ગુજરાતને દેશના અગ્રણી શિપબિલ્ડિંગ હબ તરીકે વિકસાવવાના મહત્વાકાંક્ષી વિઝન સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત શિપ બિલ્ડિંગ એન્ડ રિપેર પોલિસી-2026નું લોન્ચિંગ કર્યું છે. નવી પોલિસીનો મુખ્ય હેતુ રાજ્યમાં આધુનિક અને ભવિષ્યલક્ષી શિપ બિલ્ડિંગ ઇકોસિસ્ટમ ઉભી કરવાનો છે, જેમાં મરીન સાધન-સામગ્રીનું ઉત્પાદન, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (R&D), સ્કિલ ડેવલપમેન્ટ તેમજ ગ્રીન અને સ્માર્ટ શિપયાર્ડ્સના વિકાસને પ્રોત્સાહન આપવામાં આવશે.
રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર આ પોલિસી ગુજરાતના લાંબા દરિયાકિનારા અને મજબૂત બંદર વ્યવસ્થાનો લાભ લઈ શિપબિલ્ડિંગ ક્ષેત્રમાં રોકાણ, રોજગારી અને ઔદ્યોગિક વિકાસને નવી દિશા આપશે. નવી પોલિસી હેઠળ સ્થાનિક તેમજ વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા માટે વિવિધ પ્રોત્સાહનો અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ અવસરે એક મહત્વપૂર્ણ જાહેરાત પણ કરવામાં આવી હતી. પોરબંદર જિલ્લાના કુછડી ખાતે મેગા ગ્રીનફિલ્ડ શિપ બિલ્ડિંગ ક્લસ્ટરને ભારત સરકાર તરફથી મંજૂરી મળી છે. આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં રૂ. 27,000 કરોડથી વધુનું રોકાણ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જે ગુજરાતના દરિયાઈ અર્થતંત્ર માટે માઈલસ્ટોન સાબિત થઈ શકે છે.
સરકારના અંદાજ મુજબ આ ક્લસ્ટર કાર્યરત બન્યા બાદ મોટા પાયે રોજગારીની તકો ઊભી થશે, શિપબિલ્ડિંગ અને શિપ રિપેર ઉદ્યોગને ગતિ મળશે તેમજ મરીન ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ અને સપ્લાય ચેઇનને પણ મજબૂતી મળશે. સાથે જ ગ્રીન ટેક્નોલોજી આધારિત આધુનિક શિપયાર્ડ્સના વિકાસથી પર્યાવરણને અનુકૂળ ઔદ્યોગિક વિકાસને પણ પ્રોત્સાહન મળશે.
નવી પોલિસી દ્વારા ગુજરાતને માત્ર ભારતનું જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક શિપબિલ્ડિંગ અને શિપ રિપેરિંગ ડેસ્ટિનેશન તરીકે સ્થાપિત કરવાનો રાજ્ય સરકારનો પ્રયાસ છે. રાજ્યના બ્લૂ ઇકોનોમી વિઝનને સાકાર કરવામાં પણ આ પોલિસી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
