઝોડુ પાંચ થી છ કલાક તાંડવ મચાવે તેવી દહેશત છે અને પછી તે ધીમે ધીમે નબળું પડી શકે છે. ફેની વાવાઝોડાને કારણે માર્ગોને ભારે નુકશાન થવાની શકયતા છે. આજે તમામ શૈક્ષણિક સંસ્થાઓ ઉપરાંત વેપારીઓ સંસ્થાઓ, દુકાનો, બજારો વગેરે પણ બંધ છે. કોલકતાનું એરપોર્ટ પણ બંધ કરી દેવાતા ભારે અફરાતફરી મચી જવા પામી છે.

દસ હજાર ગામડાઓ અને 52 શહેરો આ ભયાનક વાવાઝોડાની અસર હેઠળ આવી શકે છે. 1999માં આવેલા સુપર સાયકલોન બાદ પહેલુ વિકરાળ વાવાઝોડુ આ કહી શકાય તેમ છે. વિનાશક વાવાઝોડાના કારણે સમગ્ર દરિયા પટ્ટીમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો અને લોકોને રાહત છાવણીમાં સ્થળાંતર કરવામાં આવ્યા છે.

ટીમ ઈન્ડીયાના બોલર શમીની પત્ની હસીન જહાનને શું પોલીસ નાઈટીમાં ઉઠાવી ગઈ હતી?

ટીમ ઈન્ડીયાના બોલર મહોમ્મદ શમીની પત્ની હસીન જહાનને લઈ નવો વિવાદ સામે આવ્યો છે. આ વખતે હસીને પોલીસ પર ગંભીર પ્રકારના આરોપ મૂક્યા છે. બરેલીમાં એડીજી અવિનાશ ચંદ્રને આપેલી ફરીયાદમાં જણાવ્યું છે કે ડીડોલી પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓએ તેની ગેરવર્તૂણૂંક કરી છે. ફરીયાદમાં હસીને જણાવ્યું છે કે બે સબ ઈન્સપેક્ટર રાત્રે બાર વાગ્યે ઘરે આવ્યા હતા અને હાથ પકડીને રૂમમાંથી બહાર ખેંચી લીધી હતી. પોલીસવાળાઓએ જરા પણ પરવા કરી ન હતી કે તે વખતે હું નાઈટીમાં છું.

એડિશનલ જનરલ ઓફ પોલીસને આપેલી ફરીયાદમાં હસીને જણાવ્યું થે કે 28મી એપ્રિલે સાંજે સાડા સાત વાગ્યે હું મારી દિકરી આયશા અને સાથી સાથે સહસપુર ખાતે પોતાના પતિના ઘરે પહોંચી હતી. સાસરીયાઓએ શમીને ફોન કર્યો અને થોડી વારમાં પોલીસ આવી પહોંચી હતી. હું મારી દિકરી આયશા સાથે રૂમમાં હતી. પરંતુ રાત્રે બાર વાગ્યાની આસપાસ જોર-જોરથી દરવાજો ખટખટાવાયો હતો અને દરવાજો ખોલવવામાં આવ્યો.

હસીને જણાવ્યું કે દરવાજો ખોલવામાં આવ્યો તો એસએચઓ દેવેન્દ્રકુમાર અને એસઆઈ કેપી સિંહે મારો હાથ પકડીને ખેંચ્યો હતો. મોબાઈલ છિનવી લેવામાં આવ્યો હતો. ડ્રેસ બદલવા માટે કહ્યું પરંતુ તેઓ માન્યા નહી અને મને નાઈટીમાં જ જીપમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી.

હસીને કહ્યું કે મને બળજબરીપૂર્વક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં પેપર પર અંગૂઠો લગાવવામાં આવ્યો હતો. પોલીસે ગાળો પણ બોલી હતી અને ત્યાર બાદ લોકઅપમાં બંધ કરી દેવામાં આવી હતી, એડીજી અવિનાશ ચંદ્રે કહ્યું કે આ અંગે તપાસ ચાલી રહી છે. રામપુરના સીઓ રિપોર્ટ આપશે ત્યાર બાદ કાર્યવાહી કરવામાં આવશે.