તમિલનાડુમાં તાજા વિધાનસભા પરિણામોએ રાજકીય અનિશ્ચિતતા ઊભી કરી છે. 234 બેઠકોમાંથી બહુમતી માટે 118 બેઠકો જરૂરી છે, પરંતુ કોઈપણ ગઠબંધન આ આંક સુધી પહોંચી શક્યું નથી. પરિણામે રાજ્યમાં ત્રિશંકુ વિધાનસભા સર્જાઈ છે અને સરકાર રચનાને લઈને તીવ્ર રાજકીય ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે.
આ પરિણામોમાં તમિલનાડુમાં નવી રાજકીય શક્તિ તરીકે ઊભરી રહેલી TVKએ 108 બેઠકો મેળવી છે, અને સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. પાર્ટીના નેતા વિજય થલપતિ હવે સરકાર રચવા માટે કેન્દ્રસ્થાને છે, પરંતુ તેમને બહુમતી માટે હજુ ઓછામાં ઓછા 10 ધારાસભ્યોની જરૂર છે.
બીજી તરફ, AIADMK ગઠબંધનને 53 બેઠકો મળી છે, જ્યારે DMK ગઠબંધન 73 બેઠકો પર સીમિત રહ્યું છે. DMK પોતે 59 બેઠકો જીતી છે, જ્યારે કોંગ્રેસને 5 બેઠકો મળી છે. DMDKએ 1 બેઠક મેળવી છે અને અન્ય ઉમેદવારોને મળીને 8 બેઠકો મળી છે.
હવે મુખ્ય પ્રશ્ન એ છે કે વિજય થલપતિ કેવી રીતે બહુમતી હાંસલ કરશે. રાજકીય વિશ્લેષકોના મતે, TVK પાસે બે મુખ્ય વિકલ્પો છે…
AIADMK સાથે ગઠબંધન કરીને સ્થિર સરકાર રચવી
અથવા નાના પક્ષો અને સ્વતંત્ર ઉમેદવારોને સાથે લઈને બહુમતીનો આંકડો પાર કરવો
AIADMKનો ટેકો મેળવવો સૌથી સીધો રસ્તો ગણાય છે, પરંતુ આ માટે બંને પક્ષોમાં વિચારધારાત્મક અને નેતૃત્વ સ્તરે સમજૂતી જરૂરી રહેશે. બીજી બાજુ, નાના પક્ષો સાથે ગઠબંધન કરવાથી સરકાર રચવી શક્ય છે, પરંતુ તે લાંબા ગાળે સ્થિરતા માટે પડકારરૂપ બની શકે છે.
રાજ્યમાં હાલ રાજકીય ચર્ચાઓ તેજ બની ગઈ છે અને આવનારા દિવસોમાં ગઠબંધનની ચર્ચાઓ નિર્ણાયક બનવાની શક્યતા છે. લોકોની નજર હવે વિજય થલપતિના આગામી પગલાં પર છે. શું તેઓ AIADMK સાથે હાથ મિલાવશે કે નવા પ્રકારની ગઠબંધન રાજનીતિનો માર્ગ પસંદ કરશે?
