તાપી કેચમેન્ટમાં ભારે વરસાદથી ઉકાઈ ડેમમાં પાણીની જોરદાર આવક, સપાટી પહોંચી 323.14 ફૂટે

મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ ઉપર સર્જાયેલા ડિપ્રેશનના પ્રભાવથી તાપી નદીના કેચમેન્ટ વિસ્તારમાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. તેના કારણે દક્ષિણ ગુજરાતની જીવનદોરી સમાન ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે અને ડેમ ઝડપથી ભરાઈ રહ્યો છે.

સુરત મહાનગપાલિકાના રેઈન સ્ટેટિક્સ પ્રમાણે ઉકાઈ ડેમની જળસપાટી 323.14 ફૂટ સુધી પહોંચી ગઈ છે. ડેમમાં હાલમાં 4,89,128 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે, જ્યારે માત્ર 800 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. કેચમેન્ટ વિસ્તારમાં વરસાદનું જોર યથાવત રહેતા આગામી કલાકોમાં ડેમની સપાટીમાં વધુ વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ છત્તીસગઢ અને મધ્ય પ્રદેશ ઉપર સર્જાયેલું ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધી મધ્ય પ્રદેશના મધ્ય ભાગ અને તેને અડીને આવેલા મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું છે. આ સિસ્ટમ સાથે ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર, કોકણ અને ગુજરાત સુધી ભેજનો સંગમ (Convergence Zone) તેમજ પૂર્વ-પશ્ચિમ શિયર ઝોન (East-West Shear Zone) સક્રિય હોવાથી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ સર્જાઈ શકે છે.

ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વાપી, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ સહિતના વિસ્તારોમાં આજે ભારે વરસાદની શક્યતા છે. ઉપરાંત ભાવનગર, મહુવા અને દક્ષિણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. અગાઉના સપ્તાહમાં ભારે વરસાદ અને પૂરનો સામનો કરી ચૂકેલા વિસ્તારોમાં ફરી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા હોવાથી તંત્ર એલર્ટ મોડમાં છે.

આવતીકાલે ભારે વરસાદનું કેન્દ્ર સૌરાષ્ટ્ર તરફ ખસે તેવી શક્યતા છે. જામનગર, દ્વારકા, ખંભાળિયા, મોરબી, રાજકોટ, પોરબંદર, અમરેલી, વેરાવળ-સોમનાથ, દીવ, ઊના અને બોટાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આનંદ, મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા જેવા આંતરિક જિલ્લાઓમાં પણ કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ 1 ઓગસ્ટ બાદ વરસાદની તીવ્રતામાં ધીમે ધીમે ઘટાડો થશે અને ત્યારબાદ અંદાજે 6થી 7 દિવસ સુધી રાહત મળવાની શક્યતા છે. જોકે ત્યાં સુધી દક્ષિણ ગુજરાત અને તાપી કેચમેન્ટ વિસ્તારમાં વરસાદની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ઉકાઈ ડેમમાં સતત વધી રહેલી આવકને ધ્યાનમાં રાખીને જળસંપત્તિ વિભાગ પણ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે.