ગૌરવની ક્ષણ : અય્યુબ યાકૂબઅલી સતત છઠ્ઠી વખત SGCCIની કેપિટલ એન્ડ કોમોડિટી માર્કેટ કમિટીના ચેરમેન બન્યા

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા વર્ષ 2026-27 માટે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે. તેમાં કેપિટલ એન્ડ કોમોડિટી માર્કેટ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર અય્યુબ યાકૂબઅલીની સતત છઠ્ઠી વખત કેપિટલ એન્ડ કોમોડિટી માર્કેટ કમિટીના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમની આ સતત છઠ્ઠી નિમણૂકને વેપાર અને ઉદ્યોગ જગતમાં ગૌરવપૂર્ણ સિદ્ધિ તરીકે જોવામાં આવી રહી છે.

અય્યુબ યાકૂબઅલીએ પોતાની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આ મહત્વપૂર્ણ જવાબદારી ફરી એકવાર સોંપવા બદલ તેઓ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ, હોદ્દેદારો, વરિષ્ઠ આગેવાનો તથા મેનેજિંગ કમિટીના સભ્યોના વિશ્વાસ માટે હૃદયપૂર્વક આભારી છે. તેમણે જણાવ્યું કે ઈશ્વરની અસીમ કૃપા અને સૌના સહકારથી તેમને સતત છઠ્ઠી વખત આ સમિતિનું નેતૃત્વ કરવાનો અવસર મળ્યો છે, જે તેમના માટે ગૌરવની સાથે એક મોટી જવાબદારી પણ છે.

તેમણે વધુમાં જણાવ્યું કે આ સિદ્ધિ માત્ર તેમની વ્યક્તિગત ઉપલબ્ધિ નથી, પરંતુ પરિવારજનો, મિત્રો, શુભેચ્છકો, સમાજના આગેવાનો, વ્યાવસાયિક સહયોગીઓ તેમજ ચેમ્બર સાથે જોડાયેલા તમામ સભ્યોના સતત સહયોગ, માર્ગદર્શન અને વિશ્વાસનું પરિણામ છે. આ સૌના પ્રોત્સાહન અને આશીર્વાદ વિના આ સફર શક્ય બની ન હોત.

અય્યુબ યાકૂબઅલીએ જણાવ્યું હતું કે આગામી કાર્યકાળ દરમિયાન કેપિટલ માર્કેટ અને કોમોડિટી માર્કેટ સાથે સંકળાયેલા વેપારીઓ, રોકાણકારો, ઉદ્યોગકારો તથા યુવા ઉદ્યોગસાહસિકોને વધુ લાભ મળી રહે તે માટે વિવિધ જ્ઞાનવર્ધક સેમિનારો, વર્કશોપ, રોકાણ જાગૃતિ કાર્યક્રમો, નિષ્ણાતોના માર્ગદર્શન સત્રો તેમજ સમયાનુકૂળ માહિતીસભર પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. બજાર અંગે યોગ્ય માહિતી અને નાણાકીય જાગૃતિ વધે તે માટે પણ વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવશે.

તેમણે જણાવ્યું કે બદલાતા આર્થિક અને વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં મૂડીબજાર અને કોમોડિટી ક્ષેત્રે સતત નવી તકો ઊભી થઈ રહી છે. આવા સમયમાં ચેમ્બર દ્વારા સભ્યોને યોગ્ય માર્ગદર્શન, તાલીમ અને માહિતીસભર કાર્યક્રમો ઉપલબ્ધ કરાવી વધુ સશક્ત બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

અંતમાં અય્યુબ યાકૂબઅલીએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં પણ સૌનો પ્રેમ, વિશ્વાસ, સહકાર અને શુભેચ્છાઓ સતત મળતી રહે તેવી તેઓ અપેક્ષા રાખે છે અને સોંપાયેલી જવાબદારીને સંપૂર્ણ નિષ્ઠા, પારદર્શિતા અને સમર્પણ સાથે નિભાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.