દેશમાં રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર: બંગાળમાં વિજય સાથે 22 રાજ્યોમાં ભાજપ-એનડીએનું શાસન

દેશના રાજકીય દ્રશ્યમાં મોટો પરિવર્તન જોવા મળી રહ્યો છે. ભાજપ અને એનડીએનો પ્રભાવ સતત વધતો જઈ રહ્યો છે અને હવે તે 22 રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે.

પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં ભાજપ અને તેના સાથી પક્ષોની સરકાર રચાવાની સંભાવના મજબૂત બની છે. આ સાથે ભાજપ-એનડીએનું રાજકીય વિસ્તરણ વધુ વિસ્તૃત બનશે.

હાલમાં દિલ્હી, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, ત્રિપુરા, મેઘાલય, મિઝોરમ, બિહાર અને આંધ્ર પ્રદેશમાં ભાજપ અથવા એનડીએની સરકાર કાર્યરત છે. હવે પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરી ઉમેરાતા આ આંકડો વધીને 22 સુધી પહોંચવાનો છે.

ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં ભાજપ માટે આ સફળતા ઐતિહાસિક માનવામાં આવી રહી છે. એક સમયે અહીં પક્ષને નોંધપાત્ર સમર્થન મળતું ન હતું. વર્ષ 2011માં ભાજપનો મત હિસ્સો માત્ર 4 ટકા હતો, જ્યારે 2014માં તે વધીને 17 ટકા થયો અને પાર્ટીને લોકસભામાં બે બેઠકો મળી હતી.

ત્યારબાદ 2021ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 77 બેઠકો જીતીને મુખ્ય વિપક્ષ તરીકે પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું હતું. લાંબા સંઘર્ષ બાદ હવે 2026ની વિધાનસભા ચૂંટણીમાં પક્ષ સરકાર રચવાના દરજ્જા સુધી પહોંચી ગયો છે.

પશ્ચિમ બંગાળ ભાજપના સ્થાપક ડો. શ્યામા પ્રસાદ મુખર્જીનું જન્મસ્થળ હોવાથી આ જીતને પ્રતિકાત્મક મહત્વ પણ છે. કુલ મળીને દેશની રાજકીય પરિસ્થિતિમાં ભાજપ-એનડીએનો વધતો પ્રભાવ એક નવા યુગની શરૂઆત દર્શાવે છે.