અમેરિકાની સંસદમાં ઈરાન યુદ્ધ રોકવાનો ખરડો પસારઃ ટ્રમ્પને મોટો ઝટકો

અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા સૈન્ય તણાવ અને યુદ્ધની સ્થિતિ વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને તેમની જ સંસદમાં મોટો રાજકીય આંચકો લાગ્યો છે. અમેરિકન સંસદના નીચલા ગૃહ ‘હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ’ (પ્રતિનિધિ સભા) એ ઈરાન સામેના યુદ્ધ પર રોક લગાવવા અને ત્યાંથી અમેરિકન સૈનિકોને પાછા બોલાવવા માટેનો એક મહત્ત્વપૂર્ણ પ્રસ્તાવ પસાર કરી દીધો છે.

ડેમોક્રેટિક પાર્ટીના નેતૃત્વમાં લાવવામાં આવેલા આ પ્રસ્તાવનો મુખ્ય હેતુ સંસદ (કોંગ્રેસ)ની મંજૂરી વિના ઈરાન વિરુદ્ધ કોઈપણ પ્રકારના સૈન્ય પગલાં લેવાની પ્રમુખની સત્તા પર અંકુશ લગાવવાનો છે. ગૃહમાં ‘વોર પાવર્સ રિઝોલ્યુશન’ પર જોરદાર ટક્કર જોવા મળી હતી. આ પ્રસ્તાવની તરફેણમાં 215 વોટ પડ્યા હતા, જ્યારે વિરોધમાં 208 સાંસદોએ મતદાન કર્યું હતું. આ વોટિંગની સૌથી ખાસ વાત એ રહી કે ગૃહમાં પ્રમુખ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી પાસે બહુમતી હોવા છતાં તેઓ આ પ્રસ્તાવને રોકી શક્યા નહીં. રિપબ્લિકન પાર્ટીના જ 4 સાંસદોએ પોતાની પાર્ટીના વલણની વિરુદ્ધ જઈને ડેમોક્રેટ્સના પક્ષમાં વોટ આપ્યો હતો.

અગાઉ આ પ્રસ્તાવ ત્રણ વાર નિષ્ફળ ગયો હતો, પરંતુ આ વખતે તે પાસ થવામાં સફળ રહૃાો છે. ડેમોક્રેટ્સનો આરોપ છે કે પ્રમુખ ટ્રમ્પે સંસદની પૂર્વ પરવાનગી વિના ઈઝરાયલ સાથે મળીને ઈરાન પર હુમલો કર્યો છે, જે અમેરિકન બંધારણનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. ‘વોર પાવર્સ એક્ટ’ અનુસાર, પ્રમુખએ સૈન્ય કાર્યવાહીના 60 દિવસની અંદર સંસદની મંજૂરી લેવી અનિવાર્ય હોય છે, જેની સમયમર્યાદા સમાપ્ત થઈ ચૂકી છે. ડેમોક્રેટ્સે જણાવ્યું કે, આ પ્રસ્તાવ અમેરિકન જનતા તરફથી ટ્રમ્પને સ્પષ્ટ સંદેશ છે કે ઈરાનમાં તેમનું ગેરકાયદેસર યુદ્ધ હવે બંધ થવું જોઈએ.

જોકે, ટ્રમ્પ પ્રશાસનનો દાવો છે કે યુદ્ધ પહેલા જ ખતમ થઈ ચૂક્યું છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે બંને તરફથી હજુ પણ ગોળીબાર અને હુમલા ચાલુ છે. રાજકીય વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં પસાર થયેલો આ પ્રસ્તાવ હાલ પૂરતો મોટાભાગે પ્રતિકાત્મક છે. આ પ્રસ્તાવને કાયદાકીય સ્વરૂપ આપવા માટે હવે તેને અમેરિકન સંસદના ઉપલા ગૃહ એટલે કે ‘સીનેટ’માંથી પણ પસાર કરાવવો પડશે.

સેનેટ આ સપ્તાહે આ પ્રસ્તાવ પસાર કરી શકે છે. પરંતુ, જો આ પ્રસ્તાવ સીનેટમાંથી પાસ થઈને પ્રમુખ પાસે જશે, તો ટ્રમ્પ પોતાના વિશેષાધિકાર એટલે કે ‘વીટો’ પાવરનો ઉપયોગ કરીને તેને ફગાવી શકે છે.

પ્રમુખના વીટોને નિષ્ક્રિય કરવા માટે સંસદના બંને ગૃહોમાં બે-તૃતીયાંશ (2/3) બહુમતીની જરૂર પડે છે, જે ડેમોક્રેટ્સ માટે મેળવવી અત્યંત મુશ્કેલ છે. તેથી ભલે આ પ્રસ્તાવ કાનૂની રીતે ટ્રમ્પને તત્કાલ ન રોકી શકે, પરંતુ રાજકીય રીતે આ ટ્રમ્પ માટે મોટો ફટકો છે.

આગામી નવેમ્બર મહિનામાં યોજાનારી મિડટર્મ ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રિપબ્લિકન સાંસદોમાં અસંતોષ વધી રહૃાો છે, કારણ કે ઈરાન યુદ્ધનો મુદ્દો ચૂંટણીમાં તેમની બેઠકો પર ભારે પડી શકે છે. તેવામાં પોતાની જ પાર્ટીના સાંસદોનો વિરોધ ટ્રમ્પ સરકાર માટે ચિંતાનો વિષય બન્યો છે.

યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ ચેતવણી આપી હતી કે જો સેનેટ આવા ઠરાવને મંજૂરી આપે છે, તો ઈરાન યુએસ વહીવટના હાથ બંધાયેલા અને તેની સામે કોઈ અસરકારક પગલાં લેવામાં અસમર્થ હોવાનું માની શકે છે. આ સંભવિત કરારની સંભાવનાઓને નબળી બનાવી શકે છે.

જ્યારે આ ઠરાવ યુદ્ધનો તાત્કાલિક અંત નહીં લાવે, ત્યારે તેને રાષ્ટ્રપતિની નીતિ સામે કોંગ્રેસ તરફથી એક મજબૂત રાજકીય ચેતવણી તરીકે જોવામાં આવી રહ્યું છે.

આ મામલો હવે સેનેટમાં જશે, જ્યાં અંતિમ નિર્ણય લેવામાં આવશે. દરમિયાન, યુદ્ધ અને શાંતિ સંબંધિત બાબતોમાં રાષ્ટ્રપતિ અને કોંગ્રેસની સત્તાઓ અંગે યુ.એસ.માં ચર્ચા તીવ્ર બની છે.

સેનેટ સ્પીકરે કહ્યું કે ટ્રમ્પ સંપૂર્ણપણે સ્થાનિક મોરચે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. 28 ફેબ્રુઆરીએ ઈરાન પર હુમલો કરવામાં અમેરિકા ઇઝરાયલ સાથે જોડાયું ત્યારથી, અમેરિકનોએ પંપ પર ગેસોલિનના ભાવમાં તીવ્ર વધારો જોયો છે, જેના કારણે ગ્રાહક ખર્ચ પર ફુગાવાનું દબાણ વધી રહ્યું છે.

ટ્રમ્પની વાતચીત લીક

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ઇરાન સામે ‘ઓલ-આઉટ વોર’ (સંપૂર્ણ યુદ્ધ) છેડવાની અને સૈન્ય કાર્યવાહી કરવાની શક્તિઓ પર અમેરિકન સંસદના નીચલા ગૃહ ‘હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ’એ મોટો કાપ મૂકી દીધો છે. ગૃહે એક એવો પ્રસ્તાવ પસાર કર્યો છે, જેના અંતર્ગત પ્રમુખ ટ્રમ્પ કોંગ્રેસ (સંસદ) ની મંજૂરી વિના ઇરાનમાં જંગ જારી રાખી શકશે નહીં કે નવા એરસ્ટ્રાઈકના આદેશ આપી શકશે નહીં. આ ઘટનાક્રમને ટ્રમ્પ વહીવટીતંત્ર માટે એક મોટો રાજકીય ફટકો માનવામાં આવી રહ્યો છે.