આંધ્રના જોન્નાગીરીમાં મળ્યો 50 ટન સોનાનો ભંડાર

સમગ્ર વિશ્વમાં સોનાની વધતી માંગ અને આકાશને આંબતી કિંમતો વચ્ચે ભારતમાં સોનાનો એક મોટો ખજાનો હાથ લાગ્યો છે. દક્ષિણ ભારતના રાજ્ય આંધ્રપ્રદેશના કુર્નુલ જિલ્લામાં આવેલા જોન્નાગિરી ગામમાં અંદાજે 50 ટન સોનાનો ભંડાર હોવાની પુષ્ટિ થઈ છે. આ મોટી શોધ પછી આંધ્રપ્રદેશ આગામી થોડા જ વર્ષોમાં દેશમાં સોનાનો સૌથી મોટો સપ્લાયર પક્ષ બનીને ઉભરી શકે છે. આનાથી દેશમાં ન માત્ર સોનાનું સ્થાનિક ઉત્પાદન વધશે, પરંતુ સોનાની આયાત પર ભારતની નિર્ભરતા પણ ઘણી ઓછી થશે.

માઈન્સ વિભાગના અગ્ર સચિવ મુકેશ કુમાર મીણાએ એક પત્રકાર પરિષદમાં આ અંગેની મહત્ત્વની વિગતો શેર કરી હતી. તેમણે જણાવ્યું કે, એકલા જોન્નાગિરીમાં જ અંદાજે 50 ટન સોનું મોજુદ હોવાનો અંદાજ છે. સ્થાનિક બજારમાં આ સોનાની અંદાજિત કિંમત આશરે રૂ।. 7,500 કરોડથી લઈને રૂ।. 9,000 કરોડની વચ્ચે હોવાનું માનવામાં આવે છે.

લગભગ એક દાયકા પહેલા આ ગામમાં માઈનિંગ માટે 1,500 એકર જમીન ફાળવવામાં આવી હતી. હાલમાં માત્ર 500 એકર જમીન પર જ ખોદકામ અને સંશોધન થયું છે, જેમાંથી 13 ટન સોનાનો અંદાજ મળ્યો છે, અને બાકીની 1,000 એકર જમીન પર શોધખોળ થતા આ આંકડો 50 ટન સુધી પહોંચી જશે. ચાલુ મહિનાના અંતમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ આ જોન્નાગિરી ગોલ્ડ માઈનિંગ પ્રોજેક્ટનું સત્તાવાર રીતે ઉદ્ઘાટન કરીને તેને રાષ્ટ્રને સમર્પિત કરશે.