સુરતમાં ખાડીપૂર નિવારણ માટે કામગીરીને વેગ: લિડાર અને ડ્રોન સર્વે બાદ પાંચ દિવસમાં પ્રાથમિક રિપોર્ટ તૈયાર થશે

સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીમાં ખાડીપૂર નિવારણ ખાસ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં શહેરમાં ખાડીપૂરની સમસ્યાના કાયમી નિવારણ માટે વિવિધ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા.

બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત સિટી તપાસ કમિટિ સાથે ખાડીપૂર નિવારણ ખાસ સમિતિને મર્જ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

પ્રેસ રિલીઝમાં જણાવ્યા મુજબ સુરતમાંથી પસાર થતી વિવિધ ખાડીઓનો લિડાર સર્વે, ડ્રોન સર્વે તેમજ અન્ય જરૂરી સર્વે હાથ ધરી હાઇડ્રોલોજી મોડેલ સહિતનો વિગતવાર પ્રોજેક્ટ તૈયાર કરવાની કામગીરી કન્સલ્ટન્ટ મલ્ટી મીડિયા લિમિટેડને સોંપવામાં આવી છે. કન્સલ્ટન્ટ દ્વારા સર્વે માટેની પ્રાથમિક તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને આગામી બે દિવસમાં વરસાદ બંધ થતાં જ ડ્રોન સર્વે શરૂ કરવામાં આવશે.

મ્યુનિસિપલ કમિશનરે NHAI, DFCC, એક્સપ્રેસ-વે, ઇરિગેશન, GETCO સહિત વિવિધ એજન્સીઓના પ્રોજેક્ટ ડાયરેક્ટરોને ખાડીના કેચમેન્ટ વિસ્તારમાં આવેલી તેમની યુટિલિટી સેવાઓની વિગતો બે દિવસમાં કન્સલ્ટન્ટને ઉપલબ્ધ કરાવવા સૂચના આપી હતી.

કલેક્ટર હસ્તકના DILR વિભાગને અલગ સર્વે ટીમ બનાવી નકશા સહિતની વિગતો તાત્કાલિક કન્સલ્ટન્ટને સોંપવા તેમજ રેવન્યુ વિભાગની માહિતી પણ વહેલી તકે ઉપલબ્ધ કરાવવા સૂચના આપવામાં આવી હતી.

કન્સલ્ટન્ટને એરપોર્ટ ઓથોરિટી, પોલીસ વિભાગ, મેરીટાઇમ બોર્ડ તેમજ અન્ય સરકારી અને અર્ધસરકારી સંસ્થાઓ પાસેથી જરૂરી મંજૂરીઓ સુરત મહાનગરપાલિકાના સંકલનથી મેળવવા પણ સૂચના આપવામાં આવી હતી.

સુડા તથા જિલ્લા વિસ્તારમાં આવેલી સરકારી જમીનો અને તળાવોની માહિતી પણ કન્સલ્ટન્ટને ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉપરાંત URDCL અને GPCB દ્વારા તેમની હસ્તકની માહિતી કન્સલ્ટન્ટને સોંપી દેવામાં આવી છે, જેને સર્વેમાં સમાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ કન્સલ્ટન્ટની એક ટીમને મહાનગરપાલિકાના GIS સેલ ખાતે કાર્યરત રાખવા પણ સૂચના આપવામાં આવી છે.

બેઠકના અંતે કમિશનરે વિવિધ વિભાગો પાસેથી પ્રાપ્ત થયેલી તથા બાકી રહેલી તમામ માહિતી તાત્કાલિક એકત્ર કરી આગામી પાંચ દિવસમાં ખાડીપૂર નિવારણ અંગેનો પ્રાથમિક રિપોર્ટ તૈયાર કરવા કન્સલ્ટન્ટને સૂચના આપી હતી.