દેશભરમાં ઉનાળાની શરૂઆત સાથે જ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. હવામાન વિભાગે તીવ્ર ગરમી અને લૂની ચેતવણી આપી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવને છોડીને મોટાભાગના વિસ્તારોમાં તાપમાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં તાપમાન અચાનક વધી જતા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વિદર્ભનું અકોલા શહેર 44 ડિગ્રી તાપમાન સાથે વિશ્વના સૌથી ગરમ શહેરોમાં સ્થાન પામ્યું છે.
ગુજરાત માટે હવામાન વિભાગે આગાહી કરી છે કે આજે રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેશે અને તાપમાનમાં ખાસ ફેરફાર નહીં થાય. જોકે રવિવારથી મંગળવાર દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદી છાંટાની શક્યતા છે. આ માવઠું સામાન્ય સ્તરનું રહેશે.
21 એપ્રિલે તાપી, ડાંગ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં હળવા વરસાદ સાથે ગાજવીજ થવાની શક્યતા છે. જ્યારે 22 એપ્રિલે ભરૂચ, સુરત, અમરેલી અને ભાવનગરમાં પણ કમોસમી વરસાદ પડી શકે છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન મુજબ 19થી 21 એપ્રિલ વચ્ચે રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ સાથે 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. 25થી 29 એપ્રિલ દરમિયાન ગરમીમાં વધારો થશે, જ્યારે મે મહિનાની શરૂઆતમાં ફરી હવામાનમાં ફેરફાર આવી શકે છે. 11થી 20 મે દરમિયાન કેટલાક વિસ્તારોમાં આંધી-વંટોળ અને તેજ પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
દેશના અન્ય ભાગોમાં પણ હવામાનમાં અસથિરતા જોવા મળી રહી છે. ઉત્તર-પૂર્વીય રાજ્યો જેમ કે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરામાં આગામી પાંચ દિવસ દરમિયાન પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ઉત્તર ભારતના જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ગાજવીજ સાથે વરસાદ અને કેટલીક જગ્યાએ કરા પડી શકે છે.
હરિયાણા, પંજાબ, બિહાર, ઝારખંડ અને ઓડિશામાં પણ હળવા વરસાદની શક્યતા છે. બીજી તરફ મધ્ય પ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ, તેલંગાણા અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં 17થી 21 એપ્રિલ દરમિયાન લૂનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં તાપમાન 40થી 44 ડિગ્રી સુધી પહોંચી ગયું છે.
ઓડિશા, પશ્ચિમ બંગાળ અને દક્ષિણ ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજ અને ઉકળાટ લોકોને પરેશાન કરી શકે છે. પશ્ચિમ રાજસ્થાનમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે અને કેટલાક વિસ્તારોમાં આંધી સાથે પવન ફૂંકાવાની શક્યતા છે.
