સાવધાન: સુરતમાં મહિલા ફિઝિયોથેરાપિસ્ટોને હોમ વિઝિટના બહાને હેરાનગતિ, ફિમેલ ફિઝિયોથેરાપિસ્ટોમાં ચિંતા

સુરત શહેરમાં મહિલા ફિઝિયોથેરાપિસ્ટોને હોમ વિઝિટના બહાને નિશાન બનાવી કેટલાક વિકૃત માનસિકતા ધરાવતા લોકો દ્વારા અભદ્ર અને અશ્લીલ માંગણીઓ કરવામાં આવી રહી હોવાના બનાવો ફરી ચર્ચામાં આવ્યા છે. આ પ્રકારની હરકતોને લઈને ફિમેલ ફિઝિયોથેરાપિસ્ટોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

મળતી માહિતી અનુસાર, કેટલાક લોકો દર્દી હોવાનો ઢોંગ કરીને હોમ વિઝિટ માટે સંપર્ક કરે છે અને ખાસ કરીને માત્ર મહિલા ફિઝિયોથેરાપિસ્ટને જ મોકલવાની માંગણી કરે છે. શરૂઆતમાં સારવાર સંબંધિત વાતચીત કર્યા બાદ તેઓ અભદ્ર અને અશ્લીલ પ્રકારની માંગણીઓ કરવા લાગે છે. કેટલીક માંગણીઓ એટલી અયોગ્ય હોવાનું જણાવાય છે કે તેનો જાહેરમાં ઉલ્લેખ કરવો પણ યોગ્ય નથી.

આવો જ એક બનાવ અગાઉ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. મહિલા ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાએ સ્પષ્ટ કર્યું હતું કે આવી હરકતો કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે અને પીડિતોએ નિર્ભય બની ફરિયાદ કરવી જોઈએ.

તાજેતરમાં પણ આવા શંકાસ્પદ કોલ અને મેસેજ મળતા હોવાની માહિતી સામે આવી રહી છે. કેટલાક કિસ્સાઓમાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

મહિલા ફિઝિયોથેરાપિસ્ટોને અપીલ કરવામાં આવી છે કે જો કોઈ અજાણ્યો વ્યક્તિ માત્ર મહિલા થેરાપિસ્ટની જ માંગ કરે, સારવારના નામે અયોગ્ય પ્રશ્નો પૂછે અથવા અભદ્ર માંગણીઓ કરે તો તરત જ વાતચીત બંધ કરી દેવી, સંબંધિત નંબર બ્લોક કરવો અને કોલ અથવા ચેટના પુરાવા સાથે પોલીસ અથવા સાયબર ક્રાઈમ સેલમાં ફરિયાદ નોંધાવવી.

હોમ વિઝિટ પહેલાં દર્દીની ઓળખ અને સરનામાની ચકાસણી કરવી, ક્લિનિક અથવા પરિવારને મુલાકાતની જાણ કરવી અને શંકાસ્પદ પરિસ્થિતિ જણાય તો તરત જ સ્થળ છોડીને પોલીસની મદદ લેવી પણ જરૂરી છે.

પોલીસ દ્વારા અગાઉ કરવામાં આવેલી કાર્યવાહી દર્શાવે છે કે આવા અસામાજિક તત્વો સામે કાયદો કડક છે. તેથી મહિલા ફિઝિયોથેરાપિસ્ટોએ ગભરાવાના બદલે સતર્ક રહી સમયસર ફરિયાદ કરવી જોઈએ, જેથી આવા વિકૃત માનસિકતા ધરાવતા લોકો સામે કડક કાર્યવાહી થઈ શકે અને અન્ય કોઈ વ્યાવસાયિક મહિલાને આવી હેરાનગતિનો સામનો ન કરવો પડે.

આવી ઘટનાઓને કારણે મહિલા ફિઝિયોથેરાપિસ્ટોમાં ચિંતા અને અસુરક્ષાની લાગણી વ્યાપી છે. આરોગ્ય સેવા આપતા વ્યાવસાયિકોને નિશાન બનાવી કરવામાં આવતી આવી હરકતો માત્ર વ્યક્તિગત હેરાનગતિ જ નહીં, પરંતુ તેમના વ્યવસાયની સુરક્ષા માટે પણ ગંભીર પડકાર સમાન છે.

ફિઝિયોથેરાપિસ્ટ એસોસિએશને પણ આ અંગે સક્રીયતા ધારણ કરી છે અને મહિલા ફિઝિયોથેરાપિસ્ટોની સુરક્ષાને લઈ સતર્કતા સાથે સાવધાની વર્તવાના નિર્દેશ જારી કરવાની તૈયારી કરી છે.

હોમ વિઝિટ માટે સલામતી ગાઈડલાઈન

દર્દીની ઓળખની પાક્કી ખાતરી કરો: નવી હોમ વિઝિટ કરતા પહેલા હંમેશા માન્ય સરકારી ID અને માન્ય લેન્ડલાઇન અથવા સંદર્ભ સંપર્ક નંબર માટે પૂછો.
અલગ અને લાંબા વિસ્તારો ટાળો: અજાણ્યા રહેણાંક વિસ્તારો અથવા અલગ અને લાંબા અંતરનાં સ્થળોએ એકલા ન જાઓ, ખાસ કરીને મોડી રાત્રે.
લાઇવ લોકેશન શેર કરો: પરિવારના સભ્ય અથવા સાથીદારને સાચું સરનામું, દર્દીનું નામ અને અપેક્ષિત મુલાકાતનો સમય આપો અને લાઇવ GPS ટ્રેકિંગ શેર કરો.
ક્લિનિકમાં જ ઉપચારને પ્રાથમિક્તા આપો: નવા અથવા ચકાસાયેલા ન હોય તેવા દર્દીઓને ઘરે ફોન કરવાને બદલે રજિસ્ટર્ડ ક્લિનિક અથવા હોસ્પિટલમાં સારવાર લેવા માટે તાકીદ સાથે જણાવો.
શંકાસ્પદ, હેરેસમેન્ટ કોલ્સની જાણ કરો: જો કોલ કરનારાઓ અસંસ્કારી વર્તન કરે છે અથવા ચકાસણી માહિતી આપવામાં ખચકાટ અનુભવે છે, તો તાત્કાલિક આવા શંકાસ્પદ અને હેરાનગતિ કરતા નંબરોને બ્લોક કરો અને સ્થાનિક અધિકારીઓ અથવા પોલીસને જાણ કરો.