ટીમ ઈન્ડીયાના બોલર મહોમ્મદ શમીની પત્ની હસીન જહાનને લઈ નવો વિવાદ સામે આવ્યો છે. આ વખતે હસીને પોલીસ પર ગંભીર પ્રકારના આરોપ મૂક્યા છે. બરેલીમાં એડીજી અવિનાશ ચંદ્રને આપેલી ફરીયાદમાં જણાવ્યું છે કે ડીડોલી પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓએ તેની ગેરવર્તૂણૂંક કરી છે. ફરીયાદમાં હસીને જણાવ્યું છે કે બે સબ ઈન્સપેક્ટર રાત્રે બાર વાગ્યે ઘરે આવ્યા હતા અને હાથ પકડીને રૂમમાંથી બહાર ખેંચી લીધી હતી. પોલીસવાળાઓએ જરા પણ પરવા કરી ન હતી કે તે વખતે હું નાઈટીમાં છું.
એડિશનલ જનરલ ઓફ પોલીસને આપેલી ફરીયાદમાં હસીને જણાવ્યું થે કે 28મી એપ્રિલે સાંજે સાડા સાત વાગ્યે હું મારી દિકરી આયશા અને સાથી સાથે સહસપુર ખાતે પોતાના પતિના ઘરે પહોંચી હતી. સાસરીયાઓએ શમીને ફોન કર્યો અને થોડી વારમાં પોલીસ આવી પહોંચી હતી. હું મારી દિકરી આયશા સાથે રૂમમાં હતી. પરંતુ રાત્રે બાર વાગ્યાની આસપાસ જોર-જોરથી દરવાજો ખટખટાવાયો હતો અને દરવાજો ખોલવવામાં આવ્યો.
હસીને જણાવ્યું કે દરવાજો ખોલવામાં આવ્યો તો એસએચઓ દેવેન્દ્રકુમાર અને એસઆઈ કેપી સિંહે મારો હાથ પકડીને ખેંચ્યો હતો. મોબાઈલ છિનવી લેવામાં આવ્યો હતો. ડ્રેસ બદલવા માટે કહ્યું પરંતુ તેઓ માન્યા નહી અને મને નાઈટીમાં જ જીપમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી.
હસીને કહ્યું કે મને બળજબરીપૂર્વક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં પેપર પર અંગૂઠો લગાવવામાં આવ્યો હતો. પોલીસે ગાળો પણ બોલી હતી અને ત્યાર બાદ લોકઅપમાં બંધ કરી દેવામાં આવી હતી, એડીજી અવિનાશ ચંદ્રે કહ્યું કે આ અંગે તપાસ ચાલી રહી છે. રામપુરના સીઓ રિપોર્ટ આપશે ત્યાર બાદ કાર્યવાહી કરવામાં આવશે.