આઘાતજનક: ટેનિસ કોર્ટ પર જિંદગી હારી ગઈ, સુરતના જાણીતા જનરલ સર્જન ડો.ફિરોઝ ખાન જન્નતનશીન

સુરતના જાણીતા જનરલ સર્જન ડૉ. ફિરોઝ એ. ખાનના અચાનક ઈન્તેકાલથી તબીબી જગત, દર્દીઓ અને તેમના વિશાળ મિત્ર વર્તુળમાં શોક અને ભારે આઘાતની લાગણી લાગણી પ્રસરી ગઈ છે. 55 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

અઠવાલાઈન્સ વિસ્તારમાં આવેલી ટેનિસ ક્લબમાં તેઓ રમત રમી રહ્યા હતા ત્યારે અચાનક હાર્ટ એટેક આવતા તેઓ જન્નતનશીન થયા હતા. સ્વસ્થ અને સક્રિય જીવન જીવતા ડૉ. ખાનના અચાનક અવસાનના સમાચારથી સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા.

ડૉ. ફિરોઝ ખાન છેલ્લા લગભગ 30 વર્ષથી તબીબી ક્ષેત્ર સાથે જોડાયેલા હતા અને ચોક બજાર વિસ્તારમાં આવેલી તેમની ડો.ખાન હોસ્પિટલ મારફતે તેઓ દર્દીઓની સેવા કરી રહ્યા હતા. જનરલ સર્જન તરીકે તેમણે અનેક લોકોના દુખાવાને દૂર કરવા અને જીવનને ફરી સરળ બનાવવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

ડૉ. ખાન માત્ર એક કુશળ તબીબ જ નહીં પરંતુ સેવાભાવી વ્યક્તિત્વ તરીકે પણ જાણીતા હતા. આર્થિક રીતે નબળા દર્દીઓ માટે તેઓ હંમેશા સંવેદનશીલ રહેતા. ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને સારવાર આપવામાં તેઓ આગળ રહેતા અને અનેક એવા લોકોને પણ મદદ કરતા જેમની સારવારનો ખર્ચ ઉઠાવવાની સ્થિતિ ન હતી. તેમના માટે તબીબી વ્યવસાય માત્ર રોજગાર નહીં પરંતુ માનવસેવાનું માધ્યમ હતું.

તેમની સાદગી, દર્દીઓ પ્રત્યેનો પ્રેમ અને મદદરૂપ સ્વભાવને કારણે તેઓએ અનેક લોકોના દિલમાં વિશેષ સ્થાન બનાવ્યું હતું. તેમના દર્દીઓ અને પરિચિતો આજે તેમને એક એવા ડોક્ટર તરીકે યાદ કરી રહ્યા છે, જેમણે પોતાના જ્ઞાન સાથે માનવતાની ભાવનાને પણ હંમેશા જીવંત રાખી. મુસ્લિમ  સમાજમાં તેમના નિધનથી જનરલ સર્જનનાં ક્ષેત્રમાં શૂન્યવકાશ સર્જાયો છે.

ડૉ. ફિરોઝ ખાનના પત્ની ડૉ. શાહીન ખાન બાળરોગ નિષ્ણાત છે અને બંને સાથે મળીને હોસ્પિટલમાં દર્દીઓની સેવા કરતા હતા. પરિવારના સભ્યોમાં તેમના બે સંતાનો છે.

ડૉ. ફિરોઝ ખાનના અકાળે નિધનથી સુરતે એક પ્રતિભાશાળી જનરલ સર્જન અને માનવતાના સેવકને ગુમાવ્યો છે. તેમની સેવા અને દર્દીઓ પ્રત્યેની લાગણી હંમેશા યાદ રહેશે.