ગાંધીનગરની જાણીતી “સંસ્કૃતિ’ સંસ્થા, ગાંધીનગર દ્વારા 2025-26ના દ્વિતીય કાર્યક્રમ અંતર્ગત “Rimjhim – Monsoon Unplugged” નામનો હાવા સંગીતમય કાર્યક્રમ 21મી ઓગસ્ટે ટાઉન હોલ, સેક્ટર-17, ગાંધીનગર ખાતે સંગીતપ્રેમીઓની ઉપસ્થિતિમાં ઉત્સાહભેર યોજાયો હતો.
વરસાદી ઋતુની મીઠી યાદ, કૃત્રિમ વરસાદ અને કર્ણપ્રિય સંગીતનો અનોખો સંગમ સર્જાતા આ કાર્યક્રમમાં જાણીતા કલાકારો હિમાંશુ ત્રિવેદી, અનિલ વસાવડા, મૌતુસી દાસ અને મનદીપ દ્વારા એકથી એક સુંદર સંગીતપ્રચુર ગીતોની રજૂઆત કરવામાં આવી હતી. કલાકારોની સૂરીલી રજૂઆતથી સમગ્ર ટાઉન હોલ સંગીતના સૂરોથી ગુંજી ઉઠ્યો હતો અને ઉપસ્થિત શ્રોતાઓએ સંગીતની આ મનમોહક સફરનો ભરપૂર આનંદ માણ્યો હતો.
કાર્યક્રમનું વિશેષ આકર્ષણ રહ્યું વરસાદી ગીતોનું વિશેષ આયોજન. ક્લાકારોએ વરસાદની મોસમ સાથે સંકળાયેલા લોકપ્રિય ગીતોની સુંદર રજૂઆત જાણે શ્રોતાઓને વરસાદી ઋતુની યાદોમાં લઈ ગઈ હતી.
આ પ્રસંગે “આજ મોસમ બડા બેઇમાની…. -મેઘા રે મેઘા રે…”, “ટીપ ટીપ બરસા પાની…” જેવા અનેક લોકપ્રિય વરસાદી ગીતો રજૂ કરવામાં આવ્યા હતા. એક પછી એક મનમોહક ગીતોની રજૂઆત થતા ઉપસ્થિત શ્રોતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સંગીત, શબ્દો અને વરસાદી માહોલના આ સુંદર સમન્વયે કાર્યક્રમને વધુ જીવંત અને ચાદગાર બનાવી દીધો હતો.
કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત તમામ સભ્ય દ્વારા પોતાની જગ્યાએ ઉભા રહીને રાષ્ટ્રગીત સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ સંસ્થાના મંત્રી પરાગ શુકલ દ્વારા કાર્યક્રમની સુંદર રૂપરેખા રજૂ કરવામાં આવી હતી અને કાર્યક્રમની વિવિધ રજૂઆતો અંગે ઉપસ્થિતોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે “સંસ્કૃતિ” સંસ્થાના પ્રમુખ રમેશભાઈ પટેલ દ્વારા પ્રાસંગિક ઉદ્દબોધન કરવામાં આવ્યું હતું. તેમણે ઉપસ્થિત મહેમાનો, કલાકરો, સંસ્થાન સભ્યો અને સંગીતપ્રેમીઓને હાર્દિક આવકાર આપતાં જણાવ્યું હતું કે, “સંસ્કૃતિ સંસ્થા કલા, સંગીત અને સરકારના માધ્યમથી સમાજમાં સકારાત્મક અને સર્જનાત્મક વાતાવરણ ઊભું કરવા સતત પ્રયત્નશીલ છે. આવા કાર્યક્રમો લોકોને રોજિંદા જીવનની વ્યસ્તતામાંથી થોડો સમય કાઢીને સંગીત અને સંસ્કૃતિ સાથે જોડાવાની તક મળે છે.
કાર્યક્રમમાં સંદીપ ક્રિશ્ચિયન (ઓર્કેસ્ટ્રા) દ્વારા સંગીતની સુંદર સંગત કરવામાં આવી હતી. જ્યારે આરિફ શેખ (એન્કર) દ્વારા કાર્યક્રમનું સુંદર અને જીવંત સંચાલન કરવામાં આવ્યું હતું. કલાકારોની ઉત્કૃષ્ટ રજૂઆતો અને એન્કરના રસપ્રદ સંચાલનનું કારણે કાર્યક્રમ અંત સુધી સપ્રદ અને ઉર્જાસભર રહ્યો હતો.
કાર્યક્રમના અંતે સંસ્થાના મંત્રી ડો. ચેતનાબેન બુચ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. તેમણે કાર્યક્રમને સફળ બનાવવા માટે સભ્યોગ આપનાર તમામ કલાકારો ઓર્કેસ્ટ્રા એન્કર, સંસ્થાના હોદેદારો, સભ્યો, આમંત્રિત મહેમાનો તેમજ ઉપસ્થિત તમામ સંગીતપ્રેમીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
‘Rimjhlm – Monsoon Unplugged’ માત્ર એક સંગીત કાર્યક્રમ નહીં પરંતુ વરસાદી ઋતુની યાદો, સંગીતના સૂર અને લાગણીઓનો સુંદર ઉત્સવ બની રહ્યો હતો. રિમઝિમ વરસાદની અનુભૂતિ સાથે લોકપ્રિય વરસાદી ગીતોની સુરીલી રજૂઆત ગાંધીનગરની આ સાંજને એક અનોખી સંગીતમય યાદમાં પવિર્તિત કરી દીધી હતી.
‘સંસ્કૃતિ’ સંસ્થાના આ સફળ કાર્યક્રમને ઉપસ્થિત સૌએ ખૂબજ આવકાર્યો હતો અને ભવિષ્યમાં પણ આવા ગુણવત્તાસભર સાંસ્કૃતિક અને સંગીતમય કાર્યક્રમો યોજાતા રહે તેવી લાગણી વ્યક્ત કરી હતી.
