‘નીટ’ યુજી-2026 ની ફરીથી યોજાનારી પરીક્ષાના ઠીક પહેલા એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા જાહેર કરવામાં આવેલા એડમિટ કાર્ડમાં એક મોટી ખામીના કારણે નાગપુરના એક વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્ર તરીકે છેક સંયુક્ત આરબ અમીરાતનું ‘અબુ ધાબી’ ફાળવી દેવામાં આવ્યું છે. 21 જૂને યોજાનારી આ રિ-નીટ પરીક્ષા પહેલા બનેલી આ ઘટનાએ સોશિયલ મીડિયા સહિત સમગ્ર દેશમાં ભારે ચર્ચા જગાવી છે.
માહિતી અનુસાર અબ્દુલ્લા મોહમ્મદ તાલિબ નામના આ વિદ્યાર્થીએ નાગપુરથી પરીક્ષા માટે અરજી કરી હતી અને તેને આશા હતી કે દેશમાં જ કોઈ સેન્ટર મળશે, પરંતુ જ્યારે તેણે સત્તાવાર વેબસાઈટ પરથી પોતાનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કર્યું ત્યારે તે આશ્ચર્યચકીત થઈ ગયો, કારણ કે તેમાં ભારતને બદલે અબુ ધાબી સ્થિત એક ‘ઈન્ડિયન સ્કૂલ’નું સરનામું લખેલું હતું.
આ વિદ્યાર્થી માટે સૌથી મોટી મુશ્કેલી એ છે કે તેની પાસે પાસપોર્ટ જ નથી, જેના કારણે વિદેશ જઈને પરીક્ષા આપવી તેના માટે અશક્ય બની ગઈ છે. આ એડમિટ કાર્ડનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર પણ ભારે વાયરલ થઈ રહ્યો છે. તે પછી એનપીએ દ્વારા ટેકનિકલ ખામીની ભૂલ સ્વીકારીને જરૂરી સુધારો કર્યો હોવાના અહેવાલો છે.
