ચમત્કાર: 136 મુસાફરો સાથેનું પ્લેન નદીમાં ખાબક્યું અને મુસાફરોને ઊની આંચ પણ ન આવી

અમેરિકાના ફ્લોરિડામાં મોટી વિમાન દૂર્ઘટના સર્જાઈ છે. પરંતુ ચમત્કાર એ છે કે પ્લેનમાં બેઠેલા તમામ 136 મુસાફરોનો આબાદ બચાવ થયો છે. આ ઘટના શુક્રવારે બની હતી. 136 મુસાફરોને લઈ ઉડાન ભરનાર બોઈંગ 737 એરપોર્ટના રવને પરથી લેન્ડીંગ કર્યા બાદ ફસડાઈને સેન્ટ જોન્સ નદીમાં ખાબક્યું હતું. આ બનાવ જૈક્સોનવિલ નવલ એરબેઝ પર નજીક બન્યો હતો.જૈક્સોનવિલના મેયરે આ અંગે જાણકારી આપી હતી.

જૈક્સોનવિલ નવલ એર સ્ટેશનના પ્રવક્તાએ કહ્યું કે ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. વિમાન ગૂઆંટનામો નવલ સ્ટેશનથી આવી રહ્યું હતું. શુક્રવારે રાત્રા 9.40 વાગ્યાની આસપાસ રનવે પર લેન્ડીંગ કરી  રહ્યું હતું ત્યારે ફસડાયા બાદ સીધું જ નદીમાં જઈ પહોંચ્યું હતું. વિમાનના તમામ મુસાફરો સલામત છે અને વિમાના ઈંધણને નદીમાં પ્રસરતું અટકાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

જૈક્સોનવિલના શેરીફે ટવિટ કરીને જણાવ્યું કે વિમાન ડૂબ્યું નથી, અને આના કારણે જ જાનહાનિ ટાળી શકાઈ છે. શેરીફે વિમાનો ફોટો પણ રિલીઝ કર્યો છે જેમાં વિમાન નદીના પાણીમાં તરી રહ્યું હોવાનું જોઈ શકાય છે.