1999 બાદનું સૌથી વિનાશક વાવાઝોડું ઓડીશામાં ત્રાટક્તાં ભારે તારાજી અને ખાનાખરાબી સર્જાઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે. અત્યાર સુધી 6નાં મોતની પૃષ્ટિ થઈ છે. ભૂવેસરી અને આર્ય નદીના તટે ભારે તબાહી સર્જાઈ છે. જ્યારે પુરી અને ગોપાલપુરમાં પ્રચંડ પુર આવ્યા છે. લાખો લોકોને સ્થળાંતર કરી દેવામાં આવ્યા છે. ગરમીના દિવસોમાં વાવાઝોડાના કારણે ભારે વરસાદ થયો છે. મૃત્યુઆંક વધવાની શક્યતા હોવાનું મનોરમા ટીવીએ જણાવ્યું છે.
આજે સવારે પુરીના કિનારે ફેની વાવાઝોડું વિકરાળ રૂપ ધારણ કરીને ત્રાટક્યું હતું. 200 કિ.મી.ની ઝડપે પવનનો ફુંકાયો હતો, અને ભારે વરસાદ ખેંચી લાવ્યો હતો. પશ્ચિમ બંગાળ અને આંધ્રમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. ઓડીશા પરથી પસાર થઈ રહ્યા બાદ વાવાઝોડુ પ.બંગાળ તરફ આગળ વધશે.
ફેની વાવાઝોડાને કારણે ભુવનેશ્વરનું એરપોર્ટ સદંતર બંધ કરી દેવાયું છે અને શાળા-કોલેજોમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે. ઓડીશા આવતી 200 જેટલી ટ્રેન કેન્સલ કરી દેવામાં આવી છે. વાવાઝોડાને કારણે દરીયામાં નવ મીટર ઉંચા મોજા ઉછળે તેવી સંભાવના છે. ભારે પવન અને વરસાદને કારણે ઠેર ઠેર વૃક્ષો ધરાશયી થયા છે અને કાચા મકાનો પણ જમીનદોસ્ત થઈ ગયા છે. વિજળી અને સંચારના થાંભલાઓ પણ બેન્ડ વળી જતા સંચાર અને વિજળી સેવા ઠપ્પ થઈ જવા પામી છે. કોઈપણ પરિસ્થિતિના સામના માટે ભારતીય સેનાની ત્રણેય પાંખ અને નેશનલ ડીઝાસ્ટરની 81 ટુકડીઓ સજ્જ છે.
ફેની વાવાઝોડુ પાંચ થી છ કલાક તાંડવ મચાવે તેવી દહેશત છે અને પછી તે ધીમે ધીમે નબળું પડી શકે છે. ફેની વાવાઝોડાને કારણે માર્ગોને ભારે નુકશાન થવાની શકયતા છે. આજે તમામ શૈક્ષણિક સંસ્થાઓ ઉપરાંત વેપારીઓ સંસ્થાઓ, દુકાનો, બજારો વગેરે પણ બંધ છે. કોલકતાનું એરપોર્ટ પણ બંધ કરી દેવાતા ભારે અફરાતફરી મચી જવા પામી છે.
દસ હજાર ગામડાઓ અને 52 શહેરો આ ભયાનક વાવાઝોડાની અસર હેઠળ આવી શકે છે. 1999માં આવેલા સુપર સાયકલોન બાદ પહેલુ વિકરાળ વાવાઝોડુ આ કહી શકાય તેમ છે. વિનાશક વાવાઝોડાના કારણે સમગ્ર દરિયા પટ્ટીમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો અને લોકોને રાહત છાવણીમાં સ્થળાંતર કરવામાં આવ્યા છે.