શું હોય છે એક્ઝિટ પોલ, કોણ કરે છે, કોણ કરાવે છે? 1960માં થઈ હતી શરૂઆત

17મી લોકસભા માટે આજે અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થવાની સાથે જ સાંજે વિવિધ ટીવી ચેનલો દ્વારા એક્ઝિટ પોલ શરૂ કરી દેવામાં આવશે. દરેક વખતે એક્ઝિટ પોલ ખરા ન પણ હોય છતાં પરિણામના આકલનની નજીક નજીક પહોંચેલા હોય છે. એક્ઝિટ પોલ શું છે અને ક્યારથી એક્ઝિટ પોલની શરૂઆત થઈ હતી તે જાણવું જરૂરી છે.

લગભગ બધી જ મોટી ચેનલો અલગ અલગ એજન્સીઓ સાથે મળીને અંતિમ ચરણનું મતદાન પૂર્ણ થયા બાદ એક્ઝિટ પોલ બતાવે છે. આમાં અનુમાનિત કરાય છે કે ક્યા પક્ષને કેટલી બેઠક મળવાની શક્યતા છે. ભારતમાં એક્ઝિટ પોલની શરૂઆત 1960માં થઈ હતી. સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપીંગ સોસાયટીઝ દ્વારા એક્ઝિટ પોલ તૈયાર કરી પ્રસિધ્ધ કરાયું હતું. એક્ઝિટ પોલ તૈયાર કરતી વખતે એજન્સીઓ વોટ નાંખ્યા બાદ તરત મતદારોને તેમનો અભિપ્રાય પૂછી લે છે. તેમના અભિપ્રાયના આધારે પોલ તૈયાર કરવામાં આવે છે. મતદારો સાચું જ બોલે છે તે પણ શંકાસ્પદ હોય છે. જેથી એક્ઝિટ પોલ કરતાં પરિણામ વિપરીત પણ આવે છે.

એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલમાં ખાસ્સો ફરક છે. ઓપિનિયન પોલ ચૂંટણી પહેલાં આવે છે અને એક્ઝિટ પોલ ચૂંટણી બાદ આવે છે. રિપ્રેઝેન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ 1951ની કલમ 126-એ પ્રમાણે ચૂંટણી શરૂ થવાના એક દિવસ પહેલા અને ચૂંટણી પૂર્ણ થવાના અડધા કલાક બાદ એક્ઝિટ પોલ દર્શાવી શકાય છે. કલમમાં સ્પષ્ટ રીતે લખાયું છે કે એક્ઝિટ પોલને મીડિયાના કોઈ પણ રૂપ(પ્રિન્ટ કે ઈલેક્ટ્રોનિક)માં બતાવવાનું કે છાપવાનું કામ કરી શકે નહીં. આ નિયમનો ભંગ કરનારને બે વર્ષની સજા અને દંડ પણ ફટકારવાની જોગવાઈ કરવામાં આવી છે.