કિશાઉ ડેમ પ્રોજેક્ટ: 6 રાજ્યોના મુખ્યમંત્રીઓએ કરાર પર હસ્તાક્ષર કર્યા, અમિત શાહ, સીઆર પાટીલ હાજર રહ્યા

દિલ્હીમાં મહત્વપૂર્ણ 660 મેગાવોટના કિશાઉ ડેમ પ્રોજેક્ટ અંગે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. ઉપલા યમુના બેસિનમાં આ પ્રસ્તાવિત 660 મેગાવોટના પ્રોજેક્ટ માટે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાન વચ્ચે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં તમામ રાજ્યોના પ્રતિનિધિઓએ આ ઐતિહાસિક કરારને અંતિમ સ્વરૂપ આપ્યું હતું. આ મહત્વની બેઠકમાં જલ શક્તિ મંત્રી સીઆર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા.

આશરે 15,000 કરોડના અંદાજિત ખર્ચ સાથેનો કિશાઉ પ્રોજેક્ટ ઉપલા યમુના બેસિનમાં સૌથી મોટા પાણી અને વીજળી પ્રોજેક્ટ્સમાંનો એક છે. તેની પાણી સંગ્રહ ક્ષમતા 1,324 મિલિયન ક્યુબિક મીટર હશે. આ પ્રોજેક્ટનો હેતુ પાણી સંરક્ષણ, પીવાના પાણી પુરવઠા, સિંચાઈ અને વીજળી ઉત્પાદન જેવા બહુહેતુક લાભો સુનિશ્ચિત કરવાનો છે.