60મા બર્થ ડેના ચાર દિવસ પહેલા સતીષ શર્મા થશે રિટાયર, સુરતને સદા યાદ રહેશે તેમના આ કામ

ગુજરાતના આઈપીએસ અધિકારીઓના રિટાયરમેન્ટનું આ વર્ષે ખાસ્સું એવું લિસ્ટ છે. તેમાં સુરતના પોલીસ કમિશનર સતીષ શર્માનો પણ સમાવેશ થાય છે. સુરતના પોલીસ કમિશનર તરીકે કાર્યરત એવા સતીષ શર્મા સાડા ત્રણ વર્ષના કાર્યકાળમાં તેમની અનેકવિધ કામગીરીને સુરતીઓ સદા યાદ રાખશે.

14-10-2016માં સુરતના પોલીસ કમિશનર તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ સતીષ શર્માએ સુરતની ટ્રાફીક સમસ્યા માટે વિશેષ ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. આડેધડ ટ્રાફીક વ્યવસ્થાને સુચારું અને સરળ બનાવવા માટે તેમણે બેરીકેટ સહિત ટ્રાફીક ડાયવર્ઝનના પગલા ભર્યા અને તેનું પરિણામ સારું પણ મળી રહ્યું છે. ગમે ત્યાંથી ટ્રાફીકના નિયમોનો ભંગ કરી વાહનો હંકારતા વાહનચાલકોમાં ટ્રાફીક સેન્સ આવે તેના માટેના સમાંતર કાર્યક્રમો પણ કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત ઈજાના 86 સાથે મૃત હાલતમાં મળી આવેલી બાળકીના કોઈ પણ કલ્યૂ વિનાના કેસમાં લાગલગાટ ઈનવેસ્ટીગેશન કરીને આરોપીઓને ઝડપી પાડવામાં સતીષ શર્માની ટીમ સફળ રહી હતી. આ કેસના કારણે સુરતના નામને કલંકિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ સુરતના પોલીસ કમિશનર સતીષ શર્માએ ગલીએ-ગલીએ અને મહોલ્લે-મહોલ્લે પોલીસને પોસ્ટર ચોંટાડવાથી લઈને પોલીસ વાનમાં બાળકીની ઓળખ માટેનું અભિયાન ચલાવ્યું હતું. આ અભિયાનના પરિણામ સ્વપરૂ બાળકી અને તેની માતાની હત્યા કરનારા આરોપીઓ સુધી પોલીસ પહોંચી શકી હતી.

સતીષ શર્માએ એમકોમ અને એલએલબી, પીજી ડિપ્લોમા સુધીનો અભ્યાસ રાજસ્થાનથી કર્યો છે. તેઓ 1986ન આઈપીએસ કેડરના અધિકારી છે. જ્યારે તેમણે આઈપીએસ અધિકારી તરીકે 25-8-1986માં જોડાયા હતા. 33 વર્ષની આઈપીએસ અધિકારી તરીકેની કામગીરીમાં સતીષ શર્માના લલાટે અનેક મહત્વપૂર્ણ કેસ ઉકેલવાના રેકોર્ડ નોંધાયેલા છે.