“એક જ દાતાનું 39 વાર નામ, ટૂકડે-ટૂકડે ચંદો: એંગ્લોનાં વાર્ષિક અહેવાલમાં નામ પ્રદર્શિત કરવાની હોડ?”

સુરત શહેરની જાણીતી શૈક્ષણિક સંસ્થા “ધી સુરત મુસ્લિમ ડિસ્ટ્રીક્ટ એજ્યુકેશન સોસાયટી-એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલ”ના વર્ષ 2024-2025ના 89મા વાર્ષિક અહેવાલમાં ચંદા સંબંધિત એક મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. અહેવાલના પેજ નંબર 96થી 101 સુધી પ્રકાશિત ચંદાદાતાઓની યાદીમાં એક જ દાતા કે તેમની સંસ્થાનું નામ કુલ્લે 39 વખત નોંધાયેલું જોવા મળ્યું છે, જેમાં દરેક વખતે રૂ. 10,000નું યોગદાન દર્શાવવામાં આવ્યું છે.

આ વિચિત્ર પદ્ધતિને કારણે સમાજમાં અનેક પ્રશ્નો ઉભા થયા છે. સામાન્ય રીતે, દાતાઓ દ્વારા ઝકાત, સદકો કે લિલ્લાહ રૂપે આપાતી રકમ એકમુઠ્ઠી આપવામાં આવે છે. પરંતુ અહીં એક જ દાતાએ કુલ રકમને નાના ભાગોમાં વહેંચીને વારંવાર ચંદો આપ્યો હોવાનો દાખલો જોવા મળે છે. જોકે, દાતા પોતાને અબજો અને કરોડપતિ હોવાનું જાહેરમાં દર્શાવે છે.

આ મામલે કેટલાક લોકોનું માનવું છે કે દાતા દ્વારા આ રીતે ચંદો આપવાનો હેતુ વાર્ષિક અહેવાલમાં પોતાનું નામ વારંવાર પ્રગટ થાય તેવો હોઈ શકે છે. બીજી તરફ, કેટલાક લોકો આને દાતાની વ્યક્તિગત દાન પદ્ધતિ ગણાવી રહ્યા છે અને તેમાં કોઈ ગેરરીતિ ન હોવાનું કહી રહ્યા છે.

પ્રશ્ન એ પણ ઉદ્ભવે છે કે જ્યારે ઝકાત, સદકો અને લિલ્લાહ જેવી રકમો સંસ્થાને આપવાની હોય ત્યારે તે એક સાથે કેમ આપવામાં નથી આવતી? શું આ પદ્ધતિ પાછળ કોઈ ખાસ કારણ છે કે માત્ર પ્રચાર મેળવવાની ઇચ્છા?

આ મુદ્દે સંસ્થાના સંચાલકો દ્વારા હજી સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા આપવામાં આવી નથી. જો કે, આ ઘટના પછી દાનની પારદર્શિતા અને પદ્ધતિ અંગે ચર્ચાઓ તેજ બની છે. સમાજના અગ્રણીઓએ આ મુદ્દે સ્પષ્ટતા કરવા અને આવનારા સમયમાં વધુ પારદર્શક વ્યવસ્થા અપનાવવા સંસ્થાને અપીલ કરી છે.

આ પ્રકરણને પગલે હવે લોકોમાં એક ચર્ચા શરૂ થઈ છે કે દાન માત્ર સહાય માટે હોવું જોઈએ કે પછી તેમાં નામના મેળવવાની લહાય વધુ છે, આ પ્રશ્ન હવે પૂછાઈ રહ્યો છે.