વીડિયો: એક્ઝિટ પોલ બાદ હાર્દિક પટેલે કહ્યું” ગુજરાતમાં કોંગ્રેસને આઠથી બાર સીટ મળશે

કોંગ્રેસના યુવા અને પાટીદાર સમાજના ઝુઝારુ નેતા હાર્દિક પટેલે આજે રાજકોટમાં ધડાકો કરતા કહ્યું કે ગુજરાતમાં કોંગ્રેસની ઓછામાં ઓછી આઠ સીટ અને વધુમાં વધુ 12 સીટ આવી રહી છે જ્યારે કેન્દ્ર મોદી સરકાર બની રહી નથી.

હાર્દિકે એક્ઝિટ પોલ અંગે કહ્યું કે સાત તબક્કામાં ચૂંટણી યોજાઈ અને જોવાયું છે કે દેશભરમાં મોદી સરકાર વિરુદ્વ માહોલ હતું. એક માત્ર 2014માં જ એક્ઝિટ પોલ સાચા ઠર્યા છે, જ્યારે બાકીમાં એક્ઝિટ પોલ સાચા ઠર્યા નથી. લોકોમાં એનડીએની નીતિઓ સામે રોષ હતો. જીએસટી, નોટબંધી સહિતના મુદ્દાઓને લઈ લોકોમાં આક્રોશ હતો. ભાજપે તો 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ 150 સીટનો દાવો કર્યા હતો અને 100 પર આવીને અટકી ગઈ હતી.

હાર્દિકે કહ્યું કે ગુજરાતમાં પણ ભાજપ લોકસભાની ચૂંટણીમાં 15 પર આવીને અટકી જશે. મોદી સરકારે કોઈ વિકાસ કર્યો નથી, માત્ર લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે. ગુજરાતમાં કોંગ્રેસ 8થી 12 સીટ પર જીત હાંસલ કરશે એ નક્કી છે.

હાર્દિકે વધુમાં કહ્યું કે લોકસભાની ચૂંટણીમાં ભાજપને 160થી 170 સીટ મળશે અને કોંગ્રેસને 140થી 145 સીટ મળશે. ભાજપને એક્ઝિટ પોલ પર વિશ્વાસ હોય તો પીએમ મોદી અને અમિત શાહે ટવિટ કેમ કર્યુ નથી. કોઈ પણ પક્ષ જીતશે ઈવીએમ પર સવાલ ઉભા થશે જ. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસને ઓછી સીટ મળી રહી હોવાના એક્ઝિટ પોલના તારણ અંગે હાર્દિકે કહ્યું કે ત્રણેય રાજ્યોમાં કોંગ્રેસ 28થી 30 સીટ જીતી રહી છે. કેન્દ્રમાં યુપીએની સરકાર બની રહી છે.

વીડિયો…

સુરત એરપોર્ટ પરથી ઈમ્તીયાઝ મેમણની ધરપકડ, ગુપ્ત ભાગમાં છૂપાવ્યું હતું સોનું

સુરત કસ્ટમ વિભાગે સુરત એરપોર્ટ પરથી સોનાની દાણચોરી કરતા શખ્સને ઝડપી પાડ્યો છે.આ શખ્સે શરીરના ગુપ્તાંગમાં સોનું છૂપાવ્યું હોવાનું બહાર આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા.

સુરત-શારજાહ ફ્લાઈટ આજે સુરત ખાતે લેન્ડ થઈ તો કસ્ટમ વિભાગને એક શખ્સ પર શંકા ગઈ. લાઈવ ડિટેક્ટર ટેસ્ટમાં શખ્સના શરીરના ગુપ્ત ભાગમાં સોનું છુપાવ્યું હોવાનું માલમ પડતા તરત જ તેની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલા શખ્સનું નામ ઈમ્તીયાઝ મેમણ હોવાનું જાણવા મળી રહ્યું છે અને તે સુરતનો જ રહીશ છે. આજ સવારે ઈમ્તીયાઝ શારજાહ-સુરત ફ્લાઈટમાં બેઠો હતો અને સુરત ખાતે સોના સાથે ઝડપાઈ જવા પામ્યો હતો.

ઈમ્તીયાઝના ગુપ્ત ભાગમાંથી સોનુ કાઢવા માટે તેને સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો છે, જ્યાં તેના પણ નાનકડી સર્જરી કરી સોનું બહાર કાઢવામાં આવશે.

ગાંધીના ગુજરાતમાં ગોડસેની બોલબાલા, ખુલ્લેઆમ ઉજવ્યો જન્મ દિવસ, સરકાર ખામોશ

લોકસભાની ચૂંટણી દરમિયાન ગાંધીજીના હત્યારા નાથુરામ ગોડસે અંગે ભોપાલના ભાજપના ઉમેદવાર સાધ્વ પ્રજ્ઞાસિંહ ઠાકોરે દેશભક્ત હોવા અંગે કરેલા નિવેદનનો વિવાદ શમ્યો નથી ત્યાં ગાંધીના ગુજરાતમાં ગોડસના સમર્થકોએ ખુલ્લેઆમ ગોડસેના જન્મ દિવસની ઉજવણી કરી છે અને સરકાર મૂકપ્રેક્ષક બનીને તમાશો જોઈ રહી છે. એવું મનાય છે કે જન્મ દિવસની ઉજવણી હિન્દુ મહાસભાના નેપથ્યે કરવામાં આવી હતી.

ગુજરાત સાથે ગાંધીજીની ઓળખને નામશેષ કરી નાથુરામ ગોડસેને દેશભક્ત પુરવાર કરવા માટે હવે ભાજપ સરકારની છત્રછાયા તળે ગોડસે સમર્થકો ખુલ્લેઆમ મેદાનમાં આવ્યા છે. ગોડસે ન તો ગુજરાતી હતો કે ન તો ગુજરાત સાથે કશું લાગતું વળગતું છે પણ જેને સંપૂર્ણપણે ગુજરાત સાથે હંમેશ નિસ્બત રહી છે તેવા મહાત્મા ગાંધી તો ગુજરાતી છે અને આવા અહિંસાના પૂજારી ગાંધીજીની ઘરતી પર ગોડસેના સમર્થકોનું આવી રીતે જાહેરમાં આવીને ઉજવણી કરવી એ ગુજરાત માટે ચિંતા અને ગંભીર બાબત બની રહે તેમ છે.

ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ ગોડસેના જન્મદિવસની ઉજવણીના બે વીડિયો પોતાના ટવિટર હેન્ડલ પર શેર કર્યા છે. અમિત ચાવડાએ લખ્યું છે કે ગાંધીના ગુજરાતમાં ભાજપ શાસકોએ ગાંધીજીના હત્યારા ગોડસેના સમર્થકોને એટલી બધી છૂટ આપી દીધી છે તે ખુલ્લેઆમ જન્મદિવસ ઉજવવાની હિંમત કરી છે. તેમ છતાં રાજ્યના મુખ્યમંત્રી અને મોદી શા માટે ચૂપ છે. ગોડસેના સમર્થકો ગુજરાત માટે કલંક છે. ગુજરાતમાં રહેવાનો તેમને કોઈ અધિકારી નથી.

તેમણે વધુમા ઉમેર્યું કે આરએસએસ અને ભાજપે મહાત્મા ગાંધીના હત્યારાના સમર્થકોને આપેલા છૂટાદૌરના કારણે પ્રજ્ઞા ઠાકોરે ગોડસે દેશભક્ત કહ્યો છે અને આજે ગુજરાતમાં ગોડસેના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ગોડસેના સમર્થકો માટે ગુજરાતમાં કોઈ જગ્યા હોવી જોઈએ નહીં.

એક્ઝિટ પોલના ભવાડા ગૂંચવાડા સર્જે છે: ગુજરાતમાં કોંગ્રેસને અપાઈ માત્ર ત્રણ સીટ, બંગાળમાં ભાજપને મોટો ફાયદો

જેટલાય એક્ઝિટ પોલ આવ્યા છે તેમા ભલે આમથી તેમ સીટો ફેરવી એનડીએને સ્પષ્ટ બહુમતિના અણસાર આપી રહ્યા છે પરંતુ એક્ઝિટ પોલમાં ઉડીને આંખે વળગે એવી વાત જે સામે આવી છે તેમાં એક પણ રાજ્યમાંથી શાસક કે વિપક્ષને સાતત્યપૂર્ણ સીટ આપવામાં આવી રહી નથી. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં એક્ઝિટ પોલ પહોંચી રહ્યા છે તો તેમના ઓપિનિયન પણ બદલાઈ જઈ રહ્યા છે. એક એક્ઝિટ પોલ યુપીમાં ભાજપની 58 સીટ મૂકે છે તો બીજું એક્ઝિટ પોલ ભાજપની 22 સીટ મૂકે છે.

એક્ઝિટ પોલમાં ગોળ ગોળ ધાણીની ફેરફુદરડી રમાડવામાં આવી છે. એનડીએને સીટોનું નુકશાન થઈ રહ્યું છે છતાં ખાતાને અન્ય રાજ્યમાં સરભર કરતા બતાવાયા છે. જ્યાં ભાજપ અને કોંગ્રેસનો વોટર બેઝ નથી તેવા રાજ્યોમાં કોંગ્રેસને એક બે સીટ મળતી બતાવાઈ રહી છે જ્યારે ભાજપને બલ્કમાં સીટ મળતી બતાવાઈ છે. બંગાળમાં ભાજપને 23 જેટલી બેઠક આપવામાં આવી છે. આ પ્રિડિક્શન મમતા બેનરજી માટે શ્વાસ અધ્ધર કરનારું બની રહેવાનું છે. યુપીમાં મોટું નુકશાન હોવા છતાં ભાજપની સરકાર બની રહી હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં કોંગ્રેસને માત્ર ત્રણ જ સીટ મળી રહી હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે પણ હકીકત એવી છે કે ગુજરાતમાં કોંગ્રેસ અણધાર્યા પરિણામ સર્જી શકે એવી સ્થિતિમાં છે. ભાજપના કેટલાક નેતાઓ પણ માને છે ગુજરાતમાં કોંગ્રેસ આઠ જેટલી બેઠક જીતી શકે તેમ છે જ્યારે ચારથી પાંચ સીટ પર ખરાખરીનો જંગ છે.

રાજ્યવાર એક્ઝિટ પોલ જોઈએ તો એક એક્ઝિટ પોલ કોંગ્રેસને ફાયદો બતાવે છે તો ભાજપને નુકશાન અને બીજું એક્ઝિટ પોલ ભાજપને ફાયદો બતાવે અને કોંગ્રેસને નુકશાન. આવી રીતે એક્ઝિટ પોલનો ભવાડો ગૂંચડવાડો સર્જી રહ્યો છે.

LIVE: એક્ઝિટ પોલ,NDAને 300 પ્લસ સીટ, ફરી બનશે મોદી સરકાર

સાત તબક્કામાં યોજાયેલી લોકસભાની ચૂંટણીના સાતમા અંતિમ તબક્કા માટે આજે મતદાન યોજાઈ ગયું અને હવે 23મી પરિણામ જાહેર કરવામાં આવશે. દિલ્હીમાં આ વખતે કોની સરકાર બનશે તે અંગે જોરશોરથી ચર્ચા કરવામાં આવી રહી છે. કેટલાકા લોકો કહી રહ્યા છે મોદી સરકાર રિપીટ થશે તો કેટલાક કહી રહ્યા છે કે યુપીએની સરકાર બનશે તો કેટલાક કહી રહ્યા  છે કે થર્ડ ફ્રન્ટની સરકાર બનશે. આવી રોચક સ્થિતિમાં મોટાભાગના એક્ઝિટ પોલ ભાજપ અને એનડીએની તરફેણ કરી રહ્યા છે. ભાજપ સૌથી મોટી પાર્ટી બની રહી હોવાનું તારણ એક્ઝિટ પોલ કાઢી રહ્યું છે અને ભાજપ બહુમતિને વટાવી રહ્યું હોવાનું અનુમાન એક્ઝિટ પોલ આપી રહ્યા છે.

Times Now-VMR 

ટાઈમ્સ નાવ અને વીએમઆરના સરવે પ્રમાણે 306 સીટ સાથે મોદી સરકાર ફરી સત્તામાં આવી રહી છે.

NDA: 41.1% | UPA: 31.7% | Others: 27.2%

એનડીએને 41.01 ટકા, યુપીએને સાત ટકા અને અન્યનો 27.2 ટકા વોટ શેર મળી રહ્યા છે.

સી વોટર પ્રમાણે એનડીએ 287, યુપીએ 128 અને મહાગઠબંગન-40 અન્ અન્યને 87 સીટ મળી શકે છે.

દિલ્હીમાં ભાજપને 7, કોંગ્રેસ અને આપને ઝીરો સીટ મળશે.

ગુજરાતમાં ભાજપને 23 અને કોંગ્રેસને ત્રણ સીટ મળવાનું એક્ઝિટ પોલ કહી રહ્યા છે.

કર્ણાટક

ભાજપ-23, કોંગ્રેસ-3 અન્ય-0

ઓરિસ્સા

ભાજપ-12, કોંગ્રેસ-01, બીજેડી-08

હરિયાણા

ભાજપ-08, કોંગ્રેસ-02

એસી નિલસન અને એબીપીનો સરવે

ઉત્તરપ્રદેશ

ભાજપ 22, મહાગઠબંધન-56, કોંગ્રેસ-2

યુપીમાં ટાઈમ્સ નાવે ભાજપને 58 સીટ આપી છે જ્યારે મહાગઠબંધનને 20 સીટ આપી છે અને કોંગ્રેસને 2 સીટ આપી છે.

તેલંગાણામાં ભાજપને એક સીટ, કોંગ્રેસ-2, ટીઆરએસ-13નું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.

ચાણક્ય, રિપબ્લીક અને સી-વોટર, એબીપી-સીએસડીએસ, ન્યૂઝ18-આપીએસઓએસ, ઈન્ડીયા ટૂડે-એક્સિસ, ટાઈમ્સ નાવ-સીએનએક્સ, ન્યૂઝએક્સ-નેતા જેવી એજન્સીઓએ એક્ઝિટ પોલ પ્રસિદ્વ કર્યા છે. મોટા ભાગના એક્ઝિટ પોલે ભાજપના નેતૃત્વવાળા એનડીએની બહુમતિ દર્શાવી છે.

પશ્ચિમ બંગાળામાં ટીએમસીને 18 સીટ મળવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે.

સી-વોટરે યુપીમાં ભાજપને 38, યુપીએને 2 અને મહાગઠબંધનને 38 સીટ આપી છે.

બિહારમાં ટાઈમ્સ નાવે ભાજપને 30 સીટ, કોંગ્રેસને 10 સીટ આપી છે.

ટાઈમ્સ નાવે પ.બંગાળમાં બાજપને 11, ટીએમસને 28 અને કોંગ્રેસને બે સીટ આપી છે.

Neta-News Xએ અનુમાન આપ્યા છે કે એનડીએ બહુમતિ સુધી પહોંચી શકશે નહીં અને 242 સીટ હાસલ કરી શકે છે. જ્યારે યુપીએને 164 સીટ મળી શકે છે.

આંધ્ર પ્રદેશમાં ટીડીપી-7, વાયએસઆર કોંગ્રેસ-18 સીટ કબ્જે કરવાની સ્થિતિમાં છે.

મહારાષ્ટ્રમાં એનડીએને 37 સીટ, યુપીએને-11 સીટ મળી શકે છે.

જુવાનજોઘ દિકરાને અંતિમ વિદાય આપતા લલિત કગથરા ચોધાર આંસુએ રડી પડ્યા, આક્રંદ સાથે નીકળી અંતિમ યાત્રા

પડધરી ટંકારાના કોંગ્રેસના ધારાસભ્ય અને રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાના પુત્રની અંતિમયાત્રા નીકળી છે. લલિત કગથરાના નિવસ્થાનેથી નીકળેલી પુત્ર વિશાલની અંતિમ યાત્રામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણી, શંકરસિંહ વાઘેલા સહિત ભાજપ-કોંગ્રેસના નેતાઓ જોડાયા છે. લલિત કગથરાના પુત્રોને અકસ્માત નડ્યો હતો. પશ્વિમ બંગાળમાં દિવ્યાંગ બાળકોને પ્રવાસે લઇ ગયા હતા ત્યારે તેમની લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. દિકરાને અંતિમ વિદાય આપતા લલિત કગથરા ધ્રુસ્કે-ધ્રુસ્કે, ચોધાર આંસુએ રડી પડ્યા હતા. ટંકારાનુ આખું પડઘરી ગામ હિબકે ચઢયું હતું.

અકસ્માતમાં લલિત કગથરાના બે પુત્રો પૈકી એક પુત્રનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય પુત્ર ઘાયલ થયો હતો. આ ઘટના અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, આ સમાચાર ન માની શકાય તેવા હતા. ભગવાન તેની આત્માને શાંતિ આપે અને પરિવારને આ દુ:ખ ઝીલવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું. ખૂબ જ દુ:ખદ બનાવ છે. કોઇને ત્યાં ભગવાન આ પ્રકારનું દુ:ખ ન આપે. નાની ઉંમર અને ઓચિંતું અકસ્માતમાં મૃત્યુ આ દુ:ખની કલ્પના કરવી પણ અઘરી છે.

સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે, લલિતભાઇ અને ઇલાબહેન પર દુ:ખના વાદળો તૂટી પડ્યા હોય તેવી ઘટના છે. લલિતભાઇ અને ઇલાબહેન સાથે મારા જૂના અને પારિવારીક સંબંધો છે. હું મેયર હતો ત્યારે ઇલાબહેન ભાજપના કોર્પોરેટર હતા. મારા તો પાડોશી છે. ભગવાન તેની આત્માને શાંતિ આપે અને પરિવારને આ દુ:ખ ઝીલવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું.

દલિત અત્યાચાર: ગુજરાત સરકારને ભીમ આર્મીના ચંદ્રશેખરે આપી આ ચેતવણી

તાજેતરમાં ગુજરાતમાં સમાજના કેટલાક વર્ગો દ્વાર દલિતોની જાનને નહીં નીકળવા દેવાની ઘટના અંગે ભાજપ સરકારની ટીકા કરી ભીમ આર્મીના ચીફ ચંદ્રશેખર આઝાદે ગુજરાત સરકારને ચેતવણી આપી છે અને કહ્યું છે કે હવે પછી આવા પ્રકારનો અત્યાચાર સહન કરી શકાશે નહીં.

પત્રકારો સાથે વાત કરતા ચંદ્રશેખર આઝાદે કહ્યું કે ગુજરાતમાં જંગલ રાજ ચાલી રહ્યું છે. કારણ કે અનુસૂચિત જાતિના લોકોને સંવિધાન દ્વારા અપાયેલા મૌલિક અધિકારોનું હનન કરવાં આવી રહ્યું છે અને અધિકારોથી વંચિત રાખવામાં આવી રહ્યા છે.
રાવણના નામથી પ્રખ્યાત ચંદ્રશેખરે કહ્યું  ગુજરાતમાં એટલા માટે આવ્યો છું કે પાછલા કેટલાક દિવસોમાં દલિતો પર અત્યાચરની અનેક ઘટનાઓ બની છે. એવું લાગે છે કે ગુજરાતમાં બંધારણ લાગુ જ નથી. દરેક નાગરિક સાથે ભેદભાવથી રક્ષિત કરનારા બંધારણના આર્ટીકલ પંદરને ગુજરાત સરકાર હટાવી દીધું છે.

ચંદ્રશેખરે કહ્યું કે માત્ર જાન અટકાવવાની વાત નથી. ગુજરાતમાં મૂછ રાખવાના કે પોતાના નામની પાછળ સિંહ રાખવા અંગે પણ દલિતો પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યા છે.

તેમણે કહ્યું કે હજુ સુધી દલિતોને મંદિરોમાં જવાની પરવાનગી આપવામાં આવી રહી નથી. આ બીજું કશું નથી પણ જંગલ રાજ છે. હું સરકારને ચેતવણી આપું છું કે હવે દલિતો આવા અત્યાચારો સહન કરશે નહી. સરકાર જાગે અને ત્વરિત કાર્યવાહી કરે.

ભીમ આર્મીના ચીફ ચંદ્રશેખરે કહ્યું કે ગુજરાતના દરેક ગામની મુલાકાત લેશે જ્યાં જાનને અટકાવવામાં આવી હોય. જાન અટકાવવાની ઘટના મહેસાણાના લોર ગામ, સાબરકાંઠા સીતવાડા અને અરવલ્લીના ખંબીસરમાં આવા પ્રકારની ઘટનાઓ બની હતી.

શું હોય છે એક્ઝિટ પોલ, કોણ કરે છે, કોણ કરાવે છે? 1960માં થઈ હતી શરૂઆત

17મી લોકસભા માટે આજે અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થવાની સાથે જ સાંજે વિવિધ ટીવી ચેનલો દ્વારા એક્ઝિટ પોલ શરૂ કરી દેવામાં આવશે. દરેક વખતે એક્ઝિટ પોલ ખરા ન પણ હોય છતાં પરિણામના આકલનની નજીક નજીક પહોંચેલા હોય છે. એક્ઝિટ પોલ શું છે અને ક્યારથી એક્ઝિટ પોલની શરૂઆત થઈ હતી તે જાણવું જરૂરી છે.

લગભગ બધી જ મોટી ચેનલો અલગ અલગ એજન્સીઓ સાથે મળીને અંતિમ ચરણનું મતદાન પૂર્ણ થયા બાદ એક્ઝિટ પોલ બતાવે છે. આમાં અનુમાનિત કરાય છે કે ક્યા પક્ષને કેટલી બેઠક મળવાની શક્યતા છે. ભારતમાં એક્ઝિટ પોલની શરૂઆત 1960માં થઈ હતી. સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપીંગ સોસાયટીઝ દ્વારા એક્ઝિટ પોલ તૈયાર કરી પ્રસિધ્ધ કરાયું હતું. એક્ઝિટ પોલ તૈયાર કરતી વખતે એજન્સીઓ વોટ નાંખ્યા બાદ તરત મતદારોને તેમનો અભિપ્રાય પૂછી લે છે. તેમના અભિપ્રાયના આધારે પોલ તૈયાર કરવામાં આવે છે. મતદારો સાચું જ બોલે છે તે પણ શંકાસ્પદ હોય છે. જેથી એક્ઝિટ પોલ કરતાં પરિણામ વિપરીત પણ આવે છે.

એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલમાં ખાસ્સો ફરક છે. ઓપિનિયન પોલ ચૂંટણી પહેલાં આવે છે અને એક્ઝિટ પોલ ચૂંટણી બાદ આવે છે. રિપ્રેઝેન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ 1951ની કલમ 126-એ પ્રમાણે ચૂંટણી શરૂ થવાના એક દિવસ પહેલા અને ચૂંટણી પૂર્ણ થવાના અડધા કલાક બાદ એક્ઝિટ પોલ દર્શાવી શકાય છે. કલમમાં સ્પષ્ટ રીતે લખાયું છે કે એક્ઝિટ પોલને મીડિયાના કોઈ પણ રૂપ(પ્રિન્ટ કે ઈલેક્ટ્રોનિક)માં બતાવવાનું કે છાપવાનું કામ કરી શકે નહીં. આ નિયમનો ભંગ કરનારને બે વર્ષની સજા અને દંડ પણ ફટકારવાની જોગવાઈ કરવામાં આવી છે.



કેપ્ટન અમરિન્દરસિંહનો આરોપ, મને હટાવી સિદ્વુને પંજાબના મુખ્યમંત્રી બનવું છે

પંજાબના CM કેપ્ટન અમરિન્દરસિંહે કોંગ્રેસના નેતા નવજોત સિદ્વુ પર આક્ષેપ મૂક્યો છે. તેમણે કહ્યું કે નવજોત સિદ્વુ સાથે વાકયુદ્વ નથી. જો તેઓ મહત્વકાંક્ષી છે તો ઠીક છે. લોકોમાં મહત્વકાંક્ષા હોય છે. હું તેમને બાળપણથી ઓળખું છું. મારી તેમની સાથે કોઈ ભિન્નતા નથી. કદાચ તેઓ મુખ્યમંત્રી બનવા માંગે છે. મારી જગ્યા લેવા માંગે છે. આ તેમનો મકસદ છે.

અમરિન્દરસિંહે કહ્યું કે સિદ્વુ અનુશાસનહિન છે અને હાઈકમાન્ડે તે અંગે વિચારણા કરવાની જરૂર છે અને તેમની વિરુદ્વ કાર્યવાહી કરવી જોઈએ. આ પહેલાં નવજોત સિદ્વુની સાથે ખેંચતાણ વચ્ચે અમરિન્દરસિંહે કહ્યું હતું કે જો પંજાબમાં કોંગ્રેસ ચૂંટણી હારી જાય છે તો તેઓ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દેશે.

 તેમણે કહ્યું કે તમામ મંત્રીઓ અને ધારાસભ્યોને કોંગ્રેસના પ્રચાર માટેની જવાબદારી સોંપવામાં આવી હતી. નવજોત સિદ્વુની પત્નીને ટીકીટ નહીં મળી તેની પાછળ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા આશાકુમારીને જવાબદાર ઠેરવતા નિવેદનને પણ અમરિન્દરસિંહે ફગાવી દીધું હતું. તેમણે કહ્યું કે તેમને અમૃતસ અથવા ભટીંડા સીટથી કોંગ્રેસે ટીકીટની ઓફર કરી હતી. પરંતુ તેમણે ઈન્કાર કર્યો હતો. ચંડીગઢ લોકસભા સીટ પરથી નવજોત કૌરને ટીકીટ નહીં મળી તેમાં તેમની કોઈ ભૂમિકા નથી. કારણ કે ટીકીટ વહેંચણીનું કામ દિલ્હી હાઈકમાન્ડ દ્વારા કરાયું હતું અને તેમણે પવનકુમાર બંસલ પર પસંદગી ઉતારી.

ભારતની આ સ્ટાર ખેલાડીએ કહ્યું “હા હું લેસ્બિયન છું”: જાણો કોણ છે આ ખેલાડી

ભારતની સ્ટાર ખેલાડી અને 100 મીટર દોડમાં નેશનલ રેકોર્ડ હોલ્ડર દુતી ચંદે પોતાના જીવન સાથીને લઈ ખુલાસો કર્યો છે. એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીતનારી આ ખેલાડીએ કહ્યું કે તે પોતાના શહેરની એક મહિલા મિત્ર સાથે રિલેશનશીપમાં છે. દૂતી ઓરિસ્સાસના ચાકા ગોપાલપુર ગામની વતની છે અને જાજપુર જિલ્લામાં તેના માતા-પિતા વણકરનું કામ કરે છે. ભારતની સ્ટાર સ્પ્રિંટર 100 મીટર, 200 મીટર અને 4×100 મીટર દોડમાં ભાગ લે છે.

દુતીએ અંગ્રેજી અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે મેં મારા જીવન સાથીને શોધી લીધી છે. મને લાગે છે દરેકને સ્વતંત્રતા હોવી જોઈએ કે તે કોની સાથે રહેવા માંગે છે અને તે સહેલાઈથી પોતાનો પાર્ટનર પસંદ કરી શકે.

23 વર્ષીય દુતીએ કહ્યું કે હું હંમેશાથી એવા લોકોને સપોર્ટ કરું છું જે સમલૈંગિક(લેસ્બિયન) છે. આ દરેકની પોતાની વ્યક્તિગત પસંદનો સવાલ છે. હાલમાં તો મારું સંપૂર્ણ ધ્યાન વર્લ્ડ ચેમ્પિયનશીપ અને ઓલિમ્પિક ગેમ્સ પર છે. પરંતુ હું ભવિષ્યમાં હું મારા સાથી સાથે જ સેટલ થવાનો વિચાર કરું છું.

આ ખેલાડીએ કહ્યું કે આઈપીસીની કલમ 377ને સુપ્રીમ કોર્ટ પાછલા વર્ષે ગુનો નહીં હોવાનું જણાવી હુકમ કર્યો હતો. ત્યાર બાદથી દુતી પોતાના સંબંધો વિશે જાહેરમાં બોલવા લાગી હતી. દુતી કહે છે કે એક એથ્લેટ તરીકે મારે શું કરવું જોઈએ તે હું જાણું છું મને લઈને કોઈને પણ ગમે તેવો અભિપ્રાય બાંધવાની જરૂર નથી. આ મારો પોતાના વ્યક્તિગત નિર્ણય છે જેનું સન્માન થવું જોઈએ.