સશક્ત વિપક્ષની ભૂમિકા નિભાવવામાં ગુજરાત કોંગ્રેસ નિષ્ફળ, અધવચ્ચે છોડી દઈ આંદોલનોની ભ્રૂણ હત્યા

(સૈયદ શકીલ દ્વારા): ગુજરાતમાંથી લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ગુજરાત કોંગ્રેસ રાજીવ ગાંધી ભવનમાં કેદ થઈ ગઈ હોવાનું લાગી રહ્યું છે. ગુજરાત સમસ્યાઓથી સળગી રહ્યું છે ત્યારે ગુજરાત કોંગ્રેસે લોકની સાથે રહેવાના બદલે ઈ-મેલીયા પ્રેસનોટ અને વ્હોટસઅપ મેસેજની ફરતે કુંડાળું કરી દીધું છે.

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસમાં પ્રાણ ફૂંકવામાં કોઈ કસર રાખી નથી. પરંતુ મહત્વની વાત એ છે કે ગુજરાત કોંગ્રેસે અત્યાર સુધી કરેલા આંદોલનોની ફળશ્રુતિના દાખલા જોવા મળી રહ્યા નથી. કોંગ્રેસના આક્ષેપોને ગુજરાત સરકાર સહજતાથી લઈ રહી છે અને મામા-માસીવાળું તંત્ર હાંકવામાં આવી રહ્યું હોવાની છાપ ઉપસી રહી છે. કોંગ્રેસે મગફળી કૌભાંડનો મુદ્દો ઉભો કર્યો, આંદોલન કર્યા પણ એનું પરિણામ શું આવ્યું તે બધા જાણે છે. કોઈ મોટા મગરમચ્છોને સજા થઈ નહીં અને જાડા નરોને શોધીને તેમની ફરતે કાયદાનો ગાળીયો ફીટ કરી દેવામાં આવ્યો

ત્યાર બાદ કચ્છનું સેક્સકાંડ હોય કે કોંગ્રેસના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના મુદ્દા હોય, ગુજરાત કોંગ્રેસ તમામ મુદ્દાઓને લોકોની વચ્ચે લઈ જવામાં સરેઆમ નિષ્ફળ રહી છે. નિવેદનીયા આંદોલનો કરવામાં આવી રહ્યા છે. નેતાઓ ટીવી અને પ્રેસનોટ આપીને પક્ષ લગતી કામગીરી કરવાનો સંતોષ માની રહ્યા છે.

ગુજરાતની મોટાભાગની મહાનગરપાલિકાઓમાં ભાજપનું રાજ છે. અનેક પ્રશ્નો છે. લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે પરંતુ ન તો ગુજરાત લેવલે અને ન તો મહાનગરપાલિકા લેવલે કોંગ્રેસનું સંગઠન લોકો વચ્ચે જઈ રહ્યું નથી. બે-પાંચ જણા રસ્તા પર આવે અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી રવાના થઈ જાય છે. સોશિયલ મીડિયા પર ભાજપ સામે બળાપો કાઢવામાં આવે પણ લોકોની સમસ્યાઓને કોંગ્રેસને જોડવાની કોશીશ કરવામાં આવી રહી નથી. નેતૃત્વ યુવાઓના હાથમાં આવી ગયું છતાં રગશીયું ગાડું હાંકવાથી કોંગ્રેસનો કોઈ ભલીવાર થવાનો નથી. આંદોલનોને અધવચ્ચે છોડી દઈ આંદોલનોની ભ્રૂણ હત્યા કરી દેવામાં આવી રહી છે.

રાહુલ ગાંધીએ રાફેલના મુદ્દાને સીધા લોકો સાથે જોડયો છે. મુદ્દો કેટલો અસરકાર નિવડ્યો છે તેનું પરિણામ ત્રણ વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળ્યું છે. ગુજરાત કોંગ્રેસ મુદ્દા ઉપાડે છે પણ અધવચ્ચે જઈને છોડી દે છે. આ કોંગ્રેસની વણલખાયેલી પરંપરા જ કહેવાની રહે છે. પાયાના કાર્યકર સુધી આંદોલનના કાર્યક્રમો પહોંચી રહ્યા નથી તેની પાછળ ગુજરાત કોંગ્રેસમાં ચાલી રહેલી હું બાવો અને મંગળદાસ જેવી ટોળકીઓ જવાબદાર છે.

સમગ્ર ગુજરાતમાં પાણીનો પોકાર છે. જો ભાજપ હાલ વિરોધ પક્ષમાં હોય તો રાજ્યમાં પાણીના મુદ્દે ઠેર-ઠેર જડબેસલાક આંદોલન થઈ ગયા હોત. પરંતુ ગુજરાત કોંગ્રેસ છે કે ઊંઘમાં જાગી રહી નથી. ગુજરાત કોંગ્રેસ અને તેમાંય ખાસ કરીને દક્ષિણ ગુજરાતની કોંગ્રેસ તો છછૂંદર ગળી ગઈ હોય એમ લાગે છે. નેતાઓનો તોટો નથી. એક ગણો તો એકસો નીકળે અને દેખાવ અને પ્રદર્શનની વાત હોય તો રોકડું 50નું ટોળું જ નીકળે. કેટલીક વખત તો કોંગ્રેસના કાર્યકરો કરતાં પોલીસ વધારે હોય છે.

આ સ્થિતિમાં ગુજરાત કોંગ્રેસ મોટી મોટી ગુલબાંગો પોકારતી રહી છે ત્યારે કોંગ્રેસીઓનું કામ મીડિયાએ કરવું પડે છે. દેશમાં ગોદી અને મોદી મીડિયાની ગાળો ગુજરાત કોંગ્રેસ ગુજરાતી મીડિયાને આપી શકવાની સ્થિતિમાં નથી. કોંગ્રેસ કરતાં ગુજરાતમાં મીડિયાએ જ ગુજરાત સરકારને અનેકોનેક મુદ્દે પારોઠના પગલા ભરાવડાવ્યા છે. ગુજરાતમાં સશક્ત વિપક્ષની ભૂમિકા ભજવવામાં કોંગ્રેસ નિષ્ફળ ગઈ છે ત્યારે દિવસે સરકાર બનાવવાનાં સપના ખરેખર તો શેખચલ્લીના ખ્વાબ જેવા લાગે છે.