કેપ્ટન અમરિન્દરસિંહનો આરોપ, મને હટાવી સિદ્વુને પંજાબના મુખ્યમંત્રી બનવું છે

પંજાબના CM કેપ્ટન અમરિન્દરસિંહે કોંગ્રેસના નેતા નવજોત સિદ્વુ પર આક્ષેપ મૂક્યો છે. તેમણે કહ્યું કે નવજોત સિદ્વુ સાથે વાકયુદ્વ નથી. જો તેઓ મહત્વકાંક્ષી છે તો ઠીક છે. લોકોમાં મહત્વકાંક્ષા હોય છે. હું તેમને બાળપણથી ઓળખું છું. મારી તેમની સાથે કોઈ ભિન્નતા નથી. કદાચ તેઓ મુખ્યમંત્રી બનવા માંગે છે. મારી જગ્યા લેવા માંગે છે. આ તેમનો મકસદ છે.

અમરિન્દરસિંહે કહ્યું કે સિદ્વુ અનુશાસનહિન છે અને હાઈકમાન્ડે તે અંગે વિચારણા કરવાની જરૂર છે અને તેમની વિરુદ્વ કાર્યવાહી કરવી જોઈએ. આ પહેલાં નવજોત સિદ્વુની સાથે ખેંચતાણ વચ્ચે અમરિન્દરસિંહે કહ્યું હતું કે જો પંજાબમાં કોંગ્રેસ ચૂંટણી હારી જાય છે તો તેઓ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દેશે.

 તેમણે કહ્યું કે તમામ મંત્રીઓ અને ધારાસભ્યોને કોંગ્રેસના પ્રચાર માટેની જવાબદારી સોંપવામાં આવી હતી. નવજોત સિદ્વુની પત્નીને ટીકીટ નહીં મળી તેની પાછળ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા આશાકુમારીને જવાબદાર ઠેરવતા નિવેદનને પણ અમરિન્દરસિંહે ફગાવી દીધું હતું. તેમણે કહ્યું કે તેમને અમૃતસ અથવા ભટીંડા સીટથી કોંગ્રેસે ટીકીટની ઓફર કરી હતી. પરંતુ તેમણે ઈન્કાર કર્યો હતો. ચંડીગઢ લોકસભા સીટ પરથી નવજોત કૌરને ટીકીટ નહીં મળી તેમાં તેમની કોઈ ભૂમિકા નથી. કારણ કે ટીકીટ વહેંચણીનું કામ દિલ્હી હાઈકમાન્ડ દ્વારા કરાયું હતું અને તેમણે પવનકુમાર બંસલ પર પસંદગી ઉતારી.