ગુજરાતમાં ઈંધણના વેચાણમાં 80 ટકાનો વધારો, ગભરાટના કારણે થતી ખરીદીનો પુરાવો
રાજ્ય સરકાર અને ઓઈલ કંપનીઓનેે ટાંકીને આવી રહેલા અહેવાલો મુજબ ગુજરાતમાં ઈંધણના વેંચાણમાં 80 ટકાનો ઉછાળો નોંધાયો છે. હકીકતે ઈંધણની અછત નથી, પણ પેનિક બાઈંગના કારણે અફરાતફરી જોવા મળી રહી છે.
ગુજરાતમાં હાલમાં પેટ્રોલ-ડીઝલની અછતનેે લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ખોટી અફવાઓ અને પેનિક બાઈંગને કારણે રાજ્યના કેટલાક પેટ્રોલ પંપો પર થોડા સમય માટે સ્ટોક ખાલી થવાની સ્થિતિ સર્જાઈ રહી છે.
રાજ્ય સરકાર અને ઓઈલ કંપનીઓએ સ્પષ્ટ કર્યું છે કે ગુજરાતમાં ઈંધણની કોઈ કમી નથી, પરંતુ લોકોના પેેનિક બાઈંગના કારણે આ સ્થિતિ સર્જાઈ રહી છે. ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી કેટલાક વિસ્તારોમાં પેટ્રોલ પંપો પર લાંબી લાઈનો અને નો સ્ટોકના બોર્ડ જોવા મળતા લોકોમાં ચિંતાનો માહોલ હતો, જો કે અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગના જણાવ્યા અનુસાર આ સ્થિતિ કોઈ માળખાકીય અછતને કારણે નહીં, પરંતુ પેનિક બાઈંગ અને તેના કારણે વેચાણમાં થયેલા 80 ટકાથી વધુના માસિક વધારાને લીધે સર્જાઈ છે.
પેટ્રોલ પંપ પર નવો સ્ટોક આવે છે. તે તરત જ વેંચાઈ જાય છે, જેને કારણે ટર્મિનલ પરથી નવો જથ્થો ન આવે ત્યાં સુધીના ટૂંકા ગાળા માટે પંપો ડ્રાય જોવા મળી રહ્યા છે.
રાજ્ય સરકારે સત્તાવાર રીતે સ્પષ્ટતા કરી છે કે સામાન્ય નાગરિકો માટે વાહનોમાં પેટ્રોલ કે ડીઝલ પુરાવવા પર કોઈ જ પ્રતિબંધ કે મર્યાદા લાડવામાં આવી નથી. ખેતીવાડીના હેતુ માટે બેરલમાં 200 લીટર સુધી ડીઝલ આપવાની મંજુરી છે. મોબાઈલ ટાવર્સ માટે 1,000 લીટર સુધી અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર કે ઔદ્યોગિક જરૂરિયાતો માટે અગાઉના વપરાશના આધારે ડીઝલનો જથ્થો મળતો રહેશે.
ઈંધણનો પુરવઠો સતત જળવાઈ રહે તે માટે પુરવઠા વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. દરેક જિલ્લામાં ક્યા પેટ્રોલ પંપ પર સ્ટોક ઓછો છે તેનું રીઅલ-ટાઈમ મેપિંગ કરવામાં આવી રહ્યું છે. આઈઓસીએલ, બીપીસીએલ અને એચપીસીએલ જેવી સરકારી ઓઈલ કંપનીઓ સાથે રોજ સમીક્ષા બેઠક યોજીને જ્યાં સ્ટોક ઓછો હોય ત્યાં પ્રાધાન્યના ધોરણે ટેન્કરો રવાના કરવા સૂચના અપાઈ છે. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તમામ જિલ્લા સપ્લાય ઓફિસરોને ઈન્વેન્ટરી પર નજર રાખવા અને ઈંધણના ગેરકાયદે વેચાણ કે સંગ્રહખોરી સામે કડક પગલાં લેવા આદેશ અપાયા છે.
રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને પુરવઠાની સ્થિતિ એકદમ સામાન્ય છે. સોશિયલ મીડિયા પર ઈંધણની અછત અંગે ચાલી રહેલી ખોટી અફવાઓ પર નાગરિકોએ વિશ્વાસ ન કરવો અને જરૂરિયાત પૂરતું જ ઈંધણ ખરીદવા માટે અપીલ કરવામાં આવી છે. સરકારે ઉમેર્યું છે કે જો કોઈ વિસ્તારમાં પેટ્રોલ પંપ ડ્રાય થવાની ફરિયાદ મળે છે, તો તંત્ર અને ઓઈલ કંપનીઓ દ્વારા તાત્કાલિક તેની ખરાઈ કરીને ત્યાં નવો જથ્થો પહોંચાડવામાં આવી રહ્યો છે. આથી જનતાએ ગભરાવાની કોઈ જરૂર નથી.
