એક્ઝિટ પોલના ભવાડા ગૂંચવાડા સર્જે છે: ગુજરાતમાં કોંગ્રેસને અપાઈ માત્ર ત્રણ સીટ, બંગાળમાં ભાજપને મોટો ફાયદો

જેટલાય એક્ઝિટ પોલ આવ્યા છે તેમા ભલે આમથી તેમ સીટો ફેરવી એનડીએને સ્પષ્ટ બહુમતિના અણસાર આપી રહ્યા છે પરંતુ એક્ઝિટ પોલમાં ઉડીને આંખે વળગે એવી વાત જે સામે આવી છે તેમાં એક પણ રાજ્યમાંથી શાસક કે વિપક્ષને સાતત્યપૂર્ણ સીટ આપવામાં આવી રહી નથી. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં એક્ઝિટ પોલ પહોંચી રહ્યા છે તો તેમના ઓપિનિયન પણ બદલાઈ જઈ રહ્યા છે. એક એક્ઝિટ પોલ યુપીમાં ભાજપની 58 સીટ મૂકે છે તો બીજું એક્ઝિટ પોલ ભાજપની 22 સીટ મૂકે છે.

એક્ઝિટ પોલમાં ગોળ ગોળ ધાણીની ફેરફુદરડી રમાડવામાં આવી છે. એનડીએને સીટોનું નુકશાન થઈ રહ્યું છે છતાં ખાતાને અન્ય રાજ્યમાં સરભર કરતા બતાવાયા છે. જ્યાં ભાજપ અને કોંગ્રેસનો વોટર બેઝ નથી તેવા રાજ્યોમાં કોંગ્રેસને એક બે સીટ મળતી બતાવાઈ રહી છે જ્યારે ભાજપને બલ્કમાં સીટ મળતી બતાવાઈ છે. બંગાળમાં ભાજપને 23 જેટલી બેઠક આપવામાં આવી છે. આ પ્રિડિક્શન મમતા બેનરજી માટે શ્વાસ અધ્ધર કરનારું બની રહેવાનું છે. યુપીમાં મોટું નુકશાન હોવા છતાં ભાજપની સરકાર બની રહી હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં કોંગ્રેસને માત્ર ત્રણ જ સીટ મળી રહી હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે પણ હકીકત એવી છે કે ગુજરાતમાં કોંગ્રેસ અણધાર્યા પરિણામ સર્જી શકે એવી સ્થિતિમાં છે. ભાજપના કેટલાક નેતાઓ પણ માને છે ગુજરાતમાં કોંગ્રેસ આઠ જેટલી બેઠક જીતી શકે તેમ છે જ્યારે ચારથી પાંચ સીટ પર ખરાખરીનો જંગ છે.

રાજ્યવાર એક્ઝિટ પોલ જોઈએ તો એક એક્ઝિટ પોલ કોંગ્રેસને ફાયદો બતાવે છે તો ભાજપને નુકશાન અને બીજું એક્ઝિટ પોલ ભાજપને ફાયદો બતાવે અને કોંગ્રેસને નુકશાન. આવી રીતે એક્ઝિટ પોલનો ભવાડો ગૂંચડવાડો સર્જી રહ્યો છે.