વીડિયો: એક્ઝિટ પોલ બાદ હાર્દિક પટેલે કહ્યું” ગુજરાતમાં કોંગ્રેસને આઠથી બાર સીટ મળશે

કોંગ્રેસના યુવા અને પાટીદાર સમાજના ઝુઝારુ નેતા હાર્દિક પટેલે આજે રાજકોટમાં ધડાકો કરતા કહ્યું કે ગુજરાતમાં કોંગ્રેસની ઓછામાં ઓછી આઠ સીટ અને વધુમાં વધુ 12 સીટ આવી રહી છે જ્યારે કેન્દ્ર મોદી સરકાર બની રહી નથી.

હાર્દિકે એક્ઝિટ પોલ અંગે કહ્યું કે સાત તબક્કામાં ચૂંટણી યોજાઈ અને જોવાયું છે કે દેશભરમાં મોદી સરકાર વિરુદ્વ માહોલ હતું. એક માત્ર 2014માં જ એક્ઝિટ પોલ સાચા ઠર્યા છે, જ્યારે બાકીમાં એક્ઝિટ પોલ સાચા ઠર્યા નથી. લોકોમાં એનડીએની નીતિઓ સામે રોષ હતો. જીએસટી, નોટબંધી સહિતના મુદ્દાઓને લઈ લોકોમાં આક્રોશ હતો. ભાજપે તો 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ 150 સીટનો દાવો કર્યા હતો અને 100 પર આવીને અટકી ગઈ હતી.

હાર્દિકે કહ્યું કે ગુજરાતમાં પણ ભાજપ લોકસભાની ચૂંટણીમાં 15 પર આવીને અટકી જશે. મોદી સરકારે કોઈ વિકાસ કર્યો નથી, માત્ર લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે. ગુજરાતમાં કોંગ્રેસ 8થી 12 સીટ પર જીત હાંસલ કરશે એ નક્કી છે.

હાર્દિકે વધુમાં કહ્યું કે લોકસભાની ચૂંટણીમાં ભાજપને 160થી 170 સીટ મળશે અને કોંગ્રેસને 140થી 145 સીટ મળશે. ભાજપને એક્ઝિટ પોલ પર વિશ્વાસ હોય તો પીએમ મોદી અને અમિત શાહે ટવિટ કેમ કર્યુ નથી. કોઈ પણ પક્ષ જીતશે ઈવીએમ પર સવાલ ઉભા થશે જ. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસને ઓછી સીટ મળી રહી હોવાના એક્ઝિટ પોલના તારણ અંગે હાર્દિકે કહ્યું કે ત્રણેય રાજ્યોમાં કોંગ્રેસ 28થી 30 સીટ જીતી રહી છે. કેન્દ્રમાં યુપીએની સરકાર બની રહી છે.

વીડિયો…