મુંબઈમાં ચોમાસાના આગમન પછી મેઘો મંડાયો છે અને પાંચ ઈંચ જેટલો ભારે વરસાદ થતા જનજીવન ખોરવાયુ છે. લોકલ ટ્રેનો ઠપ્પ થઈ ગઈ છે. હજુ પણ તોફાની પવન સાથે ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ અપાયું છે.
મુંબઈમાં ચોમાસાના આગમન પછી મંગળવારની રાતથી સતત પડી રહેલા મુશળધાર વરસાદે દેશની આર્થિક રાજધાની પર અસર કરી છે. સવાર સુધીમાં, ઘણાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા, રસ્તાઓ જામ થઈ ગયા હતા અને લાખો મુસાફરો માટે જીવનરેખા ગણાતી લોકલ ટ્રેનો ખોરવાઈ ગઈ હતી. ઓફિસ જનારા લોકોને ટ્રાફિક જામ, પાણી ભરાઈ જવા અને મોડી પડેલી ટ્રેનોનો સામનો કરવો પડ્યો હતો.
હવામાન વિભાગે પહેલાથી જ ભારે વરસાદની ચેતવણી જારી કરી હતી, અને તેની અસરો હવે જમીન પર સ્પષ્ટપણે જોઈ શકાય છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) ના ડેટા અનુસાર, ગઈકાલે રાત્રે ૫-૬ કલાક દરમિયાન મુંબઈના વિવિધ વિસ્તારોમાં ૭૧ થી ૯૯ મીમી વરસાદ નોંધાયો હતો. જે સવારે પણ ચાલુ રહ્યો હતો.
હવામાન વિભાગ (આઈએમડી)એ મુંબઈ અને તેના ઉપનગરો માટે રેડ એલર્ટ જારી કર્યું છે. થાણે જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પાલઘર જિલ્લાને પણ રેડ એલર્ટ પર રાખવામાં આવ્યો છે, જ્યારે રાયગઢ, રત્નાગિરિ અને સિધુદુર્ગ જિલ્લાઓ માટે પીળો એલર્ટ જારી કરવામાં આવ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મુંબઈમાં ૪૧ થી ૬૧ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડા અને ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે.કલ્યાણ, ડોંબિવલી, કર્જત અને નેરલ વિસ્તારોમાં ગઈકાલ રાતથી ભારે વરસાદ પડી રહૃાો છે, જેના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. વસઈ, વિરાર અને નાલાસોપારા વિસ્તારોમાં બુધવાર રાતથી સતત ભારે વરસાદ પડી રહૃાો છે, જેના કારણે ઘણાં વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાઈ જવાથી સ્થાનિક સેવાઓ ખોરવાઈ ગઈ છે અને મુસાફરો માટે ટ્રાફિકની મોટી સમસ્યા ઉભી થઈ છે.
પહેલા ભારે વરસાદથી ઘણા વિસ્તારોમાં સમસ્યાઓ વધી ગઈ છે. ભવાની પાર્ક વિસ્તારમાં એક ઝાડ પણ પડી ગયું છે, અને ફાયર બ્રિગેડની ટીમો તેને દૂર કરવા માટે કામ કરી રહી છે. સતત વરસાદને કારણે વહીવટીતંત્ર પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહૃાું છે. ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર પણ પાણી ભરાવાને કારણે ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે, જેથી મુંબઈ તરફ આવતો અને થાણે તરફ જતો વાહનવ્યવહાર ખૂબ ધીમો પડી ગયો છે. થાણેમાં આનંદ નગર નાકા પાસે એક મોટું ઝાડ ધરાશાયી થવાને કારણે હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી છે, જ્યારે અન્ય એક જગ્યાએ ઝાડ પડવાથી પાંચ વાહનોને નુકસાન થયું છે.
મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનો પર પણ આ વરસાદની સીધી અસર જોવા મળી રહી છે. મધ્ય, પશ્ચિમ અને હાર્બર ત્રણેય લાઈન પર લોકલ ટ્રેનો પોતાની નિયમિત ગતિ કરતા ધીમી ચાલી રહી છે, અને જો વરસાદ આવો જ ચાલુ રહેશે તો લોકલ સેવાઓ વધુ ખોરવાઈ શકે છે, એવી ભીતી પણ સેવાઈ રહી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી થોડા કલાકો સુધી મુંબઈ શહેર, ઉપનગરો અને પાલઘર જિલ્લામાં વીજળીના કડાકા-ભડાકા સાથે અને કલાકના ૪૦થી ૬૦ કિમીની ઝડપે પવન ફૂંકાવા સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ સાથે જ મુંબઈના દરિયામાં સવારે મોટી ભરતી એટલે કે હાઈ ટાઈડ હોવાથી, જો આ સમયે પણ ભારે વરસાદ ચાલુ રહેશે તો મુંબઈમાં પાણી ભરાવાની સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. આ જ કારણે પ્રશાસન દ્વારા લોકોને વગર કામે ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.
