ગાંધીના ગુજરાતમાં ગોડસેની બોલબાલા, ખુલ્લેઆમ ઉજવ્યો જન્મ દિવસ, સરકાર ખામોશ

લોકસભાની ચૂંટણી દરમિયાન ગાંધીજીના હત્યારા નાથુરામ ગોડસે અંગે ભોપાલના ભાજપના ઉમેદવાર સાધ્વ પ્રજ્ઞાસિંહ ઠાકોરે દેશભક્ત હોવા અંગે કરેલા નિવેદનનો વિવાદ શમ્યો નથી ત્યાં ગાંધીના ગુજરાતમાં ગોડસના સમર્થકોએ ખુલ્લેઆમ ગોડસેના જન્મ દિવસની ઉજવણી કરી છે અને સરકાર મૂકપ્રેક્ષક બનીને તમાશો જોઈ રહી છે. એવું મનાય છે કે જન્મ દિવસની ઉજવણી હિન્દુ મહાસભાના નેપથ્યે કરવામાં આવી હતી.

ગુજરાત સાથે ગાંધીજીની ઓળખને નામશેષ કરી નાથુરામ ગોડસેને દેશભક્ત પુરવાર કરવા માટે હવે ભાજપ સરકારની છત્રછાયા તળે ગોડસે સમર્થકો ખુલ્લેઆમ મેદાનમાં આવ્યા છે. ગોડસે ન તો ગુજરાતી હતો કે ન તો ગુજરાત સાથે કશું લાગતું વળગતું છે પણ જેને સંપૂર્ણપણે ગુજરાત સાથે હંમેશ નિસ્બત રહી છે તેવા મહાત્મા ગાંધી તો ગુજરાતી છે અને આવા અહિંસાના પૂજારી ગાંધીજીની ઘરતી પર ગોડસેના સમર્થકોનું આવી રીતે જાહેરમાં આવીને ઉજવણી કરવી એ ગુજરાત માટે ચિંતા અને ગંભીર બાબત બની રહે તેમ છે.

ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ ગોડસેના જન્મદિવસની ઉજવણીના બે વીડિયો પોતાના ટવિટર હેન્ડલ પર શેર કર્યા છે. અમિત ચાવડાએ લખ્યું છે કે ગાંધીના ગુજરાતમાં ભાજપ શાસકોએ ગાંધીજીના હત્યારા ગોડસેના સમર્થકોને એટલી બધી છૂટ આપી દીધી છે તે ખુલ્લેઆમ જન્મદિવસ ઉજવવાની હિંમત કરી છે. તેમ છતાં રાજ્યના મુખ્યમંત્રી અને મોદી શા માટે ચૂપ છે. ગોડસેના સમર્થકો ગુજરાત માટે કલંક છે. ગુજરાતમાં રહેવાનો તેમને કોઈ અધિકારી નથી.

તેમણે વધુમા ઉમેર્યું કે આરએસએસ અને ભાજપે મહાત્મા ગાંધીના હત્યારાના સમર્થકોને આપેલા છૂટાદૌરના કારણે પ્રજ્ઞા ઠાકોરે ગોડસે દેશભક્ત કહ્યો છે અને આજે ગુજરાતમાં ગોડસેના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ગોડસેના સમર્થકો માટે ગુજરાતમાં કોઈ જગ્યા હોવી જોઈએ નહીં.