ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી: આગામી 7 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી

ગુજરાતમાં પ્રી-મોન્સૂન પ્રવૃત્તિઓ સક્રિય બનતાં રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે હવામાન વિભાગે 20 જૂનથી 26 જૂન સુધીનું હવામાન પૂર્વાનુમાન જાહેર કર્યું છે. આગામી એક સપ્તાહ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ચોમાસાના શરૂઆતના તબક્કામાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની અસર જોવા મળશે. 20 જૂનના રોજ સમગ્ર ગુજરાતમાં મેઘગર્જનાની શક્યતા છે, જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધુ રહેવાની સંભાવના છે.

21 થી 23 જૂન દરમિયાન મધ્ય, પૂર્વ અને દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ યથાવત રહેશે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુર સહિત રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

24 થી 26 જૂન દરમિયાન ઉત્તર ગુજરાત અને કચ્છ વિસ્તારમાં વરસાદની સંભાવના ઘટશે અને મોટાભાગે શુષ્ક વાતાવરણ રહેવાની શક્યતા છે. જોકે દક્ષિણ ગુજરાતમાં વરસાદી પ્રવૃત્તિઓ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે. સપ્તાહના અંત સુધીમાં વરસાદનું જોર ઉત્તર અને પશ્ચિમ વિસ્તારોમાંથી ઘટીને દક્ષિણ ગુજરાત સુધી સીમિત થઈ શકે છે.

વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ સહિત સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ તેમજ દીવ-દમણ વિસ્તારમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સપ્તાહ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સાથે જ મેઘગર્જના અને વીજળીના ચમકારા સાથે વરસાદ પડવાની પણ શક્યતા છે.

વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે વરસાદ અને વીજળીના ચમકારા દરમિયાન સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરે અને સલામત સ્થળે આશ્રય લે.