તારાજી વેરી નબળું પડી બાંગ્લાદેશ તરફ ફંટાયું ફેની વાવાઝોડું, ઓડીશામાં 10નાં મોત

મહાવિનાશક વાવાઝોડું ફેની ઓડીશા, આંધ્રપ્રદેશ અને પ.બંગાળમાં તારાજી વેરીને હવે બાંગ્લાદેશ તરફ ફંટાયું છે. વાવાઝોડાના કારણે આડીશામાં 10 લોકોના જાન ગયા છે. જ્યારે 160 કરતાં વધુ લોકોને ઈજા પહોંચી છે. ફેની આગળ વધવાની સાથે નબળું પડી રહ્યું છે. વાવાઝોડાના કારણે આંધ્રપ્રદેશના દરિયા વિસ્તારોમાં ભારે નુકશાન થયું છે. જોકે, આંધ્રમાં માનખુવારીના સમાચાર મળી રહ્યા નથી. મોડી રાત્રે બાપ વાગ્યે પ.બંગાળ પહોંચેલી વાવાઝોડાના કારણે મોટા નુકશાનના અહેવાલ મળી રહ્યા નથી. હા, પ.બંગાળમાં સતત વરસાદ વરસી રહ્યો છે. વડાપ્રધાન મોદી છઠ્ઠી તારીખે ઓડીશામાં તારાજીની સમીક્ષા કરવા માટે પહોંચવાના છે.

હાલ કોલાકાતા એરપોર્ટને બંધ કરી દેવામાં આવ્યું છે. સાંજ સુધી વાતાવરણ સાફ થતાં એરપોર્ટ ફરીથી શરૂ થવાની શક્યતા છે. વહીવટી તંત્ર એરપોર્ટના સમારકામમાં લાગી ગયું છે. ભૂવનેશ્વર એરપોર્ટ બંધ કરી દેવાયું છે અને પારાદીપ તથા ગોપાલપુર પોર્ટ પરથી પણ જહાજોનું આવાગમન અટકાવી દેવામાં આવ્યું છે. ભૂવનેશ્વર એરપોર્ટના ઉપકરણોને ભારે નુકશાન થયું છે. આ એરપોર્ટને પણ આજે સાંજ સુધીમાં ચાલુ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.  

નોંધનીય છે કે ભારે વરસાદ સાથે 200 કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા ભારે પવનના કારણે ઓડીશામાં ખાનાખરાબી સર્જાઈ છે. હાવડા-ચેન્નઈ રૂટની 220 ટ્રેનોને રદ્ કરી દેવામાં આવી છે. પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ 48 કલાક સુધી લોકસભા ચૂંટણી પ્રચારની તમામ રેલીઓ કેન્સલ કરી દીધી છે.

ફેની વાવાઝોડાની ઝપટમાં અત્યાર સુધી 10 લોકોના જાન ગયા હોવાની જાણકારી મળી રહી છે. પુરીમાં યુવક સહિત ત્રણ લોકો, ભૂવનેશ્વર અને આજૂબાજૂના વિસ્તારોમાં પણ ત્રણ લોકો મોતને ભેટયા છે. જ્યારે નયાગઢમાં કાટમાળ નીચે દબાતા મહિલાનું મોત નિપજ્યું છે. આ ઉપરાંત કેન્દ્રપાડાની રાહત છાવણીમાં વયસ્ક મહિલાનું મોત થયું છે.

ઓડીશાના અનેક શહેરો અને રસ્તાઓ પર હજુ પણ પાણી ફરી વળ્યું છે. રાહત કામગીરી ચાલી રહી છે અને બેથી ત્રણ દિવસમાં સફાઈ અભિયાન અને કચરા તથા કાટમાળને દુર કરી દેવામાં આવે તેવું ઓડીશાના અધિકારીઓએ જણાવ્યું છે.

અનેક વિસ્તારોમા વીજળી ડૂલ છે અને નેટ સેવા પણ પ્રભાવિત થઈ છે. વીજળી શરૂ કરવા માટે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.