દલિત અત્યાચાર: ગુજરાત સરકારને ભીમ આર્મીના ચંદ્રશેખરે આપી આ ચેતવણી

તાજેતરમાં ગુજરાતમાં સમાજના કેટલાક વર્ગો દ્વાર દલિતોની જાનને નહીં નીકળવા દેવાની ઘટના અંગે ભાજપ સરકારની ટીકા કરી ભીમ આર્મીના ચીફ ચંદ્રશેખર આઝાદે ગુજરાત સરકારને ચેતવણી આપી છે અને કહ્યું છે કે હવે પછી આવા પ્રકારનો અત્યાચાર સહન કરી શકાશે નહીં.

પત્રકારો સાથે વાત કરતા ચંદ્રશેખર આઝાદે કહ્યું કે ગુજરાતમાં જંગલ રાજ ચાલી રહ્યું છે. કારણ કે અનુસૂચિત જાતિના લોકોને સંવિધાન દ્વારા અપાયેલા મૌલિક અધિકારોનું હનન કરવાં આવી રહ્યું છે અને અધિકારોથી વંચિત રાખવામાં આવી રહ્યા છે.
રાવણના નામથી પ્રખ્યાત ચંદ્રશેખરે કહ્યું  ગુજરાતમાં એટલા માટે આવ્યો છું કે પાછલા કેટલાક દિવસોમાં દલિતો પર અત્યાચરની અનેક ઘટનાઓ બની છે. એવું લાગે છે કે ગુજરાતમાં બંધારણ લાગુ જ નથી. દરેક નાગરિક સાથે ભેદભાવથી રક્ષિત કરનારા બંધારણના આર્ટીકલ પંદરને ગુજરાત સરકાર હટાવી દીધું છે.

ચંદ્રશેખરે કહ્યું કે માત્ર જાન અટકાવવાની વાત નથી. ગુજરાતમાં મૂછ રાખવાના કે પોતાના નામની પાછળ સિંહ રાખવા અંગે પણ દલિતો પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યા છે.

તેમણે કહ્યું કે હજુ સુધી દલિતોને મંદિરોમાં જવાની પરવાનગી આપવામાં આવી રહી નથી. આ બીજું કશું નથી પણ જંગલ રાજ છે. હું સરકારને ચેતવણી આપું છું કે હવે દલિતો આવા અત્યાચારો સહન કરશે નહી. સરકાર જાગે અને ત્વરિત કાર્યવાહી કરે.

ભીમ આર્મીના ચીફ ચંદ્રશેખરે કહ્યું કે ગુજરાતના દરેક ગામની મુલાકાત લેશે જ્યાં જાનને અટકાવવામાં આવી હોય. જાન અટકાવવાની ઘટના મહેસાણાના લોર ગામ, સાબરકાંઠા સીતવાડા અને અરવલ્લીના ખંબીસરમાં આવા પ્રકારની ઘટનાઓ બની હતી.