લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ ઉદ્ધાવ ઠાકરે જુથની શિવસેનાના છ બળવાખોર સાંસદને એકનાથ શિંદે જુથની શિવસેના સાથે જોડાવવા-વિલયને માન્યતા આપી દીધી છે. શિવસેનાના 9 લોકસભા સાંસદમાંથી 6 સાંસદોએ 22 જુનના રોજ એકનાથ શિંદેના નેતૃત્વ વાળી શિવસેનામાં સામેલ થવા માટેનું મોટું એલાન કર્યું હતું. આ બળવાખોર સાંસદમાં સંજય દેશમુખ (યવતમાલ), સંજય જાધવ, સંજય દીના પાટીલ, નાગેશ પાટીલ અષ્ટીકર, ઓમપ્રકાશ રાજે નિંબાલકર અને ભાઉસાહેબ વાકચૌરેનો સમાવેશ થાય છે. ઉદ્ધવ ઠાકરે ગ્રૂપમાંથી અલગ થયેલા છ સાંસદોએ લોકસભાના સચિવાલયમાં એક ઔપચારિક અરજી કરીને એકનાથ શિંદે ગ્રૂપ સાથે જોડાવવા માટે માન્યતા માગી હતી. આ મંજૂરી હવે મળી ગઈ છે.
લોકસભા સ્પીકર ઓમ બિરલાએ આ બળવાખોર સાંસદોની અરજીને માન્ય રાખીને મંજૂરી આપી દીધી છે. આ નિર્ણય બાદ લોકસભામાં છ સાંસદોને હવેથી અપૌચારિક રીતે શિંદે જૂથના સાંસદ માનવામાં આવશે. આ નિર્ણય બાદ સંસદમાં શિવસેના (યુબીટી) અને શિવસેનાના પ્રતિનિધિત્વનું સમીકરણ બદલી ગયું છે. હવે લોકસભામાં યુબીટીના ત્રણ સાંસદ બચ્યા છે.
જ્યારે શિવસેના જુથના સાંસદની સંખ્યા વધીને 13 થઈ ગઈ છે. આ મંજૂરી મળ્યા બાદની સંખ્યા છે. સ્પીકરના આ નિર્ણયને મહારાષ્ટ્રની રાજનીતિમાં શિંદે જુથની મોટી જીત સમાન માનવામાં આવે છે.જ્યારે ઉદ્ધવ ઠાકરે જુથ માટે એક મોટા ફટકા સમાન છે. લોકસભાની ચૂંટણી 2024માં ઉદ્ધાવ ઠાકરેની પાર્ટી શિવેસનાના 9 સાંસદની જીત થઈ હતી જ્યારે એકનાથ શિંદે ગ્રૂપના 7 સાંસદની જીત થઈ હતી.
2022 માં શિવસેનામાં થયેલા મોટા વિભાજન પછી શરૂ થયેલી રાજકીય અને કાનૂની લડાઈમાં સ્પીકરનો નિર્ણય વધુ એક મહત્વપૂર્ણ પ્રકરણ છે. ત્યારથી એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળના જૂથો પક્ષના નેતૃત્વ, સંગઠનાત્મક નિયંત્રણ અને ચૂંટણી ઓળખ અંગે સતત મતભેદો ધરાવતા રહ્યા છે.
ચૂંટણી પંચે બાળાસાહેબ ઠાકરે દ્વારા સ્થાપિત શિવસેના અને તેના ‘ધનુષ્ય અને તીર’ ચૂંટણી ચિહ્ન અંગે એકનાથ શિંદે જૂથની તરફેણમાં ચુકાદો આપી દીધો છે. ઉદ્ધવના નેતૃત્વ હેઠળના જૂથના બળવાખોર સાંસદોને એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનામાં વિલયને માન્યતા આપવાનો લોકસભા સ્પીકરેનો નિર્ણય શિંદેએ દાવો કર્યાના થોડા સમય પછી આવ્યો છે કે આ પ્રક્રિયા “સંપૂર્ણપણે કાયદેસર” અને “બંધારણીય રીતે યોગ્ય” રીતે હાથ ધરવામાં આવી હતી.
તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સ્પીકરના ચુકાદા તેમના પક્ષમાં આવશે, અને ભારપૂર્વક જણાવ્યું હતું કે બધી બંધારણીય અને પ્રક્રિયાગત આવશ્યકતાઓ પૂર્ણ થઈ ગઈ છે. 15 જુલાઈના રોજ એક પત્રકાર પરિષદમાં, એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે ઉદ્ધવ જૂથના છ બળવાખોર સાંસદો જરૂરી બે તૃતીયાંશ બહુમતી મેળવીને તેમના પક્ષમાં જોડાયા છે.
કાનૂની નિષ્ણાતોની સલાહ લીધા પછી, આ સાંસદો લોકસભા સ્પીકરને મળ્યા અને જરૂરી દસ્તાવેજો અને વિડીયો રેકોર્ડિંગ સબમિટ કરવા સહિતની તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કરી. શિંદેએ કહ્યું કે બળવાખોર સાંસદોનો તેમના પક્ષમાં પ્રવેશ બંધારણની દસમી અનુસૂચિ (પક્ષપલટા વિરોધી કાયદો) ની જોગવાઈઓ અનુસાર હતો.
