ભારે વરસાદ વચ્ચે 24×7 કાર્યરત રહેતી સુરત મહાનગરપાલિકા: 76 સ્થળોએ પાણી ભરાયા, 64 સ્થળોએ પાણીનો નિકાલ, પાંચ હજાર લોકોને સ્થળાંતરિત કરાયા

સુરત શહેરમાં ભારે વરસાદને પગલે સર્જાયેલી પરિસ્થિતિમાં સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિભાગો વચ્ચે અસરકારક સંકલન સાધી રાહત, બચાવ અને આવશ્યક નાગરિક સેવાઓ સતત કાર્યરત રાખવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. પાલિકા કમિશનર એમ.નાગરાજને જાતે ભટાર રસુલાબાદ સહિતનાં અન્ય પાણી ભરાતા વિસ્તારોની મુલાકાત લઈ નિરીક્ષણ કરીને પાણી નિકાલ તેમજ આરોગ્યલક્ષી પગલા ભરવા માટે અધિકારીઓને સૂચના આપી હતી.

સુરતમાં કુલ 76 સ્થળોએ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી, જેમાંથી 64 સ્થળોએ સંપૂર્ણ પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે, જ્યારે બાકીના સ્થળોએ પાણીના નિકાલની કામગીરી સતત ચાલુ છે.

સાવચેતીના ભાગરૂપે નીચાણવાળા વિસ્તારોમાંથી 2,391 નાગરિકોને સુરક્ષિત રીતે રાહત કેન્દ્રોમાં તથા 2,943 નાગરિકોને નાઈટ શેલ્ટરમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.

અસરગ્રસ્ત નાગરિકોને જરૂરી સહાયરૂપે 14,110 ફૂડ પેકેટ, 14,360 પાણીની બોટલ અને 420 દૂધના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. ઉપરાંત, 179 અસરગ્રસ્ત વ્યક્તિઓને સ્થળ પર જ તાત્કાલિક તબીબી સારવાર આપવામાં આવી છે.

બચાવ કામગીરી માટે NDRFની 1 ટીમ, SDRFની 1 ટીમ, ભારતીય સેનાની 1 ટીમ તેમજ સુરત મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. રાહત કામગીરી માટે સુરત મહાનગરપાલિકાની 16 બોટ, NDRFની 5 બોટ અને SDRFની 2 બોટ તૈનાત કરવામાં આવી છે.

શહેરના તમામ 36 વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન (WDS), 18 વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (WTP), 65 સીવેજ પમ્પિંગ સ્ટેશન (SPS) તથા 11 સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) સંપૂર્ણ રીતે કાર્યરત છે, જેથી આવશ્યક નાગરિક સેવાઓ અવિરત ચાલુ રહે.

પાણીના નિકાલ અને અન્ય તાત્કાલિક કામગીરી માટે અગાઉથી જ 66 ડી-વોટરિંગ પમ્પ, 77 JCB તથા 307 ટ્રક/ટ્રેક્ટર સહિતની જરૂરી મશીનરી અને વાહનો સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા હતા. જ્યાં પણ જરૂરિયાત ઊભી થઈ ત્યાં તાત્કાલિક સ્થળ પર સાધનો મોકલી કામગીરી હાથ ધરવામાં આવી છે.

રાહત અને ઇમરજન્સી કામગીરી માટે મહાનગરપાલિકાના હેલ્થ, એન્જિનિયરિંગ તથા અન્ય સંબંધિત વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ 24×7 ધોરણે કાર્યરત છે.

ભારે વરસાદ અને પવનને કારણે શહેરમાં વિવિધ સ્થળોએ નમી ગયેલા વૃક્ષોના ટ્રિમિંગ ઉપરાંત 326 પડી ગયેલા વૃક્ષો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

તાપી નદીના તમામ 83 ફ્લડ ગેટ હાલ ખુલ્લા રાખવામાં આવ્યા છે, જ્યારે ખાડી વિસ્તારના 29 પૈકી 24 ફ્લડ ગેટ ખુલ્લા રાખી પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

ભારે પવન અને વરસાદને ધ્યાનમાં રાખી સંભવિત અકસ્માતો ટાળવા માટે શહેરમાં 392 હોર્ડિંગ્સ અને ટેમ્પરરી સ્ટ્રક્ચર્સ દૂર કરવામાં આવ્યા છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તમામ સંબંધિત વિભાગો, ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ, પોલીસ, NDRF, SDRF, ભારતીય સેના તથા અન્ય સંકળાયેલી એજન્સીઓ સાથે સતત સંકલન સાધી 24×7 ધોરણે રાહત, બચાવ અને આવશ્યક નાગરિક સેવાઓ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. મહાનગરપાલિકા પરિસ્થિતિ પર સતત નજર રાખી નાગરિકોની સુરક્ષા અને સુવિધાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી જરૂરી તમામ પગલાં લઈ રહી છે.