મહારાષ્ટ્રમાં મેઘતાંડવ: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, મુંબઈ-પુણે સહિત અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ. 6 નાં મોત

મહારાષ્ટ્રમાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદે જનજીવનને ગંભીર રીતે પ્રભાવિત કર્યું છે. મુંબઈ, પુણે, થાણે, પાલઘર, વસઈ-વિરાર અને મિરા-ભાઈંદર સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ અને તેજ પવનને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ થતાં વાહનવ્યવહાર ખોરવાયો છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

વસઈ-વિરારમાં લિંક રોડ અને સ્ટેશન રોડ સહિત અનેક મુખ્ય માર્ગો પાણીમાં ડૂબી ગયા છે. ભારે વરસાદને કારણે ટ્રાફિક પર વ્યાપક અસર જોવા મળી રહી છે. હવામાન વિભાગે આગામી કલાકોમાં વધુ ભારે વરસાદની આગાહી સાથે એલર્ટ જાહેર કર્યું છે અને નાગરિકોને જરૂરી સિવાય બહાર ન નીકળવાની અપીલ કરી છે.

પુણેમાં પણ વરસાદે ભારે કહેર વર્તાવ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. પૌડ રોડ પર રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે. ભારે પવનના કારણે એક જ દિવસમાં 100થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે. હવામાન વિભાગે પુણે માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે અને પરીક્ષાઓ પણ મુલતવી રાખવામાં આવી છે.

મુંબઈમાં મુશળધાર વરસાદ અને ભારે પવનના કારણે 250થી વધુ વૃક્ષો ધરાશાયી થયા હોવાનું સામે આવ્યું છે. વિવિધ અકસ્માતોમાં બે યુવાનોના મોત થયા છે. ઉપરાંત ભારે વરસાદ દરમિયાન એક ઇમારત ધરાશાયી થતાં 6 લોકોના મોત થયા હોવાના અહેવાલો મળ્યા છે.

મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર પણ ભારે વરસાદની અસર જોવા મળી છે. મિસિંગ લિંક પ્રોજેક્ટ નજીક ભૂસ્ખલન થતાં પુણેથી મુંબઈ જતો માર્ગ તાત્કાલિક બંધ કરવામાં આવ્યો છે. બીજી ટનલ પહેલાં ચટ્ટાન ધસી પડતાં ટ્રાફિક રોકી દેવામાં આવ્યો હતો. સદનસીબે ઘટના સમયે ત્યાંથી કોઈ વાહન પસાર ન થતાં મોટી દુર્ઘટના ટળી હતી. મુંબઈથી પુણે જતી લેન પણ સુરક્ષાના ભાગરૂપે બંધ કરવામાં આવી છે.

થાણેમાં રાતભર પડેલા વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તલાવપાળી વિસ્તારમાં તળાવનું પાણી રસ્તા પર ફરી વળતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે અને અનેક માર્ગો પર ટ્રાફિક જામ સર્જાયો છે.

મિરા-ભાઈંદરના કાશીમીરા વિસ્તારમાં નિર્માણાધીન ઇમારતમાંથી સિમેન્ટનો પેવર બ્લોક નીચે પડતાં ચાલના મકાન પર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક મહિલા સહિત ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

દરમિયાન, મુંબઈમાં આજે હાઈ ટાઈડની પણ ચેતવણી આપવામાં આવી છે. બપોરે 3:31 અને 3:50 વાગ્યે આશરે 15 ફૂટ સુધીની ઊંચી લહેરો ઊઠવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તંત્રે નાગરિકોને દરિયા કિનારેથી દૂર રહેવાની અપીલ કરી છે.

હવામાન વિભાગે મુંબઈ, પુણે, થાણે અને પાલઘર સહિતના વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને તમામ શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે તેમજ પરીક્ષાઓ પણ રદ કરવામાં આવી છે. રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા નાગરિકોને સાવચેતી રાખવા, અનાવશ્યક મુસાફરી ટાળવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.