ગુજરાતમાં મેઘરાજાએ ફરી જોરદાર બેટિંગ કરતાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાયો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
અમરેલી જિલ્લામાં વરસાદે સૌથી વધુ અસર સર્જી છે. છેલ્લા 12 કલાકમાં રાજુલા પંથકમાં અંદાજે 9 ઇંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદને કારણે માર્ગો પર પાણી ફરી વળ્યા છે અને જનજીવન પ્રભાવિત બન્યું છે.
લીલીયા તાલુકાના બવાડી ગામની સીમમાં શેત્રુંજી નદીના પાણી ખેતરોમાં ઘૂસી જતાં પરપ્રાંતિય પરિવારના 8 લોકો અલગ-અલગ ખેતરોમાં ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી (TDO) અને ફાયર વિભાગની ટીમે તાત્કાલિક રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી. ભારે જહેમત બાદ તમામ 8 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. તંત્રની સમયસર અને સતર્ક કામગીરીને કારણે મોટી જાનહાનિ ટળી હતી.
રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વરસાદનું જોર યથાવત છે. અનેક જિલ્લાઓમાં નદીઓ અને ચેકડેમોમાં પાણીની આવક વધી છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. કેટલાક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થવા અને માર્ગ વ્યવહાર પર અસર થવાના અહેવાલો પણ સામે આવ્યા છે.
હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે, જ્યારે નદીકાંઠા અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સતત પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. જ્યાં જરૂર છે ત્યાં બચાવ અને રાહત કામગીરી માટે ટીમોને તૈનાત કરવામાં આવી છે. નાગરિકોને અનાવશ્યક મુસાફરી ટાળવા તેમજ સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.
