અખિલેશ કોંગ્રેસ પર પ્રહાર કરી રહ્યા ત્યારે પ્રિયંકા ગાંધી સપાના સ્ટેજ પર હતા

રાયબરેલીમા ઉંચાહારમાં સમાજવાદી પાર્ટીના કાર્યક્રમમાં પ્રિયંકા ગાંધી પહોંચતા જ સપા અને કોંગ્સના કાર્યકરો ચોંકી ઉઠયા હતા. સપાના ધારાસભ્ય મનોજ પાંડેએ પ્રિયંકાને કાર્યક્રમમાં મુખ્ય મહેમાન બનાવ્યા હતા.

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ કોંગ્રેસ પર સતત વાણી પ્રહારો કરી રહ્યા છે ત્યારે બીજી તરફ પ્રિયંકા ગાંધી સપાના નેતાઓ સાથે એક જ સ્ટેજ પર જોવા મળ્યા હતા. રાયબરેલીમાં ઉંચાહારમાં ગુરુવારે સપાનો કાર્યક્રમ હતો અને પ્રિયંકા ગાંધી આવતાં જ તમામ મહાઆશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા.

આ કાર્યક્રમમાં સ્ટેજ પર જે પોસ્ટર લગાવવામાં આવ્યા હતા તેમાં સપાના પ્રમુખ અખિલેશ યાદવનો ફોટો હતો. કાર્યક્રમ સોનિયા ગાંધીના સમર્થનમાં હતો. એક તરફ સપા અને બસપાના પ્રમુખો કોંગ્રેસ પર પ્રહાર કરવાની કોઈ પણ તક જતી કરી રહ્યા નથી અને બીજી તરફ પ્રિયંકા સપાના કાર્યક્રમમાં પહોંચતા જ રાજકીય ગરમાટો આવી ગયો હતો.

જોકે, આ કાર્યક્રમમાં બન્ને પાર્ટીના નેતાઓએ પોત-પોતાની પાર્ટી લાઈનનો ખ્યાલ રાખ્યો હતો. સપાના પૂર્વ મંત્રી મનોજ પાંડેએ કહ્યું કે મોદી સરકારે જે વાયદા કર્યા હતા તે પૂરા થયા નથી. મોદીએ દેશના લોકોને, ગરીબોને દગો આપ્યો છે. ગરીબીની મજાક ઉડાવી છે.

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે મારી માતા ઉમેદવાર છે. છઠ્ઠી તારીખે મતદાન છે. તમે કોઈ પણ પાર્ટીના હો, પણ કોઈ ઈન્કાર કરી શકે એમ નથી કે સોનિયા ગાંધીએ આ વિસ્તાર માટે અનેક કાર્યો કર્યા છે અને કરતા રહેશે. રાયબરેલીમા સપા-બસપાએ પોતાનો કોઈ ઉમેદવાર ઉભો રાખ્યો નથી.