PNB કૌભાંડ: નીરવ મોદીને મોટો આંચકો, બેંક ઓફ ઈન્ડિયાને ચૂકવવા પડશે 100 કરોડ રુપિયા

નીરવ મોદી સામે બેંક ઓફ ઈન્ડિયાએ 100 કરોડનો કેસ જીતી લીધો છે, જેથી પીએનબી બેંક કૌભાંડ માસ્ટરમાઈન્ડ અને ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીને લંડન હાઈકોર્ટથી મોટો ઝટકો લાગ્યો.

ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીને મોટો ઝટકો લાગ્યો છે. મંગળવારે લંડન હાઈકોર્ટના જજે નીરવ મોદી સામેના કેસમાં બેંક ઓફ ઈન્ડિયાના પક્ષમાં ચુકાદો આપ્યો. બેંક ઓફ ઈન્ડિયાએ લંડન હાઈકોર્ટમાં નીરવ મોદી સામે 100 કરોડનો કેસ જીતી લીધો છે.

કોર્ટે જણાવ્યું હતું કે ભાગેડુ હીરા વેપારી નીરવ મોદી પર જાહેર ક્ષેત્રની બેંકનું 10.7 મિલિયન ડોલર (100 કરોડથી થોડું વધારે) બાકી છે. નીરવ મોદી પીએનબી કૌભાંડનો માસ્ટરમાઇન્ડ છે.

લંડન હાઈકોર્ટના ન્યાયાધીશ સિમોન ટિકલરે મંગળવારે લંડન સર્કિટ કોમર્શિયલ કોર્ટમાં પોતાનો ચુકાદો આપતા કહૃાું કે નીરવ મોદી બેંકને આપવામાં આવેલી વ્યક્તિગત ગેરંટી હેઠળ ડોલર 4.1 મિલિયન (આશરે 38.9 કરોડ) ની મૂળ રકમ ચૂકવવા માટે જવાબદાર છે. બેંક દ્વારા નક્કી કરાયેલા આધારે ગણતરી કરાયેલ વ્યાજ ઉમેરવામાં આવશે. નીરવ મોદીએ બેંકને તે રકમ કેમ હકદાર ન હતી તે દર્શાવવા માટે કોઈ બચાવ રજૂ કર્યો નથી.

ઉલ્લેખનીય છે કે, નીરવ મોદી હાલમાં લંડનની જેલમાં છે અને ભારત પ્રત્યાર્પણનો કેસ લડી રહ્યો છે. સુનાવણી દરમિયાન, નીરવ મોદીએ દલીલ કરી હતી કે ગેરંટી અમલમાં મૂકી શકાય તેવી નથી. તેમને બેંક તરફથી ક્યારેય માન્ય માંગ મળી નથી અને લોન રદ કરવા માટે કોઈ ભૌતિક પ્રતિકૂળ અસર થઈ નથી. પરંતુ સુનાવણીના અંતે બીઓઆઈ તરફી ચુકાદો આવ્યો છે.