મમતા વર્સીસ સુવેન્દુ અધિકારી 2.0: ભવાનીપુરમાંથી મમતા બેનર્જીની હાર સાથે બંગાળમાં ટીએમસીનો સંપૂર્ણ સફાયો, સુવેન્દુ અધિકારી બે સીટ પર જીતી બન્યા બાહુબલિ

પશ્ચિમ બંગાળમાંથી મમતા બેનર્જીના શાસનનો અંત આવી રહ્યો છે તો સાથો સાથ ભવાનીપુર બેઠક પરથી મમતા બેનર્જીની પણ સુવેન્દુ અધિકારી સામે હાર થઈ છે. સુવેન્દુ અધિકારીએ બે સીટ પરથી ઉમેદવારી કરી હતી. નંદીગ્રામ વિધાનસભા સીટ પરથી તેઓ જીતી ચૂક્યા છે અને હવે મમતાની સામે ભવાનીપુર બેઠક પરથી તેઓ જીત ગયા છે. મમતા બેનર્જીને 58349 વોટ મળ્યા છે જ્યારે સુવેન્દુ અધિકારીને 73463 વોટ મળ્યા છે. 20 રાઉન્ડ સુધી મતગણતરી ચાલી હતી. 15,105 વોટથી સુવેન્દુ અધિકારી વિજયી થયા છે.

ભારે રસાકસીપૂર્ણ રહેલા મુકાબલામાં મમતા બેનર્જી 14મા રાઉન્ડ સુધી પાંચ હજાર કરતાં વધુ મતોની સરસાઈ ભાજપના ઉમેદવાર સુવેન્દુ અધિકારી પર ધરાવી રહ્યા હતા પરંતુ 15 રાઉન્ડ સુધીમાં આ સરસાઈ(લીડ) 554 વોટ પર આવી ગઈ હતી. 16મા રાઉનડનાં અંતે ભાજપના ઉમેદવાર સુવેન્દુ અધિકારીએ મમતા બનર્જી પર 563 વોટની સરસાઈ મેળવી હતી.

ટીએમસીનો સંપૂર્ણ સફાયો થઈ ગયો છે. બંગાળમાં ભાજપ 208 સીટ પર જીત મેળવી ચૂકી છે. જ્યારે ટીએમસી 79 સીટ પર સમેટાઈ જવા પામી છે.

અત્રે નોંધવું ઘટે કે સુવેન્દુ અધિકારીએ 2021ની વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્જીને નંદીગ્રામ સીટ પરથી પરાજ્ય આપ્યો હતો અને મમતા બેનર્જીએ તે વખતે ભવાનીપુર સીટ પરથી ચૂંટણી લડી હતી અને જીત્યા હતા. જ્યારે આ વખતે સુવેન્દુ અધિકારીને ભાજપે નંદીગ્રામ અને ભવાનીપુર એમ બન્ને સીટ પરથી ચૂંટણી લડાવી હતી. આમ મમતા વર્સીસ સુવેન્દુ અધિકારીના 2.0 ચૂંટણી જંગમાં પણ મમતાનો પરાજ્ય થયો છે.

મમતા બેનર્જીની હાર ટીએમસી માટે મસમોટા આંચકા સમાન પુરવાર થવાની છે. મમતા બેનર્જીની ભવાનીપુર સીટ પર હારની કોઈએ કલ્પના પણ કરી ન હતી પરંતુ મમતાની હાર અનઅપેક્ષિત પણ નથી.

વડાપ્રધાન મોદીએ બંગાળ વિજય અંગે પાર્ટીના કાર્યકરો અને નેતાઓને અભિનંદન આપ્યા છે. સાથો સાથ બંગાળને હિંસા મૂક્ત તથા વિકાસની નવી દિશા ખોલનારું બનાવવાની જાહેરાત કરી છે.