દેશના તાજેતરના વિધાનસભા ચૂંટણી પરિણામોએ રાજકીય પરિસ્થિતિમાં મોટો ફેરફાર સર્જ્યો છે. વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહની મક્કમ અને દૃઢ રણનીતિના પરિણામે ભારતીય જનતા પાર્ટીએ આસામ અને પુડુચેરીમાં પોતાની સત્તા જાળવી રાખવામાં સફળતા મેળવી છે.
ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે, જ્યાં લાંબા સમયથી સત્તા પર રહેલા મમતા બેનર્જીને પડકાર આપી ભાજપે પ્રથમ વખત સત્તા હાંસલ કરી છે. બંગાળમાં આ જીત માત્ર રાજકીય વિજય નથી, પરંતુ પીએમ મોદી- ગૃહમંત્રી શાહની વ્યૂહાત્મક કુશળતાનો સાક્ષાત પુરાવો પણ છે. તેમની ગ્રાઉન્ડ લેવલ પ્લાનિંગ, મજબૂત સંગઠન અને પ્રભાવશાળી પ્રચાર અભિયાનના કારણે ભાજપે આ અશક્ય લાગતી લડાઈ જીતમાં ફેરવી છે.
બીજી તરફ, તામિલનાડુમાં નવી રાજકીય શક્તિ તરીકે ઉભરી આવેલા અભિનેતા વિજયની પાર્ટીએ ડીએમકેને જોરદાર ટક્કર આપી અને સત્તા કબજે કરી છે, જેના કારણે ડીએમકેને સત્તા ગુમાવવી પડી છે.
કેરલમમાં પણ ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે, જ્યાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુડીએફ ગઠબંધને મોટો ઉલટફેર સર્જીને લેફ્ટના ગઢને ભેદી નાખ્યો છે. આ ગઠબંધનમાં કોંગ્રેસ પછી મુસ્લિમ લીગે સૌથી વધુ બેઠકો મેળવી છે, જે તેમની મજબૂત ઉપસ્થિતિ દર્શાવે છે.
આ સમગ્ર પરિણામોમાં ભાજપે બે રાજ્યોમાં સત્તા જાળવી રાખી અને બંગાળમાં પહેલીવાર સત્તા મેળવીને પોતાની રાજકીય પકડ વધુ મજબૂત બનાવી છે. બીજી તરફ, ડીએમકે અને એલડીએફ બંને સત્તા ટકાવવામાં નિષ્ફળ રહ્યા છે.
આ ચૂંટણી પરિણામો દર્શાવે છે કે દેશની રાજનીતિમાં પરિવર્તનનો નવો યુગ શરૂ થયો છે, જેમાં વ્યૂહરચના, નેતૃત્વ અને જમીન સ્તરે કાર્યક્ષમતા મહત્વપૂર્ણ બની ગઈ છે.
