ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શાળામાં વિદ્યાર્થિનીઓ વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલી અને ખીજવવા બાબતની અદાવતમાં, ટ્યુશન જઈ રહેલી ધોરણ-12ની બે સગી બહેનો પર રસ્તા વચ્ચે કારમાં આવેલા એક પરિવારે ક્રિકેટ બેટ વડે જીવલેણ હુમલો કર્યો છે. આ સમગ્ર હિંસક મારામારી નજીકના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે.
સામાન્ય બોલાચાલીમાં આખો પરિવાર રસ્તા પર ઉતરી આવ્યો
મળતી માહિતી મુજબ, 18 અને 17 વર્ષની બે સગી બહેનો પોતાની મોપેડ (સ્કૂટી) પર સવાર થઈને ટ્યુશન ક્લાસ જઈ રહી હતી. તે દરમિયાન શાળામાં જેની સાથે ઝઘડો થયો હતો તે ધોરણ-9ની વિદ્યાર્થિનીએ પોતાના માતા, પિતા અને દાદી સાથે કારમાં આવીને બંને બહેનોને રસ્તામાં આંતરી હતી. વિદ્યાર્થિનીના પિતાએ ઉશ્કેરણી કરીને કારમાંથી ક્રિકેટ બેટ મંગાવ્યું હતું અને આખા પરિવારે રસ્તા વચ્ચે બંને બહેનોને બેરહેમીપૂર્વક લાફા, ચંપલ અને બેટ વડે ઢોર માર માર્યો હતો.
બંને બહેનો હોસ્પિટલમાં, મુખ્ય આરોપી દંપતી જેલભેગું
આ હુમલામાં બંને બહેનોને શરીરના અંદરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ભોગ બનનાર વિદ્યાર્થિનીઓના ઉદ્યોગપતિ પિતાની ફરિયાદના આધારે અંકલેશ્વર GIDC પોલીસે ચારેય હુમલાખોરો સામે ગુનો નોંધ્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને મુખ્ય આરોપી દંપતી (માતા-પિતા)ની ધરપકડ કરી લીધી છે.
