મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં છેલ્લા કેટલાક કલાકોમાં ભારે વરસાદ પડ્યો છે. ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) દ્વારા સમગ્ર જિલ્લા માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યા પછી સાવચેતીના પગલા તરીકે ૨ જુલાઈના રોજ પાલઘર જિલ્લાની બધી શાળાઓ બંધ રાખવામાં આવી છે.
આજે સવારે મુંબઈ શહેરના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) અનુસાર, છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં ભારે વરસાદ પડ્યો છે, જેમાં ઘણાં વિસ્તારોમાં 200 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે. બીએમસી અનુસાર, મુંબઈ શહેરમાં 134 મીમી વરસાદ પડ્યો હતો, જ્યારે પૂર્વીય ઉપનગરોમાં 164 મીમી અને પશ્ચિમી ઉપનગરોમાં 149 મીમી વરસાદ પડ્યો હતો. મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં 24 કલાકની અંદર બે અલગ અલગ સ્લેબ તૂટી પડવાની ઘટનાઓમાં બે લોકોના મોત થયા. દક્ષિણ મુંબઈના વાલકેશ્વરમાં, એક સેસ્ડ બિલ્ડિંગના ત્રીજા માળની બાલ્કની રસ્તા પર પડતાં 51 વર્ષીય રાહદારીનું મોત થયું.
નવી મુંબઈના કામોથેમાં, તેમના બેડરૂમની છતનો સ્લેબનો એક ભાગ સૂતા હતા ત્યારે તૂટી પડતાં 45 વર્ષીય પુરુષનું મોત થયું અને તેની 12 વર્ષની પુત્રી ઘાયલ થઈ હતી. એક ઇમારતની છત ધરાશાયી થતાં 45 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું. આ ઘટનાઓએ વરસાદ દરમિયાન સલામતીના પગલાં અંગે પણ પ્રશ્નો ઉભા કર્યા છે. નવી મુંબઈના નેરુલ વિસ્તારમાં પાણી ભરાયેલા રસ્તા દરમિયાન ખુલ્લા વીજ વાયરના સંપર્કમાં આવતા બે છોકરીઓ ઘાયલ થઈ હતી. ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)એ આગામી ૨૪ કલાકમાં મુંબઈ અને તેના ઉપનગરોાં ભારેથી અતિ ભારે વરસાદ અને ભારે પવનની આગાહી કરી છે.
આઈએમડીએ પાલઘર અને ગુરૂવાર અને શુક્રવા બંને માટે રાયગઢમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ પણ જારી કર્યું છે. દિલ્હી-એનસીઆરના લોકો છેલ્લા ઘણા દિવસોથી જે વરસાદની રાહ જોઈ રહૃાા હતા, તે રાહ હવે પૂરી થઈ છે. આકાશમાં સતત ઘેરાતા વાદળો, અસહૃા બફારો અને વચ્ચે-વચ્ચે ફૂંકાતા તેજ પવનો સાથે ચોમાસું રાજધાનીના આંગણે આવી પહોંચ્યું છે. અને દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની શરૂઆત થઈ ગઇ છે. દિલ્હી-એનસીઆરના વાતાવરણમાં ગુરુવારે વરસાદ, ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે, અને હવામાન વિભાગે ‘યલો એલર્ટ’ જાહેર કર્યું છે.
હવામાન વિભાગ (આઈએમડી)ના જણાવ્યા અનુસાર, ઉત્તર અરબી સમુદ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પંજાબ અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં ચોમાસું આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ છે. બુધવારે જ ચોમાસું ઉત્તર અરબી સમુદ્ર, ગુજરાત, દમણ અને દીવ, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશના ઘણાં વિસ્તારો તેમજ ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, લદ્દાખ, જમ્મુ-કાશ્મીર, હરિયાણા અને પંજાબના કેટલાક ભાગોમાં પહોંચી ચૂક્યું છે.
