ગુજરાત સરકારનો અગ્નિવીરો માટે મહત્વનો નિર્ણય: 20 ટકા અનામત, આ વિભોગોમાં થશે સીધી ભરતી, વય મર્યાદામાં છૂટછાટ, શારીરિક કસોટીમાંથી મૂક્તિ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂર્વ અગ્નિવીરોને રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં વર્ગ-3 સંવર્ગની સીધી ભરતીમાં 20 ટકા અનામત આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

એટલુ જ નહિ, આવી ભરતી માટેની શારીરિક ક્ષમતા કસોટીમાંથી પૂર્વ અગ્નિવીરોને મૂક્તિ આપવા સાથે નિયત ઉપલી વય મર્યાદામાં 3 વર્ષ સુધીની છૂટ આપવાનો નિર્ણય પણ મુખ્યમંત્રીએ કર્યો છે. અગ્નિવીર સ્કીમની પ્રથમ બેચના સભ્યોને નિયત ઉપલી વય મર્યાદામાં પાંચ વર્ષ સુધીની મૂક્તિ આપવાના પણ મુખ્યમંત્રીએ દિશાનિર્દેશો આપ્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂર્વ અગ્નિવીરો માટે કરેલા આ મહત્વપૂર્ણ નિર્ણયોનો લાભ હથિયારી પોલીસ સબ ઈન્સપેક્ટર અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, એસ.આર.પી.ના પ્લાટૂન કમાન્ડર તથા પોલીસ કોન્સ્ટેબલની ભરતી માટે મળવાપાત્ર થશે.

આ ઉપરાંત જેલ વિભાગ હસ્તકની જેલર ગૃપ-2 અને જેલ સીપાઈ તથા વન પર્યાવરણ વિભાગની વનરક્ષક વર્ગ-3 તેમજ વન પાલ વર્ગ-3 સંવર્ગોની સીધી ભરતીમાં પણ પૂર્વ અગ્નિવીરોને આ લાભ અપાશે.